રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનું બિલ અમેરિકી કોંગ્રેસમાં પાસ, ભારતે કહ્યું- 140 કરોડ લોકોની ઉર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં

તાજેતરમાં અમેરિકાની સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઑફ રિપ્રઝન્ટેટિવ્સે’ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકતું એક બિલ પસાર કર્યું છે. ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઑફ 2026’ નામના આ બિલની તરફેણમાં 262 અને વિરોધમાં 159 મત પડ્યા હતા. અગાઉ આ બિલ સેનેટમાં પણ ભારે બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. હવે આ બિલને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અંતિમ મંજૂરી અને હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે, જે બાદ તે કાયદો બની જશે.

આ બિલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિને એવી ખાસ શક્તિઓ આપવામાં આવી છે કે તેઓ રશિયા પાસેથી સસ્તું તેલ કે ગેસ ખરીદનારા અન્ય ભારત અને ચીન જેવા દેશો પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ લાદી શકે છે. આ પગલાંનો મુખ્ય હેતુ રશિયાના ઊર્જા વેપારને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો છે.

રશિયન યુદ્ધ મશીનરી અને ઇરાન પર કડક પ્રતિબંધો

બિલમાં માત્ર ટેરિફ જ નહીં, પરંતુ રશિયાના સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી બેન્કો, ઉચ્ચ અધિકારીઓ અને સરકારી સંસ્થાઓ પર સીધા પ્રતિબંધો મૂકવાની જોગવાઈ છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી બચવા માટે રશિયા જે ‘શેડો ફ્લીટ’ વાપરે છે તે અને લોજિસ્ટિક્સ કંપનીઓ સામે પણ આકરાં પગલાં લેવાશે. સાથે જ રશિયાને સૈન્ય મદદ પૂરી પાડતા ઇરાન પર પણ પ્રતિબંધોનો દાયરો વધારવામાં આવ્યો છે.

આ બિલને લઈને અમેરિકી રાજકારણમાં તીવ્ર મતભેદો જોવા મળ્યા છે. ડેમોક્રેટિક પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ બિલથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અનિયંત્રિત ટેરિફ લાદવાની સત્તા આપવામાં આવી રહી છે. ડેમોક્રેટ્સનું માનવું છે કે ટ્રમ્પ આ સત્તાનો દુરુપયોગ કરીને અમેરિકામાં મોંઘવારી અને ફુગાવો વધારી શકે છે. જોકે, વિરોધ છતાં 58 ડેમોક્રેટિક સાંસદોએ પક્ષના વલણથી અલગ થઈને બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, જેના કારણે તે સરળતાથી પસાર થઈ શક્યું.

યુક્રેન યુદ્ધ અટકાવવા અને પુતિન પર દબાણ લાવવાનો દાવો

બીજી તરફ હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સન અને રિપબ્લિકન સાંસદોનું કહેવું છે કે રશિયા છેલ્લા ઘણા સમયથી યુક્રેનમાં નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યું છે. તેમનું માનવું છે કે આર્થિક કટોકટી સર્જાવાથી પુતિન યુદ્ધ અટકાવવા અને શાંતિ વાટાઘાટોના ટેબલ પર આવવા મજબૂર બનશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ આ બિલનું સ્વાગત કર્યું છે.

આ બિલ ખાસ કરીને ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી સસ્તા દરે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. તાજેતરમાં જ ભારતે રશિયન તેલની ચૂકવણી માટે બિલિયનો ડૉલરનો ઉપયોગ કર્યો છે. હવે જો અમેરિકા આ નવા કાયદા હેઠળ ભારત પર 100% ટેરિફ લાદવાનો નિર્ણય લે છે તો ભારત-અમેરિકાના વેપારી સંબંધો અને ભારતની ઊર્જા નીતિ પર તેની ગંભીર અસર પડી શકે છે.

આ બિલ પાછળની લાંબી વાટાઘાટો બાદ આખરે તેને મંજૂરી મળી છે. આ બિલનાના મુખ્ય પ્રસ્તાવક રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ એપ્રિલ 2025થી તેને પસાર કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. સંસદના બંને ગૃહોમાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં જ આ બિલ પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું રૂપ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રશિયન તેલ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ

અમેરિકી કોંગ્રેસમાં બિલ પસાર થયા બાદ ભારત સરકારે પણ સમગ્ર ઘટનાક્રમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે 17 સપ્ટેમ્બરે કહ્યું કે ભારતે અમેરિકી કોંગ્રેસમાં ‘સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન ઍક્ટ’ પસાર થવાની નોંધ લીધી છે અને આ મામલે આગળના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. સાથે જ ભારતે ફરી સ્પષ્ટ કર્યું છે કે દેશના 1.4 અબજ લોકોની એનર્જી સિક્યુરિટી સુનિશ્ચિત કરવી તેની પ્રાથમિકતા છે. ભારત બદલાતી માર્કેટ ડાયનેમિક્સને ધ્યાનમાં રાખીને વિવિધ સોર્સમાંથી ઊર્જાની ખરીદી ચાલુ રાખશે.

જોકે, ભારતના નિવેદનની સૌથી મહત્વની વાત અહીં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અમેરિકાના વિવિધ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરે આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે અને આ બિલની માત્ર ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો પર જ નહીં, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ પર પડનારી સંભવિત અસર અંગે ભારતીય પક્ષે અમેરિકાને સ્પષ્ટપણે જાણ કરી છે. ભારતે પોતાના ટ્રેડ અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે ‘તમામ જરૂરી પગલાં’ લેવાનો નિર્ધાર પણ સ્પષ્ટ કર્યો છે. સરકાર આ સમગ્ર પરિસ્થિતિની અસરનો સામનો કરવા માટે ભારતીય ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બોડીઝ સાથે મળીને કામ કરશે.

આ આખા નિવેદનમાં ‘એનર્જી સિક્યુરિટી’, ‘ટ્રેડ અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ્સ’ તથા ‘તમામ જરૂરી પગલાં’, આ ત્રણ બાબતો ખાસ નોંધવા જેવી છે. અમેરિકી કોંગ્રેસે બિલ પસાર કરી દીધું છે, પરંતુ તેના કારણે ભારત પર આપોઆપ 100 ટકા ટેરિફ લાગુ થઈ ગયો નથી. બિલ અમેરિકી રાષ્ટ્રપતિને ચોક્કસ પરિસ્થિતિઓમાં આવા ટેરિફ લાદવાની સત્તા આપે છે. ભારતે પણ પોતાના નિવેદનમાં હાલના તબક્કે કોઈ ચોક્કસ અમેરિકી પગલાંની જાહેરાત કરી નથી, પરંતુ સંભવિત અસરો સામે પોતાના આર્થિક અને વ્યૂહાત્મક હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાની વાત સ્પષ્ટ કરી છે.