બહેનની સર્જરીની વાર્તા બનાવીને X પર લોકોના દોઢ લાખ ચાઉં કરી જનાર જય સિંઘ રાઠોડ ઝડપાયો, આગ્રા પોલીસે કરી ધરપકડ

બહેનની આંખની સર્જરી કરવાની હોવાનું કહીને ઈન્ટરનેટ પર લોકોના પૈસા ચાઉં કરી જનાર X યુઝર ‘જય સિંઘ રાઠોડ’ની આગ્રા પોલીસે ધરપકડ કરી લીધી છે.

આગ્રા પોલીસે X અકાઉન્ટ પર આ બાબતની જાણકારી આપતાં કહ્યું, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી અજયવીર સિંઘ ઉર્ફે જય સિંઘ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા 12 વર્ષીય બહેનને ‘ગ્લુકોમા’ જેવી બીમારીથી પીડિત બતાવીને આંખી સારવારના નામે ફર્જી દસ્તાવેજો તૈયાર કરીને લોકોની ભાવના સાથે ખિલવાડ કરીને ખોટી રીતે રકમ પ્રાપ્ત કરવા મામલે ફરિયાદ મળી હતી. આ ફરિયાદ પર સંજ્ઞાન લઈને સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ સુસંગત ધારાઓમાં ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.’

પોલીસે કસ્ટડીમાં આરોપીનો ફોટો પણ શેર કર્યો છે.

મામલો થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા સાઇટ X પર સામે આવ્યો હતો, જેમાં અજયવીર સિંઘે ‘જય સિંઘ રાઠોડ’ નામથી એક આઈડી બનાવીને તેની બહેનની સારવાર કરવાની હોવાનું કહીને લોકો પાસે પૈસા માગ્યા હતા.

પોસ્ટ વાયરલ થતાં લોકોએ ડોનેશન મોકલવાનું પણ શરૂ થયું અને એક-બે દિવસમાં તેણે દોઢેક લાખ રૂપિયા એકઠા કરી નાખ્યા હતા.

દરમ્યાન અમુક યુઝરોએ અજયવીર સિંઘે જે હોસ્પિટલના દસ્તાવેજો અપલોડ કર્યા હતા તેનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે આવું કોઈ દર્દી દાખલ થયું નથી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભાંડો ફૂટી ગયો.

પછીથી જય સિંઘ રાઠોડે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને લોકોની માફી માગી લીધી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે તેનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે, જે ફરી ચાલુ થાય એટલે લોકોને તેમના પૈસા પરત કરી દેશે.

દરમ્યાન તે X પર એક્ટિવ રહ્યો અને સ્પેસ (જેમાં યુઝરો ઓડિયો માધ્યમથી એક પ્લેટફોર્મ પર ચર્ચા કરી શકે છે) આયોજિત કરીને લોકો સાથે વાતચીત કરતો રહ્યો. જ્યાં પણ તેણે સ્વીકાર્યું હતું કે તેણે ખોટી વાર્તા બનાવી કાઢી હતી અને સહાનુભૂતિ મેળવીને પૈસા મેળવવા માગતો હતો.

આ મામલે પછીથી આગ્રા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી. હાલ આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.