
ભરૂચની વિવાદિત જામા મસ્જિદ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં છે. લાંબા સમયથી એ હકીકત પર ચર્ચા થઈ રહી છે કે અહીં પહેલાં જૈન સમરી વિહાર સહિત હિંદુ-જૈન ધાર્મિક સ્થાપત્યો હતાં અને તેમના અવશેષોનો ઉપયોગ કરીને વર્તમાન મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યાં હિંદુ અને જૈન ધર્મ સાથે જોડાયેલી મૂર્તિઓ અને પ્રાચીન અવશેષોની તસવીરો સામે આવી છે. એક તરફ મસ્જિદના ભોંયતળિયામાંથી ગણેશજી સહિતની દેવી-દેવતાઓની પ્રતિમાઓ અને સંવત 1213 દર્શાવતી તકતી સામે આવી છે તો બીજી તરફ આજે જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને જામા મસ્જિદ મૂળ જૈન સમરી વિહાર હોવાનો દાવો ફરી ઉઠાવ્યો છે.
જામા મસ્જિદના ભોંયતળિયામાંથી ઉંદર સાથેની ગણપતિની પ્રતિમા, સંવત 1213 દર્શાવતી તકતી, ભગવાન મલ્લિનાથજી સાથે જોડાયેલી આકૃતિઓ અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ હોવાની તસવીરો સામે આવી છે. મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા તથા પિલરોમાં પણ દેવી-દેવતાઓની આકૃતિઓ હોવાની માહિતી સામે આવી છે. આ મામલે સ્થળને તેની મૂળ સ્થિતિમાં પરત લાવવાની માગ સાથે મુક્તાનંદ સ્વામી સહિતના સંતો અને આગેવાનો આંદોલન પણ ચલાવી રહ્યા છે.
દરમ્યાન જૈન સમાજના આગેવાનો, સંતો અને શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. તેમની મુખ્ય માગ અને દાવો એ છે કે હાલની જામા મસ્જિદનું મૂળ સ્વરૂપ જૈન ધર્મના પવિત્ર ‘સમરી વિહાર’નું હતું. સ્થળની મુલાકાત દરમિયાન જૈન સમાજના આગેવાનોએ 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથજીની પ્રાચીન પ્રતિમા, ગણેશજી સહિતની હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પ્રાચીન શિલ્પકળાના અવશેષો હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થળ સદીઓ પહેલાં જૈન તીર્થધામ તરીકે ઓળખાતું હતું.
જૈન સમાજ દ્વારા આ સમગ્ર મામલાને માત્ર ધાર્મિક આસ્થાનો નહીં, પરંતુ ઐતિહાસિક અને પુરાતત્વીય વારસાનો વિષય ગણાવવામાં આવી રહ્યો છે. આગેવાનોનું કહેવું છે કે સ્થળના મૂળ ઇતિહાસ, સ્થાપત્ય અને અહીં મળી રહેલી મૂર્તિઓ તથા અવશેષોનું વૈજ્ઞાનિક અને પુરાતત્વીય સર્વેક્ષણ થવું જોઈએ. આ માટે પુરાતત્વ વિભાગ સમક્ષ તપાસની માગ પણ ઉઠાવવામાં આવી રહી છે. જામા મસ્જિદ હાલ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા એટલે કે ASIના સંરક્ષણ હેઠળનું ઐતિહાસિક સ્મારક છે.
નોંધનીય છે કે ભરૂચ જિલ્લા સરકારની સત્તાવાર વેબસાઇટ પર પર લખવામાં આવ્યું છે કે ભરૂચની જામા મસ્જિદ 14મી સદી દરમિયાન બનાવવામાં આવી હતી અને તે પ્રાચીન જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી છે. વેબસાઇટ મુજબ મસ્જિદ મંદિર સામગ્રીથી બનેલી છે, તેના 48 સ્તંભો ત્રણ ભાગમાં ગોઠવાયેલા છે અને આ ગોઠવણી તે ત્રણ મંદિરોને અનુરૂપ છે જ્યાંથી સ્તંભો લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સરકારી વર્ણનમાં મસ્જિદના મિહરાબની રચના હિંદુ મંદિરોમાં જોવા મળતી નિશાનીની નકલ હોવાનું પણ જણાવાયું છે. છતમાં મંદિરના સ્થાપત્યમાં જોવા મળતી ભૌમિતિક રચનાઓ હોવાનો ઉલ્લેખ છે. એટલે જામા મસ્જિદનું વર્તમાન સ્થાપત્ય પોતે જ તેના બાંધકામમાં અગાઉના મંદિર સ્થાપત્યના મોટા પ્રમાણમાં ઉપયોગ તરફ ઈશારો કરે છે.
આ વિવાદનો એક મહત્વનો સંદર્ભ એ પણ છે કે જૂન મહિનાથી આ મુદ્દે હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સતત રજૂઆતો અને આંદોલન થઈ રહ્યાં છે. જૂન મહિનામાં 2,000થી વધુ લોકોની પદયાત્રા યોજાઈ હતી અને લગભગ 35,000 હસ્તાક્ષર સાથેનું આવેદન જિલ્લા તંત્રને આપવામાં આવ્યું હતું. આંદોલનકારીઓએ જામા મસ્જિદને મૂળ જૈન સમરી વિહાર ગણાવી તેને મૂળ સ્થિતિમાં લાવવાની માગ કરી હતી.
હવે ભોંયતળિયામાંથી ગણેશજી સહિતની મૂર્તિઓ, ભગવાન મલ્લિનાથજી સાથે જોડાયેલી પ્રાચીન પ્રતિમા અને સંવત 1213ની તકતી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ વિવાદે ફરી વેગ પકડ્યો છે. વધુમાં ઑપઇન્ડિયાએ ઘણા સમય પહેલાં જ આ જામા મસ્જિદને લઈને સંશોધિત લેખ લખ્યો હતો, જેમાં સ્પષ્ટપણે પુરાવા સાથે એ સાબિત કરવામાં આવ્યું હતું કે ભરૂચની જામા મસ્જિદ હિંદુ-જૈન મંદિરો તોડીને બનાવવામાં આવી હતી. એ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

