
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમુક મીડિયા સંસ્થાઓ વચ્ચેનો વિવાદ ફરી એકવાર કોર્ટના દરવાજે પહોંચ્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોના ઍક્સેસ પર ટ્રમ્પ પ્રશાસને લગાવેલી રોક સામે CNN, MS NOW અને Politico નામની ત્રણ અગ્રણી મીડિયા સંસ્થાઓએ કોર્ટનો આશરો લીધો હતો. આ મામલે અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો આંચકો આપતાં પત્રકારોનું ઍક્સેસ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.
24 સપ્ટેમ્બર 2026ના રોજ જજ કેલીએ ટ્રમ્પ પ્રશાસનને આદેશ આપ્યો કે તેઓ CNN, MS NOW અને Politicoના પત્રકારોને વ્હાઇટ હાઉસમાં અગાઉની જેમ જ પ્રવેશ આપવાનું શરૂ કરે. જજ ટિમોથી કેલીએ અવલોકન કરતાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને મૂકેલો આ પ્રતિબંધ બંધારણવિરોધી લાગે છે. ઉલ્લેખનીય છે કે આ કેસનો અંતિમ ચુકાદો નથી, પરંતુ કેસની કાર્યવાહી ચાલે ત્યાં સુધી પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે અદાલતે કરેલો હસ્તક્ષેપ છે.
નોંધનીય છે કે આ કેસની પ્રાથમિક સુનાવણી 23 સપ્ટેમ્બરે થઈ હતી, જ્યાં ફેડરલ જજ ટિમોથી કેલીએ સરકારના વકીલોને પૂછ્યું હતું કે પત્રકારોનું ઍક્સેસ બંધ કરતા પહેલાં વ્હાઇટ હાઉસે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેમ ન કર્યું? ત્યારબાદ 24 તારીખની સુનાવણીમાં વ્હાઇટ હાઉસને મીડિયા સંસ્થાનોના પત્રકારોને તાત્કાલિક ફરીથી પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો
આ વિવાદની શરૂઆત 18 સપ્ટેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ત્રણેય મીડિયા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કર્યા બાદ થઈ હતી. ટ્રમ્પનો આરોપ હતો કે આ માધ્યમો તેમની સરકાર વિશે સતત ‘FICTION and LIES’ એટલે કે કાલ્પનિક અને ખોટી માહિતી પ્રકાશિત અને પ્રસારિત કરે છે, તેથી તેમને વ્હાઇટ હાઉસમાં આવવાનો કોઈ અધિકાર નથી.
ટ્રમ્પની આ જાહેરાત બાદ તરત જ વ્હાઇટ હાઉસે ત્રણેય મીડિયા સંસ્થાઓ સાથે જોડાયેલા પત્રકારોના પ્રેસ બેજ નિષ્ક્રિય કરી દીધાં. આ નિર્ણયથી અસરગ્રસ્ત થયેલા પત્રકારોમાં CNNના બેટ્સી ક્લેઈન, MS NOWના અકાબલા ગાર્ડનર અને Politicoના ચિએન હેસલેટ સામેલ હતા.
ટ્રમ્પ પ્રશાસનની દલીલો
આ કાર્યવાહી સામે ટ્રમ્પ પ્રશાસને પોતાની સફાઈ આપતાં કહ્યું કે વ્હાઇટ હાઉસમાં આવીને રિપોર્ટિંગ કરવું એ કોઈ પણ પત્રકારનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ એક પ્રકારની વિશેષ સવલત છે. આથી રાષ્ટ્રપતિ કાર્યાલયને એ નક્કી કરવાનો પૂરો હક છે કે આ સુવિધા કોને આપવી અને કોને નહીં. ન્યાય વિભાગના વકીલોએ સુરક્ષાના કારણો આગળ ધરીને પણ સરકારના આ નિર્ણયનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ, વ્હાઇટ હાઉસના આ કડક નિર્ણય સામે ત્રણેય મીડિયા સંસ્થાઓએ 21 સપ્ટેમ્બરે એકસાથે ફેડરલ કોર્ટમાં અપીલ કરી. તેમણે દાવો કર્યો કે સરકારનું આ પગલું અમેરિકી બંધારણના પ્રથમ સુધારાનું ઉલ્લંઘન છે. આ સુધારો દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને મુક્ત અભિવ્યક્તિ સુનિશ્ચિત કરે છે.
પત્રકારોની મુખ્ય દલીલ એ હતી કે સરકાર પોતાની નીતિઓ કે પ્રમુખની ટીકા કરનાર મીડિયાને પસંદગીપૂર્વક વ્હાઇટ હાઉસમાં જતાં અટકાવી ન શકે. કોઈ પણ પત્રકારનો પ્રેસ પાસ રદ કરતા પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાનો કે નિર્ણય સામે અપીલ કરવાનો યોગ્ય અવસર મળવો જરૂરી છે, અને આ તક આપ્યા વિના એકતરફી રીતે ઍક્સેસ બંધ કરી દેવું એ કાયદાકીય રીતે ગેરવ્યાજબી તથા અન્યાયી છે.
આ કેસમાં રસપ્રદ બાબત એ છે કે જજ ટિમોથી કેલીની નિમણૂક ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી. આ અગાઉ 2018માં પણ જ્યારે વ્હાઇટ હાઉસે CNNના જાણીતા પત્રકાર જિમ અકોસ્ટાનો પ્રેસ પાસ રદ કર્યો હતો, ત્યારે પણ આ જ જજ કેલીએ ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયને ઉથલાવીને અકોસ્ટાને પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. જજ કેલી સમક્ષ ફરી એકવાર એ જ કાનૂની પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે પ્રમુખ પાસે મીડિયાને નિયંત્રિત કરવાની કેટલી સત્તા છે.

