હોમપેજમંતવ્ય'વ્હાય ધેર ઇઝ નો એન્ટી-ઇન્કમ્બન્સી અગેઇન્સ્ટ મોદી'

‘વ્હાય ધેર ઇઝ નો એન્ટી-ઇન્કમ્બન્સી અગેઇન્સ્ટ મોદી’

રાહુલ ગાંધીએ આમ તો આ ફૂલટોસ નાખ્યો હતો. જાહેરમાં આવા પ્રશ્નો કરવાની જગ્યાએ તેમણે આત્મચિંતન કરવું જોઈએ કે આવું ખરેખર શા માટે છે. જવાબ મેળવવાના પ્રયાસ કરે તોપણ તેમની અને તેમની પાર્ટીની ઘણીખરી ચિંતા ઘટી જાય એમ છે.

- Advertisement -

ભાજપ કે કેન્દ્ર સરકાર સામે કોઈ મુદ્દો ઉઠે ત્યારે સત્તાધારી પક્ષ અને તેના સમર્થકોને ચિંતા માત્ર ત્યાં સુધી હોય છે જ્યાં સુધી વિપક્ષ નેતા રાહુલ ગાંધી તેની ઉપર કશું નહીં બોલે. આ દુનિયા કઈ રીતે ચાલે છે તેનું અલ્પજ્ઞાન ધરાવતા અને મોટેભાગે સલાહકારોની સલાહ પર કામ કરતા રાહુલ ગાંધીનામાં કોઈ પણ મુદ્દાને ખતમ કરી નાખવાની કે તેની ગંભીરતા ઘટાડી નાખવાની ગજબની આવડત છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો ઘણી વખત મજાકમાં ‘ભાજપના સ્ટાર પ્રચારક’ ગણાવતા હોય છે તેની પાછળ કારણોનો સદંતર અભાવ હોય એવું નથી!

ચૂંટણી પંચના ત્રણમાંથી બે કમિશનરો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના ઘણાખરા નિર્ણયોથી સહમત હોતા નથી અને છેલ્લા દસ મહિનામાં 14 વખત જાહેરમાં પોતાનો વિરોધ સત્તાવાર રીતે નોંધાવી ચૂક્યા છે તેવો સનસનાટીભર્યો અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ છાપ્યા પછી કોંગ્રેસે બહુ હોબાળો મચાવ્યો. ત્યારપછી બીજા દિવસે રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી.

રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સ માટે કોંગ્રેસે ઠીકઠાક માહોલ બનાવ્યો. પછી નક્કી સમય કરતાં રાહુલ ગાંધી કલાક મોડા આવ્યા અને આવીને પહેલો જ પ્રશ્ન કર્યો: ભાજપ અને મોદી સામે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તાવિરોધી લહેર) કેમ નથી?

- Advertisement -

રાહુલ ગાંધીની મૂળ દલીલ એવી હતી કે ભારતની સ્થાપના સમયથી આજ સુધી દરેક સરકાર સામે અને દરેક વડા પ્રધાન સામે એન્ટી-ઇન્કમ્બન્સી રહી છે. તેના માટે તેમણે દાદી ઈન્દિરા ગાંધીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે 1977માં તેમની સામે એન્ટી-ઇન્કમ્બન્સી હતી એટલે તેઓ હારી ગયાં. તેઓ કહે છે કે ત્યારપછીની સરકારોએ પણ એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો છે. ભારતના રાજકારણમાં આ જોવા મળે છે, પણ મોદીના કિસ્સામાં કેમ જોવા મળતું નથી.

રાહુલ ગાંધીએ આમ તો આ ફૂલટોસ નાખ્યો હતો. જાહેરમાં આવા પ્રશ્નો કરવાની જગ્યાએ તેમણે આત્મચિંતન કરવું જોઈએ કે આવું ખરેખર શા માટે છે. જવાબ મેળવવાના પ્રયાસ કરે તોપણ તેમની અને તેમની પાર્ટીની ઘણીખરી ચિંતા ઘટી જાય એમ છે.

રાહુલ ગાંધીનું કહેવું જોકે એવું છે કે મોદી સામે એન્ટી-ઇન્કમ્બન્સી નથી એવું નથી પરંતુ પ્રજાના કથિત અવિશ્વાસ છતાં તેઓ ચૂંટણી પંચ સાથે મળીને ગોલમાલ કરીને ચૂંટણી જીતતા રહ્યા છે. એટલે કે ભારતમાં ‘વોટ ચોરી’ થાય છે. ચૂંટણી પ્રક્રિયા ખાડે ગઈ છે. બંધારણીય સંસ્થા લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. અધિકારીઓ મોદીના, ભાજપના, સત્તાપક્ષના ઈશારે કામ કરે છે.

