હોમપેજમંતવ્ય‘કોકરોચો’ના કથિત આંદોલનથી ડરીને જેન-ઝીનું સોશિયલ મીડિયા બંધ કરી રહી છે સરકાર?...

‘કોકરોચો’ના કથિત આંદોલનથી ડરીને જેન-ઝીનું સોશિયલ મીડિયા બંધ કરી રહી છે સરકાર? દીપકેનો દાવો કેટલી હદે સાચો, વાંચો હકીકત

‘સરકાર જનરેશન ઝી અને આલ્ફાના વિરોધથી ડરી ગઈ છે’ તેવો દાવો કરવો એ માત્ર રાજકીય એજન્ડાને જીવંત રાખવાનો નિષ્ફળ પ્રયાસ છે. કોકરોચોએ સમજવાની જરૂર છે કે કાયદાકીય પૃષ્ઠભૂમિ, સુપ્રીમ કોર્ટના આદેશો અને વૈશ્વિક ઉદાહરણો સાબિત કરે છે કે બાળ સુરક્ષાનો આ મુદ્દો અત્યંત ગંભીર છે.

- Advertisement -

રાજકારણમાં જ્યારે કોઈ પક્ષ કે કથિત ક્રાંતિનાં બણગાં ફૂંકવાનો ફાંકો રાખતા માણસો પાસે જનતા વચ્ચે જવાનો કે સરકારી નીતિઓ સામે તાર્કિક, સચોટ અને તથ્ય આધારિત દલીલો કરવાનો એક પણ વાસ્તવિક મુદ્દો બચતો નથી ત્યારે તેઓ અફવાઓ, અર્ધસત્યો અને જનતાને ગેરમાર્ગે દોરનારા નેરેટિવનો આશરો લેતા હોય છે. હાલમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને તેનો વડો અભિજીત દીપકે પણ આવો જ એક સંપૂર્ણપણે પાયાવિહોણો અને હાસ્યાસ્પદ દાવો કરી રહ્યાં છે.

દીપકે એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો કે સરકારે તેમના આંદોલનથી ગભરાઈને દેશના યુવાનો અને Gen-Z માટે સોશિયલ મીડિયા બંધ કરવાનો કે તેના પર કડક નિયંત્રણો લાદવાનો નિણર્ય લીધો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર તેના સમર્થકો આ વાતને એવી રીતે પ્રોજેક્ટ કરી રહ્યા છે જાણે કે સરકાર તેના આંદોલનથી ડરીને દેશના યુવાનો પર ડિજિટલ અંકુશ લાદવા જઈ રહી છે.

પરંતુ આ દાવાની પાછળની વાસ્તવિકતા અને તથ્યો સાવ અલગ અને વિપરીત છે. અહીં પાયાનો સવાલ એ છે કે શું સરકાર કોકરોચ આંદોલનના કારણે કે તેનાથી ગભરાઈને અચાનક સોશિયલ મીડિયા નિયંત્રણ અંગે વિચારી રહી છે? કે પછી વાસ્તવમાં બાળકો અને કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ અંગે કાયદાકીય ચિંતાઓ છે?

- Advertisement -

28 સપ્ટેમ્બરની સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

વાસ્તવમાં 28 સપ્ટેમ્બર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ જ મુદ્દે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ’ (Just Rights for Children Alliance) નામક NGOની PIL પર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સગીરો અને બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કાયદાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

અહીં મુદ્દો એ હતો કે ભારતીય કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિને સ્વતંત્ર રીતે કરાર કરવાની મંજૂરી નથી તો પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ટર્મ્સ ઑફ સર્વિસ સ્વીકારીને 18 વર્ષથી નાનો કિશોર પોતાનું એકાઉન્ટ કેવી રીતે ચલાવી શકે?

PILમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર નવું એકાઉન્ટ બનાવે છે ત્યારે તે કંપનીના નિયમો અને શરતો સ્વીકારીને એક રીતે કરાર જ કરે છે. હવે જો કોઈ બાળક પોતાની જન્મતારીખ સાચી લખે કે ખોટી લખીને માત્ર ‘I Agree’ પર ક્લિક કરી દે તો તેનાથી કાયદાની નજરમાં એ કરાર માન્ય બની જતો નથી. PILમાં કોર્ટનું ધ્યાન એ ખામી તરફ દોરવામાં આવ્યું હતું કે બાળકો કાયદાકીય રીતે આ શરતો સ્વીકારવા માટે સક્ષમ જ નથી.

