એસસી/એસટી એક્ટ હેઠળ દાખલ થયેલા કેસમાં દિલ્હી હાઇકોર્ટે ફગાવ્યા અજીત ભારતીના આગોતરા જામીન

એસસી/એસટી એક્ટ હેઠળ દાખલ થયેલા કેસમાં હવે દિલ્હી હાઇકોર્ટે પણ યુટ્યુબર અજીત ભારતીના આગોતરા જામીન ફગાવી દીધા છે. જસ્ટિસ સૌરભ બેનર્જીએ ચુકાદો આપતાં કહ્યું કે ભારતી સામે પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બને છે.

નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ રાવણ વિરુદ્ધ જાતિવિષયક ટિપ્પણીના આરોપસર અજીત ભારતી સામે દિલ્હીમાં એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે ભારતી સામે SC/ST એક્ટની કલમ 3(1)(r) અને 3(1)(s) હેઠળ પ્રાથમિક ગુનો બને છે. આ કાયદામાં પ્રાથમિક આરોપ સાચો જણાતા આગોતરા જામીન આપવા પર કાનૂની પ્રતિબંધ હોવાથી અરજી રદ કરાઈ છે.

આ મામલો 22 ઑગસ્ટે અજીત ભારતીએ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર અપલોડ કરાયેલા એક વિડીયોથી શરૂ થયો હતો. આઝાદ સમાજ પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બાલકરામ બૌદ્ધે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ 23 ઑગસ્ટે ઉત્તર એવન્યુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. જેમાં SC/ST એક્ટ સિવાય BNSની કલમ 196(1)(c), કલમ 351(3) અને IT એક્ટની જોગવાઈઓ સામેલ કરવામાં આવી હતી.

પટિયાલા કોર્ટે ફગાવી હતી અરજી

અગાઉ, 7 સપ્ટેમ્બરે પટિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે પણ ભારતીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે રજૂ કરાયેલી સામગ્રીના આધારે ગુનો સ્પષ્ટપણે દેખાય છે. ખાસ કરીને સાંસદના લગ્ન અને જાતિ વિશેની ટિપ્પણીઓને કારણે કોર્ટે માન્યું હતું કે આનાથી નીચલી અને ઉપલી જાતિની શ્રેણી દર્શાવીને અપમાન કરવાનો ઈરાદો સાબિત થાય છે.

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતીના વકીલે SC/ST એક્ટના ઉપયોગને પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર અજીતની બહેન પર થયેલી અયોગ્ય ટિપ્પણીઓના જવાબમાં આ નિવેદનો અપાયાં હતાં. બચાવ પક્ષે ઉમેર્યું કે આ જાતિ આધારિત અપમાન કરવાનો પ્રયાસ નહોતો.

બીજી તરફ, ફરિયાદીના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિડીયો લાઇવ હતો ત્યારે લગભગ 23,000 લોકો ઓનલાઇન હતા અને જાતિ વિષયક શબ્દોનો વારંવાર ઉપયોગ જાહેર મંચ પર કરવામાં આવ્યો હતો, જે સીધો કોઈ ખાસ જાતિ અને સમુદાયને અપમાનિત કરવાનો જ પ્રયાસ હતો.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પોલીસને પૂછ્યું હતું કે ભારતીને નોટિસ કેમ ન અપાઈ અને શું કસ્ટડી જરૂરી છે? છતાં કાનૂની જોગવાઈઓને કારણે જામીન નામંજૂર કરાયા છે. હાલમાં કોર્ટના વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે.