અમદાવાદની અલ-ફલાહ ઇસ્લામિક સ્કૂલની માન્યતા કાયમી રદ કરવાની DEOની ભલામણ: તપાસમાં સામે આવી અનેક ગેરરીતિઓ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી અલ-ફલાહ ઇસ્લામિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. શાળામાં પ્રવેશ ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ હોવા અને મંજૂરી વિના ઉચ્ચ ધોરણોના વર્ગો ચલાવવાના મુદ્દે કાર્યવાહી કરવાની તૈયારી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની માન્યતા કાયમી ધોરણે રદ કરવાની ભલામણ કરી છે.

આ સમગ્ર મામલો મુખ્યમંત્રીના પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ બાદ સામે આવ્યો હતો. ફરિયાદના આધારે અમદાવાદ શહેર (પૂર્વ) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અનિયમિતતાઓ જણાતાં શાળાને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેની સામેના આરોપો અંગે ખુલાસો માગવામાં આવ્યો હતો. ત્યારબાદ RTEના માળખા હેઠળ રચાયેલી વિશેષ તપાસ સમિતિએ 15 ઑક્ટોબર, 2026ના રોજ પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.

RTE સમિતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને RTEના માળખા હેઠળ એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ તપાસ કરીને ગત 15 ઑક્ટોબર, 2026ના રોજ પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલે શાળા સંચાલકોના ભ્રષ્ટાચાર અને બેજવાબદારીની તમામ પોલ ખોલી નાખી છે, જેમાં વિદ્યાર્થીઓની મંજૂર ક્ષમતાથી લઈને નકલી દસ્તાવેજો સુધીના ગંભીર મુદ્દાઓ બહાર આવ્યા છે.

તપાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને થયો છે. વર્ષ 2018માં આ શાળાને માત્ર ધોરણ 1થી 5 સુધીના વર્ગો માટે જ મંજૂરી અપાઈ હતી. જેમાં કુલ 200 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ હતી. તેની સામે, તપાસ દરમિયાન આ પાંચેય ધોરણોમાં અંદાજે 1,252 વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે સરકારી નિયમોને નેવે મૂકીને મંજૂર મર્યાદા કરતાં છ ગણાથી પણ વધુ બાળકોને એડમિશન આપવામાં આવ્યું હતું.

વગર મંજૂરીના વર્ગો અને બોગસ શાળાઓના રેકોર્ડનો ખેલ

આ ઉપરાંત શાળા પાસે ધોરણ 6થી 8 સુધીના વર્ગો ચલાવવાની કોઈ જ મંજૂરી ન હોવા છતાં આ વર્ગો ધમધમી રહ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના પુરવાઓમાં એ પણ સામે આવ્યું કે વિદ્યાર્થીઓને ‘આર.એ. પ્રાથમિક શાળા’ના નામે લિવિંગ સર્ટિફિકેટ અપાતા હતા. આ સિવાય ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પર તપાસ કરતાં આ બાળકોના રેકોર્ડ પહેલેથી જ બંધ થઈ ચૂકેલી ‘ચેરી બ્લોસમ ઇંગ્લિશ સ્કૂલ’ના UDISE નંબર હેઠળ નોંધાયેલા જોવા મળ્યા હતા.

હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાની માન્યતા રદ કરવાની ભલામણ અને સંચાલકો સામે પોલીસ ફરિયાદની મંજૂરી માંગવાના પગલાંથી સ્પષ્ટ છે કે સરકાર આવા શિક્ષણ માફિયાઓ સામે હવે કોઈ પણ પ્રકારની નરમાાઈના મૂડમાં નથી. આ કાર્યવાહી આગામી સમયમાં નિયમો વિરુદ્ધ ચાલતી અન્ય શાળાઓ માટે પણ લાલબત્તી સમાન સાબિત થશે.