અમેરિકા-ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડ માટે ડીલ, ટ્રમ્પની ઘોષણા: યુએસ સુરક્ષા ઠેકાણાં વધારશે, રશિયા-ચીનને નો-એન્ટ્રી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ડેનમાર્ક સાથે એક ડીલની ઘોષણા કરી છે. જે મુજબ અમેરિકા ગ્રીનલેન્ડમાં સૈન્ય ઠેકાણાં વધારશે અને રશિયા અને ચીન જેવા દેશોને કોઈ પણ રોકાણ કરવા પર પણ પ્રતિબંધ લાદશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને ડેનમાર્ક સાથે ડીલની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે આ ડીલથી અમેરિકાને ગ્રીનલેન્ડમાં સુરક્ષા પર કાયમી નિયંત્રણ મળ્યું છે અને હવે અમેરિકા અન્ય અમુક બાબતો પર પણ કામ કરી શકશે. સાથે કહ્યું કે આના માટે અમેરિકાએ કોઈ કિંમત ચૂકવવી પડી નથી.

ટ્રમ્પનું કહેવું છે કે ગ્રાઇન્ડલેન્ડ અને અમેરિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિએ એવી પણ ઘોષણા કરી છે કે હવેથી ગ્રાઇન્ડલેન્ડમાં અમેરિકાનો કોઈ પણ પ્રતિદ્વંદી દેશ સૈન્ય ઠેકાણું સ્થાપી શકશે નહીં કે સેન્સેટિવ સેક્ટરોમાં અમેરિકાની પરવાનગી વગર રોકાણ કરી શકશે નહીં. સાથે સ્પષ્ટતા કરી કે આ કરારનો કોઈ સમયગાળો નથી અને અનિશ્ચિતકાળ માટે અમલમાં રહેશે.

ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે વહેલી તકે ગ્રીનલેન્ડમાં સૈન્ય ઠેકાણાં સ્થાપવાનું શરૂ કરી દેશે અને ગ્રાઇન્ડલેન્ડના વિકાસ માટે ત્યાંના લોકો સાથે મળીને કામ કરશે.

ટ્રમ્પે સાથે સ્વપ્રશંસા કરતાં કહ્યું કે ભૂતકાળના રાષ્ટ્રપતિઓ ગ્રીનલેન્ડનું મહત્ત્વ સમજતા હતા તેમ છતાં તેમણે ક્યારેય આ દિશામાં નક્કર પ્રયાસો ન કર્યા પરંતુ પોતાના કાર્યકાળમાં આ શક્ય બન્યું છે અને કાયમી ઉકેલ આવ્યો છે. ટ્રમ્પે આ ડીલને ઐતિહાસિક, વિશેષ અને અમેરિકા માટે અતિઅગત્યની ગણાવી છે.

ડેનમાર્કે પણ અમેરિકા સાથે ડીલ થઈ હોવાની પુષ્ટિ કરી છે પરંતુ વધુ વિગતો આપી નથી. ડેનમાર્કનાં વડાં પ્રધાને કહ્યું કે આ ડીલથી આર્કટિક અને નોર્થ એટલાન્ટિકમાં સુરક્ષા મજબૂત થશે અને સાથે ગ્રીનલેન્ડનું સાર્વભૌમત્વ પણ જળવાયેલું રહેશે. ડેનમાર્કનું કહેવું છે કે ડીલ બંને પક્ષે ફાયદાકારક છે અને ગ્રીનલેન્ડનાં હિતો પણ જળવાયેલાં રહેશે.

ડીલ પર આગામી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હસ્તાક્ષર કરવામાં આવશે. તે પહેલાં ડેનમાર્કની સંસદમાં પણ રજૂ કરવામાં આવશે અને સભ્યોની મંજૂરી મેળવવામાં આવશે. અમેરિકાએ પણ તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રીનલેન્ડ કેમ અમેરિકા માટે અગત્યનું?

ગ્રીનલેન્ડનું દુનિયાના નકશા પર સ્થાન બહુ અગત્યનું છે. આર્ટિક-એટલાન્ટિક સમુદ્ર વચ્ચે આવેલો આ દ્વીપ દુનિયાનો સૌથી મોટો ટાપુ છે. તે ડેનમાર્કનો સ્વાયત્ત હિસ્સો છે. એટલે ગ્રીનલેન્ડના નાગરિકો ડેનમાર્કના નાગરિકો કહેવાય છે. વસ્તીની વાત કરવામાં આવે તો અહીં લગભગ 57000 લોકો રહે છે.

ગ્રીનલેન્ડમાં ઓઇલ, ગેસ, ખનિજ વગેરે પણ બહુ મોટા પ્રમાણમાં છે. જોકે આર્કટિક ક્લાઈમેટના કારણે આ આ બધું મેળવવું એટલું સરળ નથી. અમુક મિનરલ એવાં છે જેને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા માટે અગત્યનાં ગણાવે છે.

એ વાત પણ નોંધવા જેવી છે કે ગ્રીનલેન્ડમાં અમેરિકા પહેલેથી સૈન્ય ઠેકાણું બનાવીને બેઠું છે અને આ બેઝ બીજા વિશ્વયુદ્ધથી છે. જ્યારે ડેનમાર્કનાં પણ ઘણાં સૈન્ય ઠેકાણાં અહીં છે. ગ્રીનલેન્ડનું શાસન ત્યાંનું સ્થાનિક પ્રશાસન ચલાવે છે. પરંતુ ડિફેન્સ પોલિસી સ્થાનિક પ્રશાસનની નથી, એ કામ ડેનમાર્કનું છે.

હવે અમેરિકા અહીં સૈન્ય ઠેકાણાં વધારશે. બીજું, રશિયા અને ચીન જેવા દેશો હવે ગ્રીનલેન્ડ આવી શકશે નહીં અને કોઈ પણ પ્રવૃત્તિ માટે અમેરિકાની પરવાનગી જરૂરી હશે.

ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ અને મહત્ત્વના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા ત્યારથી ગ્રીનલેન્ડ કબજે કરવા માટે મથી રહ્યા હતા અને જાહેરમાં અનેક નિવેદનો પણ આપી ચૂક્યા હતા. આખરે તેમણે ડીલ કરી છે. જોકે અમેરિકાનો ગ્રીનલેન્ડ પર સીધો કબજો નહીં હોય, માત્ર સુરક્ષા ઠેકાણાં વધારી શકશે અને આંતરિક મામલામાં વધુ ચંચૂપાત કરી શકશે, જેની અમેરિકાને દાયકાઓથી આદત છે.