આના માટે બહુ બાલિશ દલીલો કરી. રાહુલ ગાંધીએ એક ક્લિપ ચલાવી, જેમાં ગૃહ પ્રધાન અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ ગણાતા અમિત શાહ કહે છે કે આગલાં ત્રીસ વર્ષ સુધી કેન્દ્રમાં ભાજપની સરકાર રહેશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી એક સભામાં કહેતા સંભળાય છે કે આ ચૂંટણીમાં (ક્લિપ 2024ની ચૂંટણી પહેલાંની છે) ભાજપને 400 કરતાં વધુ બેઠકો મળશે.

રાહુલ ગાંધીનું કહેવું છે કે આ બંને નેતાઓને કઈ રીતે ખબર હતી કે તેઓ દાયકાઓ સુધી સત્તામાં રહેશે કે 400થી વધુ બેઠકો આવશે?

બહુ હાસ્યાસ્પદ તર્ક થયો. રાહુલ ગાંધીને રાજકારણ નથી આવડતું પણ જે બે માણસોની ક્લિપ તેમણે દેખાડી, તેમણે આજીવન રાજકારણ જ કર્યું છે. જમીન પર કામ કર્યું હોય તો આટલો આત્મવિશ્વાસ આવે. એસી ઑફિસોમાં બેસીને સલાહકારોએ લખી આપેલી સ્ક્રિપ્ટ ગોખી જઈને પ્રેસ કૉન્ફરન્સમાં બોલી નાખવાથી એ આત્મવિશ્વાસ નથી આવતો!

રાહુલ ગાંધી પોતાની જ વાતમાં વિરોધાભાસ સર્જે છે. મોદી સામે એન્ટી-ઇન્કમ્બન્સી બિલકુલ ન હોય અને તેઓ ચૂંટણી ગોલમાલ કરીને જ જીતતા હોય તો 2024ની ચૂંટણીમાં ખરેખર 400 પાર થવી જોઈતી હતી પણ તેમ ન થયું અને ભાજપ બહુમતીથી નીચે આવી ગયો. આ બંનેમાંથી કોઈ એક જ વાત સાચી હોય શકે.

…કારણ કે મોદીએ કામ કર્યું છે

જોકે તેમ છતાં જો એક બૃહદ દૃષ્ટિકોણ લઈએ તો એ વાત સાચી છે કે વ્યક્તિગત રીતે મોદી વિરુદ્ધ એવી કોઈ લહેર સર્જાઈ નથી કે દાયકાઓ સુધી સત્તામાં રહેવા છતાં તેઓ આજે પણ રાજકીય રીતે એટલા જ પ્રાસંગિક છે અને લોકોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ પણ અકબંધ છે. પણ આ બધું એટલા માટે કારણ કે મોદીએ કામ કર્યું છે.

રાહુલ ગાંધી ધરાર ‘એન્ટી ઇન્કમ્બન્સી’ને ‘નેચરલ લૉ’માં ખપાવવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે નતી ઇન્કમ્બન્સી તો કોઈ પણ સંજોગોમાં હોય છે અને એ જ દુનિયાનો અને રાજકારણનો નિયમ છે. પણ વાસ્તવમાં એવું નથી. લોકો માત્ર સરકાર વિરુદ્ધ એટલા માટે મત નથી નાખતા હોતા કારણ કે એ ઘણા સમયથી સત્તામાં હોય છે. સરકાર વિરુદ્ધ મત ત્યારે પડે છે જ્યારે મત નાખનારને લાગે કે સરકાર હવે નિષ્ફળ જઈ રહી છે અને એ જ સમયે તેની સામે વધુ સારો વિકલ્પ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 2022માં ચૂંટણી થઈ તો ઇતિહાસની સૌથી વધુ બેઠકો મળી. કારણ કે ત્રણ દાયકામાં કામ થયું. એવું નથી કે પ્રશ્નો ન હતા કે કોઈ મુદ્દે નારાજગી ન હતી. પણ તેની સામે કામો પણ હતાં. વિકલ્પોનો પણ અભાવ હતો. જોકે સામે એવું પણ નથી કે વિકલ્પોના અભાવે લોકો સરકારને ચૂંટતા રહે છે. એક જ નિયમ છે: જે કામ કરે છે એ લાંબો સમય ચૂંટાતો રહે છે.

મોદીએ કામ કર્યું છે. મોદીએ જે વાયદાઓ કર્યા એ પૂરા કર્યા છે. મોદીની કામ કરવાની શૈલી એવી છે કે તેઓ ધોળે દહાડે સપનાં દેખાડતા નથી. અસંભવ વાતો કરતા નથી કે રાતોરાત ક્રાંતિ લાવવાની પણ વાતો નથી હોતી. મોદી જાણે છે કે જે કંઈ કરવાનું છે એ આ સિસ્ટમમાં રહીને જ કરવાનું છે. મોદીએ આ જ સિસ્ટમમાં રહીને ગુજરાતમાં કામ કર્યું અને હવે એક દાયકાથી દેશમાં કરી રહ્યા છે. મોદીને સિસ્ટમમાં રહીને સિસ્ટમ બદલતાં આવડે છે. પરંતુ એ બધું રાતોરાત નથી થતું, સમય માગી લેતું કામ છે.

લોકો પણ આ જાણે છે એટલે ધીરજ રાખીને મોદી ઉપર વિશ્વાસ મૂકતા રહે છે. આ વિશ્વાસ આમ જ આવતો નથી. અઢી દાયકા સુધી સરકારના વડા રહેવું અને ભ્રષ્ટાચાર કે અનીતિનો એક ડાઘ ન લાગવો એ મોટી ઉપલબ્ધિ છે. રાહુલ ગાંધી કહે છે કે માત્ર મોદી સામે જ કેમ સત્તાવિરોધી લહેર નથી હોતી, પણ એ પણ એક પ્રશ્ન છે કે અઢી દાયકો સત્તામાં રહ્યા છતાં કોઈ ડાઘ ન લાગ્યો હોય એવા નેતાઓ પણ કેટલા છે. ટૂંકમાં, સરખામણી બંને તરફ થાય છે.

મોદીએ જે વાયદાઓ કર્યા એ પૂરા કર્યા. કામો કર્યાં. તેમની સરકાર એક પછી એક કામો ડિલિવર કરતી ગઈ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલ્ફેર, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, અર્થતંત્ર– દરેક ક્ષેત્રમાં કામ થયું. સત્તા જ્યારે કામ કરતી રહે છે, જમીન પર કામોની અસર દેખાય છે ત્યારે જનતા વિકલ્પો શોધવા માટે જતી નથી. નવા વિકલ્પની પસંદગી ત્યારે જ થાય છે જ્યારે એ સરકાર કરતાં વધુ સક્ષમ બને.

ઇન્કમ્બન્સીને એડવાન્ટેજમાં ફેરવતાં મોદીને આવડે છે

સરકાર સતત કામ કરતી હોય ત્યારે ઇન્કમ્બન્સીને એડવાન્ટેજમાં ફેરવી શકે છે. ત્યારે સરકાર પાંચ વર્ષ પછી ચૂંટણીમાં જાય ત્યારે થયેલાં કામો ગણાવી શકે છે અને બાકી કામોની યાદી આપી શકે છે. સરકારનાં કામો જોઈ ચૂકેલી પ્રજા બાકી કામો પૂરાં કરવા માટે સત્તા આપે છે. પણ એ પહેલાં હિસાબ પણ માગે છે. મોદી આ હિસાબમાં કાયમ સફળ રહ્યા છે.

ભાજપ જે રીતે ચૂંટણી લડે છે એ પણ પરિણામ પર મોટી અસર પાડે છે. બીજું, ભાજપ 24*7 રાજકારણ કરે છે. સતત સંગઠનને દોડતું રાખે છે. વિપક્ષ ચૂંટણી સિવાય મોટેભાગે દિશાહીન હોય છે. મોદીનો મતદારો સાથેનો સીધો સંપર્કથી માંડીને છબી સુધીનું બધું નાની-મોટી ભૂમિકા ભજવે છે.

વિપક્ષ આ બધું સ્વીકારવા માટે તૈયાર નથી અને માત્ર એ પૂછતો રહે છે કે મોદી કેમ સતત જીતતા રહે છે, પણ મૂળ પ્રશ્ન એ છે કે મોદી સામે જે નારાજગીઓ હોય છે તેને વિપક્ષ મુદ્દો બનાવી શકતો કેમ નથી? એક હકીકત એ પણ છે કે મોદીના સમર્થકો મોટેભાગે જે મુદ્દાઓથી નારાજ રહે છે તે વિપક્ષ સ્પર્શવા જાય તો તેનું નામનિશાન રહે એમ નથી. એટલે એન્ટી ઇન્કમ્બન્સી માત્ર ચૂંટણીમાં પરિણામો બદલતી નથી, સામે મજબૂત વિકલ્પો પૂરા પાડવા પડે છે.

રાહુલ ગાંધી પણ આ બધું વિચારવાના સ્થાને પોતાનો ક્કકો ખરો કરવા માટે વાતને ફરી વોટચોરી પર લઈ જાય છે અને એવું ધરાર સાબિત કરવા મથે છે કે તેમણે જે કહ્યું હતું એ હવે સાચું પડ્યું અને વોટચોરી થાય છે. પરંતુ હકીકત માત્ર એટલી છે કે ‘એન્ટી ઇન્કમ્બન્સી’ એ બંધારણીય નિયમ નથી, પોલિટિકલ ટર્મ છે. તમે સતત કામ કરો તો સતત જીતતા રહો છો, પણ તેના માટે કામ કરવું પડે છે, વિશ્વાસ જાળવી રાખવો પડે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં