શરજીલ ઇમામ-ઉમર ખાલિદની વધુ એક જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

દિલ્હીમાં રમખાણો સંબંધિત UAPA કેસના આરોપીઓ કટ્ટરપંથી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાની દિલ્હી હાઇકોર્ટ ના પાડી છે. બુધવારે, 30 સપ્ટેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટે બંનેની જામીન અરજીઓ ફગાવી દીધી. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અને જસ્ટિસ દિનેશ ભટ્ટની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવતાં બંનેને જામીન આપવાનો ઈનકાર કર્યો છે.

આ સમગ્ર મામલામાં હાઇકોર્ટ સમક્ષ મુખ્ય વિષય માત્ર જામીનનો નહોતો, પરંતુ જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની શરતોનું પાલન કરાવવાનો હતો. 5 જાન્યુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ગુલફિશા ફાતિમા કેસમાં ચુકાદો આપતાં કેટલાક સહઆરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે બંનેની ભૂમિકા પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટ જણાય છે અને હાલ તેમને જામીન પર મુક્ત ન કરી શકાય.

જોકે ત્યારે સુપ્રીમ કોર્ટે બંને માટે ચોક્કસ શરતો નક્કી કરી હતી, જે અનુસાર સાક્ષીઓની ઉલટતપાસ પૂર્ણ થઈ જાય અથવા આદેશને (જાન્યુઆરીના આદેશને) એક વર્ષ પૂરું થઈ જાય ત્યારબાદ બંને નવેસરથી જામીન માટે અરજી કરી શકશે. પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે આ સમયમર્યાદા પૂર્ણ થાય એ પહેલાં જ જામીન માટે અરજીઓ દાખલ કરી દીધી હતી.

દિલ્હી પોલીસ તરફથી આ અરજીઓનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી શરતો પૂર્ણ થયા વિના નવી જામીન અરજી કરવી એ કાયદાકીય પ્રક્રિયા અને સર્વોચ્ચ અદાલતના આદેશોનું ઉલ્લંઘન છે. દિલ્હી હાઇકોર્ટે પણ પોલીસની આ દલીલને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ અને તેની મર્યાદાઓને પ્રાથમિકતા આપી હતી.

‘સુપ્રીમ કોર્ટની શરતોમાં ન કરી શકાય ફેરફાર’

દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી શરતોમાં તે કોઈ રીતે ફેરફાર કરી શકતી નથી. ડિવિઝન બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાઇકોર્ટ ન્યાયિક શિસ્તથી બંધાયેલી છે. આથી ટ્રાયલ કોર્ટે જામીન નકારવાનો જે નિર્ણય લીધો હતો તેમાં કોઈ ખામી ન હોવાનું કહી હાઇકોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

સુનાવણી દરમિયાન ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ તરફથી તસ્લીમ અહમદ અને ખાલિદ સૈફી જેવા સહઆરોપીઓને મળેલી વચગાળાની જામીનનો હવાલો આપીને સમાનતાના ધોરણે જામીન માંગવામાં આવ્યા હતા. પરંતુ હાઇકોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. બેન્ચે નોંધ્યું કે સુપ્રીમ કોર્ટના અવલોકનો મુજબ તસ્લીમ અહમદ અને ખાલિદ સૈફીની ભૂમિકા કરતા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની ભૂમિકા સાવ અલગ અને વધુ ગંભીર છે.

UAPA હેઠળ જેલમાં બંધ

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને આ સમગ્ર હિંદુવિરોધી રમખાણો અને કાવતરાના આઇડિયોલોજિકલ ડ્રાઇવર અને મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. દેશ વિરોધી અને ઉશ્કેરણીજનક ભાષણો આપીને ભીડ ભેગી કરવા અને રાજધાની દિલ્હીને હિંસાની આગમાં હોમવાનું મોટું ષડયંત્ર રચવામાં આ બંનેની મોટી ભૂમિકા સામે આવી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ કેસની તપાસ કરી રહી છે. વર્ષ 2020માં ઉત્તર-પૂર્વ CAAના વિરોધના નામે રચાયેલા આ મોટા કાવતરામાં આરોપીઓ સામે UAPA અને BNSની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસ સમક્ષ આરોપીઓ સામે પૂરતા ડિજિટલ પુરાવાઓ અને દસ્તાવેજો ઉપલબ્ધ છે.

આ પહેલાં પણ ફગાવાઈ ચૂક્યા છે જામીન

કટ્ટરપંથી ઉમર ખાલિદ માટે હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવાની આ ત્રીજી નિષ્ફળ અરજી હતી, જ્યારે શરજીલ ઇમામ માટે આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ જામીન મેળવવાનો આ બીજો નિષ્ફળ પ્રયાસ હતો. અગાઉ પણ બંનેની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે.

તાજેતરમાં પણ દિલ્હી હાઇકોર્ટે સમગ્ર કેસના તથ્યો અને સુપ્રીમ કોર્ટે ગુલફિશા ફાતિમા કેસમાં નક્કી કરેલી શરતોને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને બંનેની અપીલો ફગાવી દીધી હતી. આ ચુકાદા બાદ હવે બંને આરોપીઓએ જેલમાં જ રહેવું પડશે અને તેમની સામેની ટ્રાયલ કાર્યવાહી આગળ વધશે.