ઓનલાઈન જોખમો, NGOની માંગ અને કોર્ટનું કડક વલણ

આ PIL માત્ર કાયદાકીય કરાર પૂરતી સીમિત નહોતી, પણ તેમાં બાળકો માટે સોશિયલ મીડિયાના અતિશય વપરાશથી ઊભા થતા ગંભીર જોખમો સામે ચિંતા વ્યક્ત કરાઈ હતી. સોશિયલ મીડિયા પર બાળકોનું શોષણ, સાયબર બુલિંગ, ધમકી આપી પૈસા પડાવવા (સેક્સટોર્શન), ખરાબ કન્ટેન્ટ દર્શાવવું અને તેમના પર્સનલ ડેટાનો દુરુપયોગ કરવા જેવા અનેક જોખમો તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ જોખમોથી બાળકોને બચાવવા માટે NGOએ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે સોશિયલ મીડિયા પર બાળકોની ઉંમર ચકાસવી અને માતા-પિતાની મંજૂરી લેવી ફરજિયાત બનાવવી જોઈએ. આ તમામ તથ્યો સાબિત કરે છે કે આ મામલો કોકરોચોના ભયની ઉપજ નથી, પરંતુ બાળકોની ઓનલાઈન સુરક્ષા માટેની મહત્વપૂર્ણ કાયદાકીય લડાઈ છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ભાર મૂક્યો હતો કે માત્ર સામાન્ય ગાઈડલાઇન્સ જાહેર કરી દેવાથી આ ગંભીર સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેથી જરૂર પડે તો સરકારે આ બાબતને કાયદાકીય સ્વરૂપ આપવું જોઈએ. એટલે કે, જે લોકો એવો દાવો કરી રહ્યા છે કે સરકાર ડરીને આ પ્રતિબંધ લાવી રહી છે, તેઓ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો ભાગ છુપાવીને પોતાની રાજનીતિના રોટલા શેકવા પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ 29 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તે આઈટી નિયમોમાં વ્યાપક સુધારા કરવાની દિશામાં આગળ વધી રહી છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે કાયદાકીય રોકની જોગવાઈ લાવવાની નીતિગત યોજના બનાવી રહી છે.

સોશિયલ મીડિયા કંપનીઓ સામે સરકારી કાર્યવાહી

આજે જે કોકરોચો ભયના દાવા કરી રહ્યા છે તેમણે એ સત્ય યાદ રાખવું જોઈએ કે સોશિયલ મીડિયા બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. ખુદ સોશિયલ મીડિયા ચલાવતી વૈશ્વિક કંપનીઓ પણ આ બાબતને નકારી શકે એમ નથી. આ સિવાય બાળકોને ઓનલાઈન જાતીય શોષણ અને હાનિકારક કન્ટેન્ટથી બચાવવાનો મુદ્દો ભારતમાં આજકાલની કોઈ એક રાજકીય ચર્ચા નથી.

આજથી 2 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે 23 સપ્ટેમ્બર 2024ના રોજ એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માત્ર પોતાની સાઈટ પરથી બાળકોના શોષણ સંબંધિત કન્ટેન્ટ (CSEAM) હટાવી દેવાથી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. POCSO હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ આવા ગુનાઓની જાણ ભારતીય પોલીસ અને સ્થાનિક સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટને કરવી ફરજિયાત છે. માત્ર અમેરિકાની એજન્સીને (NCMEC) રિપોર્ટ કરીને કંપનીઓ છટકી શકે નહીં. જો કોઈ કંપની આ કાયદાનું પાલન ન કરે તો તેમને મળતું સેફ હાર્બર પ્રોટેક્શન પણ આપમેળે છીનવાઈ જાય છે.

આ ચુકાદો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે 2026માં પણ સુપ્રીમ કોર્ટમાં તેની અમલવારી અંગે સુનાવણીઓ ચાલી રહી છે. ઑગસ્ટ 2026માં બાળ અધિકાર સંસ્થાઓએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કાયદા મુજબ ભારતીય પોલીસને રિપોર્ટ કરવામાં હજુ પણ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે. અરજીમાં એવો ખુલાસો હતો કે સોશિયલ મીડિયા પર આવા અયોગ્ય કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો પણ ચાલી રહી છે.

ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે 2024ના આદેશનો અમલ કરાવવા માટે અત્યાર સુધી શું પગલાં લેવાયાં છે? ત્યારે સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને નિયમભંગ કરનાર કંપની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે સરકાર કોકરોચોના કારણે આ નિર્ણય લાવી રહી છે એવું નથી, છેલ્લા 2 વર્ષથી આ અંગે કાર્યવાહી ચાલી જ રહી છે, જે સત્ય સામાન્ય લોકોથી છુપાવવામાં આવી રહ્યું છે.

આ જ શ્રેણીમાં સપ્ટેમ્બર 2026માં ઇન્સ્ટાગ્રામ પર ચાલતી આવી અયોગ્ય જાહેરાતો અંગે બાળ સંરક્ષણ આયોગ (NCPCR) સમક્ષ મેટાના (Meta) વરિષ્ઠ અધિકારીઓને હાજર થવું પડ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવા તમામ કેસોની જાણ સીધી ભારતીય એજન્સીઓને કરવા માટે સંમતિ આપી હતી.

Metaના કેસ પરથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી બાબતોને જમીની સ્તરે લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં અદાલતમાં માત્ર કોઈ એક પ્લેટફોર્મ માટે નહીં, પરંતુ તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ગુના ઓળખવા, રિપોર્ટ કરવા અને પોલીસ સાથે સહયોગ કરવા માટે એક સમાન અને કડક કાયદાકીય માળખું બનાવવાની માંગ કરવામાં આવી છે.

વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે આ દિશામાં પગલાં

ભારત આજે જે દિશામાં વિચાર કરી રહ્યું છે, તે આકાશમાંથી ઉતારી લાવેલી કોઈ નવી વાત નથી. વિશ્વના અન્ય વિકસિત અને લોકશાહી દેશો પણ આજે પોતાના દેશનાં બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ્સના માનસિક અને સામાજિક જોખમોથી બચાવવા માટે આ જ પ્રકારના કડક કાયદા બનાવી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયામાં 10 ડિસેમ્બર 2025થી 16 વર્ષથી નાની વયનાં બાળકો અને કિશોરો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, યુટ્યુબ, રેડિટ અને એક્સ જેવા તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એકાઉન્ટ બનાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ માત્ર કાગળ પરનો નિયમ નથી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયન ઈ-સેફ્ટી કમિશનરના સત્તાવાર આંકડા અનુસાર કાયદો લાગુ થયાના માત્ર ત્રણ જ મહિનામાં નિર્ધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી 16 વર્ષથી નાની ઉંમરનાં બાળકોનાં 4.7 મિલિયન એકાઉન્ટ્સની એક્સેસ બંધ કરી દેવામાં આવી હતી.  આ ઉપરાંત બ્રિટન (યુકે) પણ બાળકોના સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય માટે આ જ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બ્રિટિશ સરકારે 2026માં જ જાહેર કર્યું છે તેઓ 17 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ 16 અને 17 વર્ષના કિશોરો માટે રાત્રિના સમયે સોશિયલ મીડિયા વાપરવા પર મર્યાદા, નોટિફિકેશન મ્યુટ રાખવા, ઓટોપ્લે ડિસેબલ કરવા અને પર્સનલાઇઝ્ડ ફીડ્સ પર ડિફોલ્ટ પ્રતિબંધો જેવા અનેક સુરક્ષાત્મક નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે.

બ્રિટનના સરકારી સર્વેક્ષણોમાં બહાર આવ્યું હતું કે સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં હાનિકારક કન્ટેન્ટ, ઓનલાઈન ગ્રૂમિંગ, સાયબર બુલિંગ અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે, જેને રોકવા માટે આ વ્યાપક કાયદાકીય પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

ભારતમાં માર્ચ 2026થી ચાલી રહેલી નીતિગત પ્રક્રિયા

તેથી સરકાર માત્ર એક આંદોલનથી ડરીને આ નિયમો લાવી રહી છે એવા દીપકેના દાવા સંપૂર્ણ ભ્રામક અને તથ્યોવિહોણા છે. ભારતમાં આ મુદ્દે ચર્ચા કોઈ એકાદ અઠવાડિયામાં કે કોકરોચોના આંદોલન પછી અચાનક શરૂ થઈ છે એવું નથી. માર્ચ 2026માં જ મીડિયા અને સરકારી વર્તુળોમાં અહેવાલો સામે આવ્યા હતા કે કેન્દ્ર સરકાર બાળકો માટે સીધા સંપૂર્ણ પ્રતિબંધના બદલે ઉંમર મુજબ અલગ-અલગ નિયંત્રણો જેમ કે, વય મર્યાદા, વાલીઓની મંજૂરી જેવા કડક વિકલ્પો પર કામ કરી રહી છે.

