
13 સપ્ટેમ્બરે ગુરુગ્રામમાં એક કાર ચાલક મહિલા બાઈકરને ટક્કર મારીને ભાગી ગયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે પોલીસે આ કેસના મુખ્ય આરોપી કલ્યાણ બૈંસલાની રાજસ્થાનના દૌસાથી અટકાયત કરી છે. પોલીસે CCTV ફૂટેજની તપાસ કર્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગુરુગ્રામ પોલીસની ટીમ હવે આરોપીને આગળની પૂછપરછ માટે ગુરુગ્રામ લાવી રહી છે.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. સેક્ટર 56 પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજનો અભ્યાસ કર્યા પછી પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 109 ઉમેરી છે. આ ગંભીર કલમ હેઠળ દોષી સાબિત થવા પર 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
બાઇક પરથી રોડ પર ફેંકાઈ મહિલા બાઇકર
આ ઘટના 13 સપ્ટેમ્બરે સવારે ઘટી હતી જ્યારે શિવાની ચૌહાણ તેના અન્ય બાઇકર મિત્રો સાથે ગોલ્ફ કોર્સ રોડ પર બાઇક ચલાવી રહી હતી. હેલ્મેટ અને બાઇક કેમેરાના ફૂટેજમાં દેખાય છે કે એક કારે તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તે રોડ પર ફેંકાઈ ગઈ હતી અને ઘસડાઈ હતી.
આ અકસ્માતમાં સોશિયલ મીડિયા પર ‘શિયા’ તરીકે ઓળખાતી આ યુવતીને શરીર પર ઈજાઓ પહોંચી છે. તેણે જણાવ્યું કે કારમાં બેઠેલા લોકો દારૂના નશામાં હોય તેવું લાગતું હતું અને તેઓ તેનો પીછો કરીને અજીબ ઈશારા કરી રહ્યા હતા. જ્યારે તેણે કાર ચાલકને દૂર રહેવા કહ્યું ત્યારે તેણે ગેરવર્તણૂક કરી હતી.
#WATCH | Delhi: Gurugram's Golf Course accident case | Victim Sia says, "Police are on their way here to record my statement. The FIR was already filed yesterday, and now they are coming to take my statement. I will explain everything to them in detail. I will push for strict… pic.twitter.com/3SogLvncL4
— ANI (@ANI) September 15, 2026
બીજી તરફ આરોપી કલ્યાણ બૈંસલાએ પોતે આંતરરાષ્ટ્રીય કબ્બડી ખેલાડી અને જિમ માલિક હોવાનો દાવો કર્યો છે. તેણે પોલીસ સમક્ષ ટક્કરની વાત સ્વીકારી છે પરંતુ ઈરાદાપૂર્વક ટક્કર મારી હોવાનો ઇનકાર કર્યો છે. તેણે દાવો કર્યો કે તે પરિવાર સાથે મુસાફરી કરી રહ્યો હતો અને બાઇકર્સના ટોળાથી ડરીને તે સ્થળ પર રોકાયો ન હતો, કારણ કે તેને ડર હતો કે જો તે ઊભો રહેશે તો બાઈકર્સ તેની સાથે મારપીટ કરશે.
આરોપીના વકીલે દાવો કર્યો હતો કે મહિલા બાઇકર 140થી 170 કિમી પ્રતિ કલાકની ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહી હતી અને અચાનક વળાંક લેવા જતાં અકસ્માત થયો હતો. બીજી તરફ શિયાએ સ્પષ્ટતા કરી છે કે તેની ઝડપ માત્ર 60-70 કિમી હતી. જે કારથી અકસ્માત થયો તે કાર સેનામાં કામ કરતા કલ્યાણના મિત્ર મનીષની હોવાનું સામે આવ્યું છે.
પીડિતા અને પરિવારની કડક સજાની માંગ
શિયા અને તેના પિતાએ આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. શિયાએ જણાવ્યું કે તે પોલીસ સમક્ષ પોતાનું વિસ્તૃત નિવેદન નોંધાવશે. તેણે કહ્યું કે તે આ મુદ્દે ચુપ નહીં રહે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય મહિલા કે બાઇકર સાથે આવો અકસ્માત ન થાય અને સમાજમાં એક દાખલો બેસે.
બીજી તરફ ગુરુગ્રામ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રસ્તા પર ખતરનાક રીતે વાહન ચલાવવા અને રોડ રેજ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે. પોલીસ હાલમાં આરોપીની ધરપકડ કરીને આ સમગ્ર મામલાની અને આરોપી તથા પીડિતના દાવાઓની તપાસ કરી રહી છે.

