
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નર્મદાના સાગબારામાં 2 ઑક્ટોબરે એક સભા સંબોધિત કરતી વખતે શંકરસિંહે જ્ઞાતિઓ ઉપર ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ તો ઠીક પણ તેમણે પોતે પણ ફેસબુક અકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કર્યો છે.
શકરસિંહ સાગબારામાં ‘વન અધિકાર સત્યાગ્રહ’ નામના એક કાર્યક્રમ ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા. અહીં આદિવાસી સમુદાયને સંબોધન કરતી વખતે શંકરસિંહે અનામત વગેરે મુદ્દે વાત કરી હતી.
વાઘેલાએ કહ્યું, ‘દિલ્હી અને ગાંધીનગરમાં બેઠા એ અનામતના દુશ્મનો છે. અનામત મહેરબાનીથી નથી મળ્યું, આખી જિંદગી ભોગવ્યું છે.’
આગળ તેમણે પાટીદારો, વણિકો અને બ્રાહ્મણોનો ઉલ્લેખ કરીને કહ્યું, “હું તો કહું છું કે પટેલ, વાણિયા, બ્રાહ્મણ જે પણ હોય, જે આના વિરોધ હોય (અનામતના), મેલું ઉપાડવા માટે મહિને પચાસ હજાર પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો.”
આગળ કહ્યું, “આદિવાસી સમાજ જે હાલતમાં રહે એ હાલતમાં તમે રહો તો ખબર પડે કે તેઓ કઈ રીતે રહે છે. લાઇટ નહીં, પાણી નહીં કંઈ જ નહીં. એવા ઠેકાણે વર્ષોનો અન્યાય, એનું વળતર આ અનામત છે. એટલે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, અધર બેકવર્ડ ક્લાસ… તમે 70% છો, તમે ગુજરાતના માલિક છો.”
શંકરસિંહે કહ્યું, “બનાવટી, ચાલુ માણસો, લાલચુ માણસો દરેક ઠેકાણે હોય…બેસી ગયા હોય. તમે નક્કી કરો કે આ કષ્ટ ભોગવવાં નથી તો 12 મહિના પછી તમારા હાથમાં જ છે. ફરિયાદ નહીં કરવાની. માલિક થાઓ. 2026 પૂરું થવા આવ્યું… 2027 શરૂ થશે અને જોતજોતાંમાં ઇલેક્શન આવી જશે. ઈલેક્શનમાં કોઈ પણ પ્રકારના દબાણ વગર, શરમસંકોચ વગર અમને આ સરકાર નહીં જોઈએ અને બીજી સરકાર લાવીશું એવું નક્કી કરો.”
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવવાની તૈયારી કરી રહ્યા છે અને તેના માટે કોંગ્રેસ સાથે વાતચીત પણ ચાલી રહી છે. પછીથી કોંગ્રેસના ગુજરાતના નેતાઓ અને સ્વયં શંકરસિંહે પણ પુષ્ટિ કરી હતી. જોકે હજુ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત બાકી હોવાનું કહેવાય છે.
શંકરસિંહે 2017માં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. 9 વર્ષ બાદ એક તરફ તેઓ ફરીથી પાર્ટીમાં સામેલ થવાની વાત કહી રહ્યા છે અને બીજી તરફ વિધાનસભા ચૂંટણી પહેલાં જ્ઞાતિવાદ પર ટિપ્પણીઓ કરીને વધુ એક વિવાદ સર્જી દીધો છે. જેના પ્રત્યાઘાત શરૂ થઈ ગયા છે.

