
18 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લેનાર આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના કેસમાં હવે નવી જાણકારી બહાર આવી છે. જે મુજબ તેણે પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયા બાદ એક માફીપત્ર પણ લખી આપ્યું હતું.
અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર 18 સપ્ટેમ્બરના રોજ મધ્ય-સત્ર પરીક્ષા દરમ્યાન એઆઈ ચેટબોટની મદદથી જવાબો લખતાં પકડાઈ ગયા બાદ સાહિલને એચઓડી ઑફિસમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે એક માફીપત્ર લખીને હસ્તાક્ષર કરી આપ્યા હતા. ત્યારબાદ તે હોસ્ટેલ જતો રહ્યો અને ત્યાંથી બહાર ન આવ્યો. આખરે તેના આપઘાતના સમાચાર મળ્યા.
જોકે અખબાર અનુસાર આઈઆઈટી બૉમ્બેની સ્ટાન્ડર્ડ પ્રોસીજરમાં ક્યાંય માફીપત્રનો ઉલ્લેખ નથી. પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જનાર વિદ્યાર્થી સામે શું અને કેવી કાર્યવાહી કરવી જોઈએ તેના નિયમોમાં માફીપત્ર નથી. પરંતુ તેમ છતાં સંસ્થાઓ આ રીતે માફીપત્ર લખાવતી હોય છે, જેનો અર્થ એ થાય કે વિદ્યાર્થીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તેની વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં ન આવે કે તેને બીજી તક આપવામાં આવે. શૈક્ષણિક સંસ્થાઓ સામાન્ય રીતે આ જ કારણોસર નિયમોમાં ન હોવા છતાં માફીપત્ર લખાવી લેતી હોય છે, જેથી વિદ્યાર્થી પણ આગળ વધુ હેરાન ન થાય.
મુંબઈ પોલીસે હાલ આઈઆઈટી પાસેથી તમામ દસ્તાવેજો માગ્યા છે અને સાહિલના મૃત્યુ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસે અનેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓનાં પણ નિવેદનો નોંધ્યાં છે. પ્રોફેસર સૂર્યનારાયણ દૂલા, જેમણે વિદ્યાર્થીને ચોરી કરતાં પકડ્યો હતો અને જેમની વિરુદ્ધ જ્ઞાતિગત ભેદભાવ અને હેરાનગતિના આરોપ હેઠળ FIR થઈ છે, તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જોકે હજુ સુધી જ્ઞાતિગત ભેદભાવ કે હેરાનગતિના આરોપો માટે કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસને તાજેતરમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મૃત્યુ પહેલાં સાહિલે તેની એક મિત્રને ફોન કર્યો હતો અને તેમાં કહ્યું હતું કે તેની પરીક્ષા ઠીક જઈ રહી નથી. આ જ ફોનકોલમાં તેણે પોતે પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હોવાનું પણ જણાવ્યું હતું. આ બંને વચ્ચે અંતિમ વાતચીત હતી, ત્યારપછી વાત ન થઈ.
દરમ્યાન પરીક્ષાખંડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે, જેમાં સાહિલ પગ નીચે મોબાઈલ રાખતો જોવા મળે છે. ત્યારબાદ પ્રોફેસર દૂલા તેની નજીક જઈને મોબાઈલ લઈ લે છે અને સાહિલને બહાર જવા માટે કહે છે. કહેવાય છે કે ત્યારબાદ તેને એચઓડી ઑફિસ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તે હોસ્ટેલ જતો રહ્યો, જ્યાં આપઘાત કર્યો.
હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

