પામોલીન તેલ, પાવડર અને કેમિકલ ભેળવી ‘દૂધ’ તૈયાર કરતો હતો ઇકબાલ ઇબ્રાહિમ, રોજ 880 લિટરનો કારોબાર: જૂનાગઢથી ધરપકડ

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ભેળસેળનો કાળો કારોબાર ચલાવતા અસામાજિક તત્વો સામે એક મોટી સફળતા મેળવી છે. જૂનાગઢમાં આવેલ ડુંગરપુર ગામમાં દરોડો પાડીને પોલીસે નકલી અને કેમિકલયુક્ત દૂધ બનાવતા એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન ઇકબાલ ઇબ્રાહિમ નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનું ખૂલ્યું છે.

અહેવાલ મુજબ ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમે ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં આવેલા ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ નામના શખ્સના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી મોટાપાયે નકલી દૂધ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આરોપી પોતે ઘરે જ પામોલીન તેલ, દૂધનો પાવડર અને પાણીનું મિશ્રણ કરીને ઝેરી અને કૃત્રિમ દૂધ તૈયાર કરી રહ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઇકબાલ ચૌહાણે કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. તે મેંદરડાના મયુર ટ્રેડર્સના મહેશ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ મિક્સરમાં પામોલીન, દૂધનો પાવડર અને પાણી મિશ્ર કરીને ઘટ્ટ નકલી દૂધ બનાવતો હતો. આ બનાવટી મિશ્રણને અસલી દૂધમાં મેળવીને બજારમાં સપ્લાય કરતો હતો.

સામે આવ્યું છે કે ઇકબાલ દરરોજ સવાર-સાંજ થઈને આશરે 20થી 22 કેન એટલે કે 800થી 880 લિટર જેટલું નકલી દૂધ તૈયાર કરતો હતો. આ દૂધ નાગલપુર ગામમાં ડાયા રબારીની ડેરી અને નાંદરખી ગામમાં મિતુલ પટેલની પ્રાઇવેટ ડેરીઓમાં વેચતો હતો. ત્યારબાદ ડેરીઓ આ દૂધ માળિયા ચિલિંગ સેન્ટર અને વાડલા ફાટક પાસે આવેલી સોરઠ ડેરી સુધી પહોંચાડતી હતી.

86,000નો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી 86,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 35 લિટર તૈયાર નકલી દૂધ, 13 ડબ્બા પામોલીન તેલ, સાગર દૂધ પાવડરના 50 પેકેટ, અમૂલ દૂધ પાવડરના 5 પેકેટ અને લૂઝ પાવડરનો જથ્થો સામેલ છે. આ બધી સામગ્રીના નમૂના FSL રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.  નોંધનીય છે કે પાછલાં કેટલાક સમયથી રાજ્ય સરકારના આદેશથી ભેળસેળ કરનારા તત્વો સામે સમગ્ર ગુજરાતમાં કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ હવે આ નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકો અને તેમના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.