
પાછલા કેટલાક સમય દરમિયાન ગુજરાતમાં વિવિધ શાળા-કૉલેજો સરકારી કચેરીઓ અને અદાલતોને બૉમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. હવે ગુજરાત પોલીસ આ કેસોમાં મોટી સફળતા મેળવીને એક આંતરરાજ્ય સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસના ‘સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ’ની ટેકનિકલ તપાસના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે મુખ્ય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલાની શરૂઆત 10 સપ્ટેમ્બરે ગુજરાત સરકારના વિધાન અને સંસદીય બાબતોના વિભાગને એક ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ થઈ હતી. આ મેસેજમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય મહત્વના સ્થળો અને વરિષ્ઠ નેતાઓને ટાર્ગેટ બનાવી ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતમાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટ સંદર્ભે સહયોગ આપતા દેશોનો પણ તેમાં ઉલ્લેખ કરાયો હતો.
તપાસમાં સામે આવ્યું બિહાર કનેક્શન
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેનો છેડો બિહારના ભાગલપુર સુધી પહોંચ્યો હતો. સ્થાનિક પોલીસની મદદથી ટીમે સૌપ્રથમ રોશન કુમાર ઉર્ફે રાજેન્દ્ર કુમાર ભૂમિહારની ધરપકડ કરી હતી. રોશનની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધમકી માટે વપરાયેલું ઇ-મેઇલ આઈડી ઝારખંડના દેવઘરના રહેવાસી ગુલશન કુમાર કૌશલ સિંઘનું હતું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુલશનની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી 5.13 લાખથી વધુ યુનિક ઇ-મેઇલ આઈડી અને તેના પાસવર્ડનો એક મોટો ડેટાબેઝ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઇ-મેઇલ એકાઉન્ટ્સ બનાવતા અને ઓથેન્ટિકેશન પ્રક્રિયાને બાયપાસ કરતા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ધમકીભર્યા મેસેજ મોકલવા અને અન્ય સાયબર ગુનાઓ માટે થતો હોવાની શંકા છે.
બાંગ્લાદેશ સાથે પણ કનેક્શન
પોલીસની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર સાયબર નેટવર્કનું બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું છે. આ નેટવર્કને બાંગ્લાદેશથી નાણાકીય સહાય અને જરૂરી સૂચનાઓ મળતી હોવાની સંભાવના છે, જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત નાણાંની હેરફેર માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ થયો છે કે કેમ અને આ ક્રિડેન્શિયલ્સ અન્ય કોને મોકલવામાં આવ્યા હતા, તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે.
આ સમગ્ર કામગીરી ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના નેતૃત્વ હેઠળ ગાંધીનગર, ભાગલપુર અને દેવઘર પોલીસના સંયુક્ત સહયોગથી પાર પાડવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ X પર આ સફળતા અંગે જણાવ્યું હતું કે પોલીસે બાંગ્લાદેશ લિંક ધરાવતા આંતરરાજ્ય બૉમ્બ ધમકી ઇ-મેઇલ નેટવર્કને સફળતાપૂર્વક ઝડપી લીધું છે અને પોલીસ આવા ગુનાઓ સામે એક કદમ આગળ રહીને કામ કરી રહી છે.
A major breakthrough by the 𝗖𝘆𝗯𝗲𝗿 𝗖𝗲𝗻𝘁𝗿𝗲 𝗼𝗳 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗵𝗮𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 𝗮𝗻𝗱 𝗱𝗶𝘀𝗺𝗮𝗻𝘁𝗹𝗲𝗱 𝗮𝗻 𝗶𝗻𝘁𝗲𝗿-𝗦𝘁𝗮𝘁𝗲 𝗯𝗼𝗺𝗯 𝘁𝗵𝗿𝗲𝗮𝘁 𝗲𝗺𝗮𝗶𝗹 𝗻𝗲𝘁𝘄𝗼𝗿𝗸 with Bangladesh links.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 14, 2026
✅ Key accused arrested…
ગુજરાત પોલીસે સામાન્ય નાગરિકોને ધમકીભર્યો ઇ-મેઇલ મળે તો ગભરાવાને બદલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા 1930 સાયબરક્રાઈમ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે. વધુમાં, પોલીસે આવી ધમકીઓને અન્ય લોકોને ફોરવર્ડ ન કરવા, તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા તેમજ મોકલનારનો સંપર્ક ન કરવા માટે કડક સૂચના આપી છે.

