ગાઝાનો બદલો લેવા ઇઝરાયેલમાં પ્લેન ક્રેશ કરવા માગતો હતો હમ્મામી, હુમલો નિષ્ફળ જાય તો ‘પ્લાન B’ પણ હતો તૈયાર: તપાસમાં ઘટસ્ફોટ

30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ની ફ્લાઇટ FZ1073માં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ કોકપિટમાં હુમલો કર્યો હતો. હવે તપાસમાં આ ઘટનાને લઈને ચોંકાવનારી નવી વિગતો સામે આવી રહી છે. ઓમાની નાગરિક હમ્મામીએ UAEના તપાસકર્તાઓને જણાવ્યું છે કે તેનો હેતુ માત્ર વિમાનને હાઈજેક કરવાનો નહોતો, પરંતુ વિમાનને ઇઝરાયેલમાં ક્રેશ કરવાનો હતો. UAEના અધિકારીઓ અગાઉથી જ આ ઘટનાને ‘આતંકવાદી હુમલાનો પ્રયાસ’ ગણાવી ચૂક્યા છે.

લેવા માંગતો હતો ‘ગાઝાનો બદલો’

ઇઝરાયેલી મીડિયાના અહેવાલો મુજબ, પૂછપરછ દરમિયાન હમ્મામીએ દાવો કર્યો છે કે તે ‘ગાઝાના બદલા’ માટે આ હુમલો કરી રહ્યો હતો અને ‘શહીદ’ તરીકે મરવા માગતો હતો. જોકે, આ કેસમાં તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલની સુરક્ષા એજન્સી ‘શિન બેટ’ના અધિકારીઓ પણ હવે UAE પહોંચી ગયા છે અને આરોપી હમ્મામીની કડક પૂછપરછમાં જોડાયા છે.

તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે હમ્મામી ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટને પોતાનું મુખ્ય નિશાન બનાવવા માગતો હતો. તેણે ફ્લાયદુબઈ એરલાઈન્સમાં નોકરી મળ્યા પહેલાં જ આ હુમલાનું કાવતરું ઘડી રાખ્યું હતું. તેની યોજના યોગ્ય તક જોઈને કેપ્ટનને કાબૂમાં લેવાની, વિમાનનું નિયંત્રણ મેળવવાની અને ત્યારબાદ તેને બેન ગુરિયન એરપોર્ટ અથવા તેલ અવિવના ‘અઝરીયેલી ટાવર્સ’ જેવા કોઈ મોટા નિશાન સાથે અથડાવવાની હતી.

‘પ્લાન B’ પણ હતો તૈયાર

અહેવાલો અનુસાર જો ઇઝરાયેલમાં વિમાન ક્રેશ કરવાની યોજના સફળ ન થાય તો હમ્મામીએ ‘પ્લાન B’ પણ તૈયાર રાખ્યો હતો. આ બેકઅપ પ્લાન હેઠળ તેણે જોર્ડનમાં આવેલા મુવફાક સાલ્ટી એર બેઝને ટાર્ગેટ કરવાનું વિચાર્યું હતું, જ્યાં અમેરિકી સૈન્યની કામગીરી અને હાજરી રહે છે. જોકે, આ બેકઅપ ટાર્ગેટ અંગેની માહિતીની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે હમ્મામીએ જુલાઈ મહિનામાં જ આવો હુમલો કરવાનું આયોજન કર્યું હતું. તે સમયે ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સમાં તેનો કોઈ મિત્ર સામેલ હોવાને કારણે તેણે પોતાની યોજના મુલતવી રાખી હોવાની શક્યતા છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ તપાસકર્તાઓ એ બાબતની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે શું તેણે ખાસ કરીને એવી જ એરલાઈન પસંદ કરી હતી જેની ફ્લાઇટ ઇઝરાયેલ તરફ જતી હોય.

ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં પણ તપાસ ચાલુ

આ ઘટના બાદ હમ્મામીની ભૂતકાળની પૃષ્ઠભૂમિ અને સુરક્ષા ચકાસણી  સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. રિપોર્ટ્સ મુજબ, તેણે 2018-19 દરમિયાન ન્યૂઝીલેન્ડમાં લગભગ છ મહિનાના સ્ટુડન્ટ વિઝા પર રહીને ફ્લાઇટ ટ્રેનિંગ લીધી હતી. હાલ ન્યૂઝીલેન્ડ પોલીસ તેની ત્યાંની પ્રવૃત્તિઓનો રેકોર્ડ તપાસી રહી છે, જ્યારે ઑસ્ટ્રેલિયામાં પણ તેની કોઈ શંકાસ્પદ કડીઓ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત અગાઉના અહેવાલોમાં એવો દાવો પણ સામે આવ્યો હતો કે હમ્મામીને ઉડ્ડયન સંબંધિત સુરક્ષા ચિંતાઓને કારણે ‘ઓમાન એર’ની ફ્લાઇટ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે આ અંગે વિવિધ વિગતો સામે આવી રહી છે. તપાસકર્તાઓ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો તેની સામે અગાઉથી જ કોઈ સુરક્ષા સંબંધિત પ્રશ્નો હતા તો તે ફ્લાયદુબઈમાં કો-પાયલટ જેવા જવાબદાર પદ સુધી કેવી રીતે પહોંચ્યો અને કામ કરતો રહ્યો. આ બાબતે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સના ક્રૂ-વેટિંગ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

કેપ્ટન સ્મિત મચ્છરે આતંકી હુમલાને કર્યો નિષ્ફળ

સૌથી મહત્વની વાત એ છે કે કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની અસાધારણ હિંમત અને સૂઝબૂઝથી આ મોટો અકસ્માત ટાળ્યો હતો. હમ્મામીના હુમલામાં ઘાયલ થયા હોવા છતાં કેપ્ટન સ્મિતે તાત્કાલિક કોકપિટનો દરવાજો ખોલીને બહાર રહેલા ક્રૂ અને મુસાફરોને મદદ માટે સંકેત આપ્યો હતો. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદથી હમ્મામીને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુક ખાતે સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હાલમાં UAEના નેતૃત્વ હેઠળ વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ આ સમગ્ર આતંકી ષડયંત્રની કડીઓ જોડી રહી છે.