યુવક પર હુમલો કરવા મામલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી વિરુદ્ધ FIR, સામાન્ય બોલાચાલી બાદ માથામાં ચાની કીટલી મારી હતી

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે એક યુવક પર હુમલો કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક યુવક પર ચાની કીટલી વડે હુમલો કરવામાં આવતો જોઈ શકાય છે.

ફરિયાદમાં જણાવવામાં આવેલી ઘટનાની વિગતો મુજબ, સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ નજીક આવેલી રાજ ચામુંડા પાનની દુકાન પાસે ધર્મકુમાર જાગૃત જોશીપુરા નામનો યુવક મોડી રાત્રે માવો ખરીદવા ગયો હતો. તે સમયે ત્યાં હાજર શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ કોઈ પણ વ્યાજબી કારણ વગર યુવકને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. યુવકે વિરોધ કરતા જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતાં જ સંદીપ ધાનાણીએ નજીકના ચાના ગલ્લા પરથી ચાનો કીટલો ઉપાડીને ધર્મકુમારના માથા પર એક પછી એક 4થી 5 વાર ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક હુમલાને કારણે યુવક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મકુમારને તાત્કાલિક અમરેલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં તેના માથામાં 9 જેટલા ટાંકા આવ્યા હતા.

જોકે, સ્થિતિ વધુ બગડતાં અને હેમરેજ જેવી ગંભીર તકલીફ જણાતાં યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. તેની પત્નીના જણાવ્યા અનુસાર ડૉક્ટરોએ તેમને CT સ્કેન કરાવવાની સલાહ આપી છે.

જાનથી મારી નાખવાની આપી ધમકી

હુમલો કર્યા બાદ પણ કોંગ્રેસ નેતા સંદીપ ધાનાણીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ઘટના અંગે અમરેલી સિટી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સમગ્ર મારામારી અને હુમલાની ઘટના દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ હવે ફૂટેજ આધારે આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આરોપી સંદીપ ધાનાણી માત્ર અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ જ નથી, પરંતુ તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને સિનિયર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ પણ થાય છે.