‘ન્યાયિક મર્યાદાનું ઉલ્લઘંન’: SIR પર જસ્ટિસ ઉજ્જલ ભુયાણની ટિપ્પણી સામે પૂર્વ CJI બી.આર. ગવઈ સહિત નિવૃત્ત જજોએ ઉઠાવ્યા સવાલ

દેશમાં અત્યારે મતદાર યાદીઓની સુધારણા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ની (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના વર્તમાન જજ જસ્ટિસ ઉજ્જલ ભુયાણે એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. હવે આ ટિપ્પણીને કારણે ન્યાયિક મર્યાદા પર મોટો વિવાદ ઊભો થયો છે.

જસ્ટિસ ભુયાણની ટિપ્પણી સામે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જે મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોય અને જેના પર નિર્ણય આવવાનો બાકી હોય, તેના પર કોર્ટના વર્તમાન જજ દ્વારા જાહેર મંચ પરથી અભિપ્રાય આપવો એ ન્યાયિક મર્યાદાની વિરુદ્ધ છે.

આ ઉપરાંત દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ.એન. ધીંગરાએ પણ આ નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતના વર્તમાન ન્યાયાધીશ દ્વારા આવી ટિપ્પણી કરવી એ તેમની ન્યાયિક મર્યાદાની બહાર છે. જે મામલો અદાલતમાં વિચારાધીન હોય, તેના પર જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કરવા યોગ્ય ગણાય નહીં.

બીજી તરફ, નિવૃત્ત જજ આર.એસ. સોઢીએ કહ્યું કે મતદાર યાદીની સામાન્ય સુધારણા પ્રક્રિયાને સીધી રીતે ‘મતાધિકાર છીનવી લેવો’ કહેવી વ્યાજબી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો યાદીમાં ભૂલથી અયોગ્ય વ્યક્તિનું નામ ઉમેરાઈ ગયું હોય તો તેને દૂર કરવું અને કોઈ યોગ્ય નાગરિકનું નામ રહી ગયું હોય તો તેને સામેલ કરવું, એ કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયાનો જ એક સ્વાભાવિક ભાગ છે.

જસ્ટિસ ભુયાણનું નિવેદન

નોંધનીય છે કે હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ ઉજ્જલ ભુયાણે કહ્યું હતું કે, જો કોઈ સરકારી કે વહીવટી પ્રક્રિયાને કારણે લાખો ભારતીય નાગરિકો પોતાનો મત આપવાનો અધિકાર ગુમાવી દે અને પોતાના જ દેશમાં ‘બીજા વર્ગના નાગરિક’ બની જાય તો આવી પ્રક્રિયા મૂળભૂત રીતે મનસ્વી ગણાશે.

તેમણે કહ્યું કે એક ભારતીય નાગરિક માટે મત આપવાનો કે મતદાર યાદીમાં નામ રાખવાનો અધિકાર એ તેની ઓળખનો મુખ્ય ભાગ છે. નાગરિક પાસેથી મતાધિકાર છીનવી લેવો એ શરીરમાંથી આત્મા કાઢી લેવા સમાન છે. લાખો લોકોને મતાધિકારથી વંચિત રાખતી પ્રક્રિયા બંધારણના સમાનતાના અધિકાર અને મતાધિકારની વિરુદ્ધ થઈ શકે છે.

જસ્ટિસ ભુયાણે વધુમાં જણાવ્યું કે ભારતમાં દરેક પુખ્ત વ્યક્તિને મત આપવાનો અધિકાર આપવાની સંકલ્પના 1895ના ‘સ્વરાજ બિલ’થી ચાલી આવે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ બંધારણ સભામાં તર્ક આપ્યો હતો કે દેશના નાગરિકોનો આ અધિકાર માત્ર કોઈ કાયદા કે વહીવટી નિર્ણયની મરજી પર નિર્ભર ન હોવો જોઈએ, પરંતુ તેને બંધારણમાં મજબૂત સ્થાન મળવું જોઈએ.

તેમણે ‘રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ એક્ટ, 1950’ની કલમ 22નો ઉલ્લેખ કરતા કહ્યું કે, એકવાર કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં નોંધાઈ જાય, પછી તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે સિવાયના કિસ્સામાં યોગ્ય નોટિસ આપ્યા વગર અને તેની વાત સાંભળવાની તક આપ્યા વગર નામ કાઢી શકાય નહીં.

SIR સામેનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ

આ સમગ્ર ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચૂંટણી પંચની આ SIR પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. મે 2026માં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બિહારમાં SIR બાદ આશરે 65 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહી ગયા હતા, જેના પગલે કોર્ટે પંચને આવાં નામો જાહેર કરવા અને લોકોને પોતાના દાવા રજૂ કરવાની તક આપવા આદેશ કર્યો હતો. અહીં એ સમજવું જરૂરી છે કે SIR અને કોઈનું નામ ગેરકાયદેસર રીતે કાઢી નાખવું, એ બંને અલગ બાબતો છે. SIRનો ઉદ્દેશ્ય બોગસ, સ્થળાંતરિત કે મૃત્યુ પામેલા લોકોનાં નામ દૂર કરવાનો છે.