કેન્દ્ર સિવાય આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો પણ પોતાના સ્તરે સોશિયલ મીડિયા વપરાશ પર નિયંત્રણ લાવવા કામ કરી રહ્યાં છે. ત્યાં 13 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ અને 13થી 16 વર્ષના કિશોરો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ તથા ઉંમર ચકાસણી જેવી કડક વ્યવસ્થાઓ લાવવા ચર્ચા ચાલી રહી છે. આ તમામ તથ્યો દર્શાવે છે કે ભારતમાં બાળકોની ડિજિટલ સુરક્ષાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી એક નક્કી થયેલી સરકારી અને નીતિગત પ્રક્રિયા હેઠળ જ આગળ વધી રહ્યો છે.

‘કોકરોચ પાર્ટી’ના પાયાવિહોણા દાવાનું સત્ય

એટલે કે ‘સરકાર અમારાથી ડરી ગઈ, એટલે Gen-Zનું સોશિયલ મીડિયા બંધ કરી રહી છે’ એવો કોકરોચોનો દાવો પોતાના આંદોલનને મોટું બતાવવા માટેનો માત્ર એક સ્ટંટ છે, પરંતુ આ દાવાઓમાં કોઈ સત્ય કે તથ્ય નથી. વળી, જો તેમના આંદોલનના ભયના કારણે સરકાર પ્રતિબંધ લાવી રહી છે આ દાવામાં ફૂટી કોડીનું પણ સત્ય નથી. NEET આંદોલન પૂરું થયા પછી બેકાર થયેલા કોકરોચો પાસે હવે કોઈ મુદ્દો બચ્યો નથી, એટલે જેન-Z કે જેન આલ્ફાના અવાજને દબાવવાના નામે આવાં નવાં ગતકડાં ઊભા કરી રહ્યા છે.

જે લોકો એવું સમજે છે કે ઈન્સ્ટાગ્રામ પર બનતી મીમ્સ કે ટ્રોલ્સથી ડરીને સરકાર નિયમો બદલી રહી છે, તેમણે થોડું કાયદાકીય જ્ઞાન મેળવવાની જરૂર છે. જો તેમના ડરના લીધે જ આ બધુ થતું હોય સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા અંગે માર્ચ 2026માં કેન્દ્રની ચાલેલી રોકની ચર્ચા, ઑસ્ટ્રેલિયાનું 2025થી અમલમાં રહેલું મોડલ, બ્રિટનની 2026ની યોજના, આંધ્ર પ્રદેશની પહેલ અને Meta સામે થયેલી સરકારી કાર્યવાહીનું શું?

આ બધું એ સાબિત કરે છે કે બાળ સુરક્ષાનો વિષય કોઈપણ રાજકીય આંદોલન કરતાં ઘણો વધારે વ્યાપક અને વૈશ્વિક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ કન્ટેન્ટ (CSEAM), પેઇડ એડવર્ટાઇઝિંગ અને સાયબર ગુનાઓ વિરુદ્ધ કાર્યવાહી બાળકોના રક્ષણ માટે છે, કોઈનો અવાજ દબાવવા માટે નહીં.

આથી, ‘સરકાર જનરેશન ઝી અને આલ્ફાના વિરોધથી ડરી ગઈ છે’ તેવો દાવો કરવો એ માત્ર રાજકીય એજન્ડાને જીવંત રાખવાનો નિષ્ફળ પ્રયાસ છે. કોકરોચોએ સમજવાની જરૂર છે કે કાયદાકીય પૃષ્ઠભૂમિ, સુપ્રીમ કોર્ટના આદેશો અને વૈશ્વિક ઉદાહરણો સાબિત કરે છે કે બાળ સુરક્ષાનો આ મુદ્દો અત્યંત ગંભીર છે અને તેને સંકુચિત રાજકીય ચશ્માથી જોવો એ બાળ સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયની મજાક ઉડાવવા સમાન છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં