પરીક્ષામાં ચોરીની ઘટના બાદ IIT બૉમ્બેના સાહિલે મિત્રને કહ્યું હતું– મારાથી ભૂલ થઈ ગઈ: પોલીસે પુષ્ટિ કરી, વધુ તપાસ ચાલુ

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ IIT બૉમ્બેના 22 વર્ષીય વિદ્યાર્થી સાહિલનાં મૃત્યુની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બરે પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ પોતાના કેટલાક મિત્રો સાથે વાત કરી હતી અને આ ઘટનાને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને બપોરે લગભગ 12:40 વાગ્યે પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તે હોસ્ટેલમાં પરત ગયો હતો. સાંજે તે પોતાના હોસ્ટેલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દરમિયાન તેણે કેટલાક મિત્રો સાથે વાત કરી હતી. પોલીસે અત્યાર સુધી IIT બૉમ્બેના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સ્ટાફ સહિત 25થી વધુ લોકોનાં નિવેદન નોંધ્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 2:30 વાગ્યે વિદ્યાર્થીએ એક મહિલા મિત્ર સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે તેનાથી ભૂલ થઈ ગઈ હતી, તેનું થર્મોડાયનેમિક્સનું પેપર પણ સારું નહોતું ગયું અને હવે ચોરી કર્યાની ઘટના પણ બની ગઈ છે. પરીક્ષા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોનાં પણ નિવેદન લેવામાં આવી રહ્યાં છે.

આઈફોન અને વૉટ્સએપની માહિતી મેળવવાનો પ્રયાસ

પોલીસે વિદ્યાર્થીનો આઈફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યો છે. ફોનમાંથી ડેટા મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જો ફોરેન્સિક લેબોરેટરી ફોન અનલૉક કરવામાં સફળ નહીં થાય તો પોલીસ એપલની મદદ લઈ શકે છે. વૉટ્સએપ પાસેથી પણ વિદ્યાર્થીના અકાઉન્ટ સંબંધિત માહિતી માગવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે ડિજિટલ પુરાવાથી પરીક્ષાની ઘટના બાદના કલાકોમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું તેની તપાસ કરવામાં મદદ મળશે. સાથે જ તેના પરિવારે કરેલા કાસ્ટ-બેઝ્ડ હેરાનગતિના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાનું નિવેદન હજુ બાકી

વિદ્યાર્થીના પરિવારે IIT બૉમ્બેના પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા સામે કાસ્ટ-બેઝ્ડ હેરાનગતિના આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે પોવાઈ પોલીસમાં નોંધાયેલી FIRમાં દુલ્લાને આરોપી બનાવવામાં આવ્યા છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચે હજુ સુધી તેમનું નિવેદન નોંધ્યું નથી.

વિદ્યાર્થીના પિતાએ પોલીસને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાથી દુલ્લા IIT બૉમ્બેના ડિરેક્ટર શિરીષ કેદારના કહેવાથી તેમના પુત્ર સાથે તેની જાતિને લઈને દુર્વ્યવહાર કરતા હતા. પિતાના જણાવ્યા મુજબ, તેના પુત્રને એવી પણ બીક હતી કે તેને કોઈ ખોટા કેસમાં ફસાવવામાં આવી શકે છે.

પોલીસે IIT બૉમ્બેના કેમ્પસના સીસીટીવી ફૂટેજ પણ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા છે. ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય તે માટે જરૂરી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

આ સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે. પરિવાર દ્વારા કરવામાં આવેલા કાસ્ટ-બેઝ્ડ હેરાનગતિના આક્ષેપો પણ તપાસનો એક ભાગ છે. જોકે આ દાવાને સમર્થન આપતો એકપણ પુરાવો હાલ સુધી સામે આવ્યો નથી.