હોમપેજએક્સપ્લેઇનરચૂંટણી પંચમાં ત્રણ કમિશનરો કેમ: રાજીવ ગાંધી મેળવવા માગતા હતા વધુ નિયંત્રણ,...

ચૂંટણી પંચમાં ત્રણ કમિશનરો કેમ: રાજીવ ગાંધી મેળવવા માગતા હતા વધુ નિયંત્રણ, એટલે બદલી દેવાઈ હતી રચના

રાજીવ ગાંધીએ પોતાની મરજીથી ચૂંટણી પંચની સ્વતંત્રતા ખતમ કરી દીધી હતી. ત્યારબાદ પણ તેમણે પોતાના એજન્ડા ચાલુ રાખ્યા. 17 ઑક્ટોબરે રાજીવે આગલી ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી, જે કામ ચૂંટણી પંચનું હતું.

- Advertisement -

અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટ પ્રકાશિત કર્યા પછી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પંચના ત્રણ કમિશનરોમાંથી બે કમિશનરો ઘણા નિર્ણયોમાં સહમત થતા નથી. પણ શું એ જાણો છો કે ઇલેક્શન કમિશનમાં આખરે ત્રણ કમિશનરો જ કેમ હોય છે અને શું પહેલેથી ભારતમાં ત્રણ જ કમિશનરો હતા? આ ફેરફાર પાછળ સત્તા, બંધારણીય અધિકારો અને રાજકીય ટકરાવની એક લાંબી કહાની છે, જેમાં રાજીવ ગાંધી સરકારના નિર્ણયો અને ટી.એન. શેષન જેવા કમિશનરોની ભૂમિકા પણ નોંધવા જેવી છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. બંધારણના માળખા મુજબ દેશની તમામ સાર્વત્રિક અને રાજ્ય સ્તરની ચૂંટણીઓનું સંચાલન કરવાની જવાબદારી પંચને સોંપાઈ. શરૂઆતમાં સુકુમાર સેન ભારતના પ્રથમ CEC બન્યા અને તેમના માર્ગદર્શન હેઠળ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.

1950થી લઈને 1989 સુધીના લગભગ ચાર દાયકા સુધી ભારતીય ચૂંટણી પંચ એક-સભ્યની સંસ્થા તરીકે જ કાર્ય કરતું રહ્યું. આ સમગ્ર સમયગાળા દરમિયાન ચૂંટણીઓ યોજવી, મતદાર યાદીઓ તૈયાર કરવી અને તમામ નિર્ણયો લેવાની એકમાત્ર સત્તા મુખ્ય ચૂંટણી કમિશનર પાસે જ રહેતી હતી.

- Advertisement -

અનુચ્છેદ 324(2)માં એવો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે ચૂંટણી પંચમાં CEC ઉપરાંત રાષ્ટ્રપતિ સમયાંતરે નક્કી કરે તેટલા અન્ય કમિશનરો ઉમેરી શકાય છે. એટલે કે બંધારણે શરૂઆતથી બહુ-સભ્ય પંચ (multi-member body) બનાવવાનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી કેન્દ્ર સરકારોએ આ જોગવાઈનો ઉપયોગ કરવાની જરૂરિયાત અનુભવી નહોતી.

1980માં રાજીવ ગાંધીની સરકાર દરમ્યાન ટકરાવ સર્જાયો

1980ના દાયકામાં સ્થિતિ બદલાઈ. તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને મુખ્ય ચૂંટણી કમિશનર આર. વી. એસ. પેરી શાસ્ત્રી (R.V.S. Peri Sastri) વચ્ચેનો વિવાદ ચૂંટણી પંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા સંદર્ભે અત્યંત મહત્વપૂર્ણ છે. 1 જાન્યુઆરી 1986થી 25 નવેમ્બર 1990 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે સેવા આપનાર પેરી શાસ્ત્રી એક કડક, સૈદ્ધાંતિક અને કાયદાના આગ્રહી અધિકારી હતા. 1980ના દાયકાના ઉત્તરાધાર્ધમાં રાજીવ ગાંધી સરકાર અને પેરી શાસ્ત્રી વચ્ચે વ્યાપક મતભેદો અને તણાવ સર્જાયા હતા.

વિવાદનું સૌથી મોટું કારણ 1989ની લોકસભા ચૂંટણીઓનું ટાઇમટેબલ હતું. બફોર્સ કૌભાંડ અને વધતા રાજકીય વિરોધના કારણે રાજીવ ગાંધી સરકાર પોતાના સાનુકૂળ સમયે અને રાજકીય લાભ થાય તે રીતે ચૂંટણીઓ યોજવા ઈચ્છતી હતી. પરંતુ પેરી શાસ્ત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે દેશમાં ચૂંટણીઓ ક્યારે યોજવી તેનો આખરી નિર્ણય ચૂંટણી પંચનો છે, કેન્દ્ર સરકારનો નહીં.

કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાય અને હરિયાણાની ચૂંટણી પાછળ ઠેલાય, પરંતુ પ. પેરી શાસ્ત્રીએ બંધારણીય સ્વાયત્તતા જાળવી રાખીને જૂન 1987માં હરિયાણાની ચૂંટણીઓ યોજી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે પરાભવ થયો, જેના કારણે સરકાર અને ચૂંટણી પંચ વચ્ચેના તણાવમાં વધુ બળતણ ઉમેરાયું.

ત્યારબાદ 1988ની ફરીદાબાદ લોકસભા પેટાચૂંટણી દરમિયાન હિંસા અને ગેરરીતિના આક્ષેપો બાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર મતવિસ્તારમાં ફરી ચૂંટણીની માંગ કરાઈ હતી. જોકે, CEC પેરી શાસ્ત્રીએ એ માત્ર પ્રભાવિત 161 મતદાન મથકો પર જ રી-પોલિંગનો આદેશ આપ્યો, જેને કારણે બંને વચ્ચેનો અવિશ્વાસ ચરમસીમાએ પહોંચ્યો.

ત્યારબાદ સરકારે વર્ષ 1988માં 61મો બંધારણીય સુધારો પસાર કર્યો, જેનો અમલ 28 માર્ચ 1989થી થયો. આ કાયદા દ્વારા મતદાન માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ નિર્ણયના કારણે દેશમાં અચાનક આશરે 4.7 કરોડ નવા યુવા મતદારોનો ઉમેરો થયો, જે ચૂંટણી પંચ માટે એક બહુ મોટો વહીવટી પડકાર હતો.

રાજીવ ગાંધી સરકાર ઈચ્છતી હતી કે આ 4.7 કરોડ નવા યુવા મતદારોની યાદી સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલાં જ લોકસભા ચૂંટણીઓ પતાવી દેવામાં આવે. પરંતુ પેરી શાસ્ત્રીએ આ સરકારી દબાણ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક પાત્ર યુવાનનું નામ મતદાર યાદીમાં નોંધાયા વિના ચૂંટણી કરાવવી એ લોકશાહીનું અપમાન ગણાશે.

એ સમયે આસામ અને પંજાબ રાજ્યમાં ભારે રાજકીય અશાંતિ અને હિંસાનો માહોલ હતો. કેન્દ્ર સરકાર ત્યાં પોતાના રાજકીય ગણિત મુજબ ઝડપથી કે વિલંબથી ચૂંટણી યોજવા દબાણ કરતી હતી. પરંતુ પેરી શાસ્ત્રીએ કાયદાકીય જોગવાઈઓ અને સ્થાનિક સુરક્ષા પરિસ્થિતિનો તટસ્થ અભ્યાસ કર્યા વગર કેન્દ્રના આદેશો માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે પેરી શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વ્યાપક ઉપયોગ શરૂ કરવાનો પાયો નંખાયો હતો. તેઓ ચૂંટણી પ્રક્રિયાને આધુનિક અને ચોક્કસ બનાવવા માંગતા હતા. પરંતુ સરકારના કેટલાક રાજકીય વર્ગો આ સુધારા અને તેની પ્રક્રિયા પર પોતાનું વર્ચસ્વ રાખવા માંગતા હતા, જેથી આ મુદ્દે પણ બંને વચ્ચે મતભેદો ઘેરા બન્યા.

રાજીવ ગાંધીએ અધ્યાદેશ બહાર પાડીને પંચમાં કર્યા બદલાવ

જ્યારે રાજીવ ગાંધી સરકારને લાગ્યું કે પેરી શાસ્ત્રી સીધી રીતે તેમના દબાણમાં નથી આવી રહ્યા ત્યારે તેમણે ચૂંટણી પંચની રચના જ બદલી નાખી. આ પરિપ્રેક્ષ્યમાં 7 ઓક્ટોબર 1989ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનરોના પદ મંજૂર કરવામાં આવ્યાં. ત્યારબાદ 16 ઓક્ટોબર 1989ના રોજ સરકારે એક અધ્યાદેશ બહાર પાડીને અત્યાર સુધી ‘એક-સભ્ય’ રહેલા ચૂંટણી પંચને ‘બહુ-સભ્ય’ સંસ્થામાં રૂપાંતરિત કરી દીધું.

આ અધ્યાદેશ હેઠળ સરકારે એસ. એસ. ધનોઆ અને વી. એસ. સીગલ નામના બે IAS અધિકારીઓને વધારાના ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક આપી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બહુમતીના આધારે પેરી શાસ્ત્રીના એકતરફી નિર્ણયો અને તેમની સ્વાયત્ત સત્તાઓને સીમિત કરી શકાય.

અહીં એક રસપ્રદ વિરોધાભાસ એ છે કે 16 ડિસેમ્બર 1988ના રોજ સંસદમાં બોલતી વખતે રાજીવ ગાંધીએ મલ્ટી-મેમ્બર કમિશનની માંગણીનો સખત વિરોધ કર્યો હતો અને એક-સભ્ય વ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ 1989ની લોકસભા ચૂંટણીઓ પહેલાં જ તેમની સરકારે નિર્ણય બદલીને બે નવા કમિશનરો મૂકી દીધા, જેને ઘણા વિવેચકોએ ‘પોતાની મનમરજી ચલાવવા અને CECને ઘેરવાનો પ્રયાસ’ ગણાવ્યો હતો.

