શરજીલ ઈમામને એક અઠવાડિયા માટે વચગાળાના જામીન, કારણ– પિતરાઈ ભાઈના નિકાહ

2020ના હિંદુવિરોધી દિલ્હી રમખાણોના મુખ્ય આરોપી શરજીલ ઈમામને દિલ્હીની કડકડડૂમા કોર્ટે એક અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે. એડિશનલ સેશન્સ જજ સમીર બજપાઈએ ઇમામની અરજી મંજૂર કરીને તેને પિતરાઈ ભાઈના નિકાહમાં સામેલ થવા માટે 4 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર સુધીના 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મુદત પૂરી થયા બાદ તે ફરી જેલભેગો થશે.

દિલ્હી પોલીસે શરજીલ ઈમામના જામીનનો સખત વિરોધ કર્યો હતો અને અદાલત સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તે અને ઉમર ખાલિદ આ સમગ્ર રમખાણોના માસ્ટરમાઇન્ડ હતા. દરમ્યાન કોર્ટે પોલીસને ઇમામના ભાઈના ખરેખર નિકાહ છે કે કેમ તેની તપાસ કરવા માટે જણાવ્યું હતું. પોલીસે રિપોર્ટ રજૂ કર્યા બાદ કોર્ટે જામીન અરજી મંજૂર રાખી હતી.

કોર્ટે શરજીલ ઈમામને ₹50,000ના પર્સનલ બોન્ડ અને શ્યોરિટી પર જામીન આપ્યા છે, પરંતુ તેના પર કડક શરતો પણ લાદવામાં આવી છે. તે જામીન દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, મીડિયા સમક્ષ નિવેદનો નહીં આપી શકે અને આ કેસના કોઈપણ સાક્ષી કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કે સંપર્ક કરવાનો પ્રયાસ નહીં કરે.

2019માં કેન્દ્ર સરકારે પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થયાં હતાં અને દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં એક અડ્ડો જમાવીને દિવસો સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમ્યાન ફેબ્રુઆરીમાં પૂર્વ દિલ્હી વિસ્તારમાં રમખાણો ભડકાવવામાં આવ્યાં હતાં, જેમાં 53 નાગરિકોનાં મોત થયાં હતાં. આ મામલે શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ વિરુદ્ધ સુનિયોજિત ષડ્યંત્ર રચવા મામલે UAPA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારથી બંને જેલમાં બંધ છે.

શરજીલ ઈમામ છેલ્લા લગભગ છ વર્ષથી તિહાડ જેલમાં બંધ છે. આ પહેલાં પણ માર્ચ 2020માં તેને પોતાના ભાઈના નિકાહ માટે 10 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. અગાઉ પણ નીચલી કોર્ટે તેની અને ઉમર ખાલિદની નિયમિત જામીન અરજીઓ ફગાવી દીધી હતી.

હાલમાં આ માત્ર વચગાળાની રાહત છે અને દિલ્હી હાઈકોર્ટ 30 સપ્ટેમ્બરના રોજ શરજીલ ઈમામ તથા તેના સહ-આરોપી ઉમર ખાલિદની રેગ્યુલર જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરવાની છે.