₹10,000 પગાર ન આપ્યો તો ₹150ના પેટ્રોલથી 14 દુકાન ફૂંકી મારી, કરોડોનો માલસામાન રાખ: સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આગ બાદ એકની ધરપકડ

સુરતના સારોલી-કુંભારીયા વિસ્તારમાં આવેલા ‘શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટ’માં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કરોડો રૂપિયાનું કાપડ અને સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને હવે સમગ્ર મામલે નવી જ બાબત સામે આવી છે.

પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફૂટેજના આધારે આ ભયાનક આગ લગાડનાર આરોપીની ઓળખ કરી તેને ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિનોદ પંડિત સાવલે (33) છે, જે મૂળ મહારાષ્ટ્રના ધુળેનો વતની છે અને સુરતમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો.

₹10,000ના બાકી પગારના કારણે ફૂંકી મારી દુકાન

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી વિનોદે કબૂલાત કરી હતી કે તેણે માત્ર ₹10,000ના બાકી પગારના વિવાદમાં પોતાના માલિકોથી બદલો લેવા માટે આ આખા માર્કેટમાં આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભયાનક રીતે ફેલાઈ હતી કે તેણે જોતજોતાંમાં અનેક દુકાનોને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.

ઘટનાની વિગતો અનુસાર, આરોપી વિનોદ સાવલેએ એપ્રિલ 2026માં શ્યામ સંગિની માર્કેટમાં આવેલી ‘જે કોર્પ ઇન્ડિયા’ અને ‘જગદંબા ટેક્સટાઇલ’ નામના ફર્મમાં ₹30,000ના માસિક પગાર પર એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન દુકાનના માલિકો અને સિનિયર એકાઉન્ટન્ટ તેને યોગ્ય રીતે કામ ન આવડતું હોવાનું કહી સતત હેરાન-પરેશાન કરતા હતા.

શેઠ અને સિનિયર એકાઉન્ટન્ટના રોજના મેણાં-ટોણાં અને અયોગ્ય વર્તનના કારણે વિનોદે ઑગસ્ટ મહિનામાં નોકરી છોડી દીધી હતી. નોકરી છોડતી વખતે તેનો ₹10,000 જેટલો પગાર બાકી નીકળતો હતો. આ બાકી રકમ મેળવવા માટે તે વારંવાર માલિકો ધક્કા ખાતો પણ તેઓ બહાનાં બનાવતા હોવાનું વિનોદે જણાવ્યું છે.

વારંવાર માગવા છતાં પગાર ન મળતાં વિનોદે પૂર્વ માલિકોને નુકસાન કરાવવા માટે માર્કેટમાં બહાર મૂકેલાં પાર્સલો સળગાવી દેવાનું નક્કી કર્યું,

8 સપ્ટેમ્બરે ચાંપી આગ

પોતાના પ્લાન મુજબ, આરોપીએ 8 સપ્ટેમ્બરની રાત્રે ડિંડોલીના એક પેટ્રોલ પંપ પરથી એક પ્લાસ્ટિકની બોટલમાં 150 રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું અને પોતાના બેગમાં સંતાડી દીધું. રાત્રે આશરે 9 વાગ્યે તે શ્યામ સંગિની માર્કેટ પહોંચ્યો અને પાંચમા-છઠ્ઠા માળની સીડીઓ પર બેસીને આખું માર્કેટ ખાલી થવાની રાહ જોતો રહ્યો.

રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ જ્યારે માર્કેટ સુમસામ થઈ ગયું ત્યારે તે બેગમાંથી પેટ્રોલની બોટલ કાઢીને કોરિડોરમાં ગયો. તેણે દુકાનો બહાર નવરાત્રિ અને દિવાળીના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે પેક કરીને રાખેલા સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સનાં પાર્સલ પર પેટ્રોલ છાંટ્યું અને મકાસથી આગ ચાંપીને નાસી છૂટ્યો. સમગ્ર માર્કેટમાં તે માત્ર 4 મિનિટ જ રહ્યો હતો.

14 કલાક પછી ઓલવી શકાઈ આગ

આગ લાગ્યાની થોડી જ મિનિટોમાં જ્વાળાઓ પાંચમા અને છઠ્ઠા માળની અન્ય દુકાનો સુધી ફેલાઈ ગઈ. સુરત ફાયર બ્રિગેડના જવાનોએ સતત 14 કલાક સુધી મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં 14થી વધુ દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે કાપડ વેપારીઓને ₹24 કરોડથી પણ વધુનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આગ લગાડ્યા બાદ વિનોદ ત્યાંથી છૂ થઈ ગયો હતો. બીજા દિવસે ન્યૂઝ અને સોશિયલ મીડિયામાં આગના સમાચાર અને CCTV ફૂટેજ વાયરલ થતાં તે ડરી ગયો હતો. તેણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને પત્ની-બાળક સાથે રાજસ્થાનના ખાટૂશ્યામ ધામ અને બાદમાં અયોધ્યા ભાગી ગયો હતો. રવિવારે રાત્રે તે સુરત પરત ફરતાં જ બાતમીદારોની મદદથી ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.