આનો અર્થ એ થયો કે રાજીવ ગાંધીએ પોતાની મરજીથી ચૂંટણી પંચની સ્વતંત્રતા ખતમ કરી દીધી હતી. ત્યારબાદ પણ તેમણે પોતાના એજન્ડા ચાલુ રાખ્યા. 17 ઑક્ટોબરે રાજીવે આગલી ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી, જે કામ ચૂંટણી પંચનું હતું. જે તારીખ જાહેર કરવામાં આવી એ એક જ મહિનાની હતી એટલે વિપક્ષી પાર્ટીઓને તૈયારી કરવાનો પૂરતો સમય પણ ન મળે.

આ બાબતને લઈને શાસ્ત્રી અને રાજીવ ગાંધી વચ્ચે તણાવ રહ્યો. જોકે પછીથી CEC શાસ્ત્રીએ શાંત દિમાગે કામ લઈને ચૂંટણી એ જ સમયે કરાવી જે વડા પ્રધાને તારીખ જાહેર કરી હતી. પરંતુ આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે રાજીવ ગાંધી પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા અને બંધારણીય સંસ્થાઓને પણ પોતાની રીતે તોડી-મરોડી હતી.

વી. પી. સિંઘની સરકાર આવતાં ફરીથી થયા પંચમાં બદલાવ

જોકે ત્રણ સભ્યોની આ નવી વ્યવસ્થા લાંબો સમય ટકી શકી નહીં. 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની બેઠકો 414થી ઘટીને માત્ર 197 સીટ પર આવી ગઈ અને સત્તા પરિવર્તન થયું. વી. પી સિંઘના નેતૃત્વમાં આવેલી નેશનલ ફ્રન્ટ સરકારે 1 જાન્યુઆરી 1990ના રોજ નોટિફિકેશન રદ કરીને બંને નવા કમિશનરોની નિયુક્તિ રદ કરી દીધી અને પંચ ફરી એક-સભ્ય બની ગયું. આમ પ્રથમ બહુ-સભ્ય પંચનો સમયગાળો માત્ર 77 દિવસ જ રહ્યો.

પદ પરથી હટાવવામાં આવેલા કમિશનર એસ. એસ. ધનોઆએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો (S.S. Dhanoa v. Union of India, 1991). આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે કલમ 324(2) હેઠળ ચૂંટણી પંચમાં કેટલા અન્ય ચૂંટણી કમિશનરો હશે તે સંખ્યા નક્કી કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે.

1990ના દાયકાના પ્રારંભમાં ટી.એન. શેષન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા. શેષન અને સરકાર વચ્ચેના ટકરાવને જોતાં 1 ઑક્ટોબર 1993ના રોજ પી.વી. નરસિંહા રાવ સરકારે ફરી એકવાર અધ્યાદેશ બહાર પાડીને પંચને ત્રણ સભ્યોનું બનાવી દીધું. એમ.એસ. ગિલ અને જી.વી.જી. કૃષ્ણમૂર્તિની નવા ચૂંટણી કમિશનરો તરીકે નિમણૂક કરવામાં આવી અને નિર્ણય બહુમતી આધારિત રહેશે તેવો નિયમ બનાવવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ECની નિમણૂકનો મામલો

ટી.એન. શેષને પોતાની સત્તા ઘટાડવાના આ પ્રયાસ સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. તેમણે દલીલ કરી કે CEC નું પદ શ્રેષ્ઠ છે અને બહુ-સભ્ય પંચ બંધારણીય ભાવનાની વિરુદ્ધ છે. પરંતુ 14 જુલાઈ 1995ના રોજ સર્વોચ્ચ અદાલતની પાંચ જજની બંધારણીય બેન્ચે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને સ્પષ્ટ કર્યું કે CEC એ માત્ર પંચના ચેરમેન છે અને નિર્ણયોમાં ત્રણેય કમિશનરોનો સમાન અધિકાર રહે છે.

1995ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે Article 324(2) હેઠળ બહુ-સભ્ય પંચ બનાવવાનો અધિકાર સરકારને છે. પંચના નિર્ણયો સર્વાનુમતે અથવા બહુમતીથી લેવાવા જોઈએ, જેમાં CECનો દરજ્જો માત્ર ‘સમકક્ષોમાં પ્રથમ’ (First among equals) છે. 1995ના આ ઐતિહાસિક સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી જ ભારતમાં ત્રણ સભ્યોવાળા ચૂંટણી પંચની વ્યવસ્થા કાયમી અને સ્થિર બની ગઈ.

આ ટાઇમલાઇનથી એટલું સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસને ચૂંટણી પંચ પ્રત્યે કેટલું સન્માન છે અને તેને લઈને પાર્ટી કેટલી ગંભીર છે. આજે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે કે ત્રણ ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ છે, પણ કોંગ્રેસે પંચને મલ્ટી મેમ્બર બનાવ્યું જ એટલા માટે હતું જેથી તે નિર્ણયો બહુમતીથી કરાવી શકે.



- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં