હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશિખરોની વચ્ચે એક અચળ ઉપસ્થિતિ: કેદારનાથ સુધી પહોંચતી નર-નારાયણની સાધના

શિખરોની વચ્ચે એક અચળ ઉપસ્થિતિ: કેદારનાથ સુધી પહોંચતી નર-નારાયણની સાધના

નર-નારાયણે જેને ત્યાં સ્થિર થવા પ્રાર્થના કરી હતી, એ જ કેદારેશ્વર આજે પણ શિખરોની વચ્ચે ઊભા છે. કેદાર સુધીની સાચી યાત્રા એ નથી કે આપણે શિવ સુધી પહોંચીએ, સાચી યાત્રા તો ત્યારે શરૂ થાય છે જ્યારે આપણા અંદર પણ કોઈ એક સ્થાન એવું બને, જ્યાં શિવત્વ અચળ રહી શકે.

- Advertisement -

હિમાલયમાં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં પહોંચ્યા પછી સ્થળ કરતાં તેની નિઃશબ્દતા વધુ બોલતી લાગે છે. ઊંચા શિખરો, પથ્થરો વચ્ચે વહેતું જળ અને તેની વચ્ચે સ્થિર કોઈ પ્રાચીન ઉપસ્થિતિ. કેદારનાથનો અનુભવ પણ કંઈક આવો જ છે. મંદાકિનીના કિનારે, સમુદ્રસપાટીથી આશરે 3,584 મીટરની ઊંચાઈએ આવેલું કેદારનાથ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. પરંતુ કેદારનાથને માત્ર એક પ્રાચીન મંદિર, એક પર્વતીય યાત્રાધામ કે બાર જ્યોતિર્લિંગોમાંના એક તરીકે જોવાથી તેની વિશેષતા સમજાતી નથી.

અહીં શિવનું જે સ્વરૂપ પ્રગટે છે, તેની પાછળ નર અને નારાયણની એવી સાધના છે જેમાં પોતાના માટે કંઈ માગવામાં આવ્યું નથી. તેમણે શિવ પાસે સંપત્તિ, શક્તિ કે વિજય નહીં, પરંતુ એક જ વાત માગી હતી કે તેઓ ત્યાં જ સ્થિર રહે અને ભક્તોની ઉપાસના સ્વીકારે.

આ નાની વાત નથી. કારણ કે કોઈ દેવતા પાસે વરદાન માગતી વખતે માણસ સામાન્ય રીતે પોતાના જીવનની કોઈ ખોટ પૂરી કરવા માગે છે. નર-નારાયણની સાધનામાં આ ‘પોતાના માટે’નો ભાવ જ ગાયબ છે. તેમની સાધના લાંબી હતી, તેમની ઉપાસના સતત હતી અને જ્યારે શિવ પ્રસન્ન થઈને સામે આવ્યા ત્યારે પણ તેમની પ્રાર્થનાનું કેન્દ્ર તેઓ પોતે નહોતા. વિશ્વનું કલ્યાણ અને ભક્તોને શિવની ઉપાસના માટે સદાય એક જીવંત સ્થાન મળે, આ તેમની ઇચ્છા હતી. કદાચ કેદારનાથના સમગ્ર આધ્યાત્મિક સ્વરૂપને સમજવાની શરૂઆત અહીંથી જ થાય છે.

- Advertisement -

જ્યાં નર અને નારાયણ શિવની ઉપાસનામાં સ્થિર થયા

શિવપુરાણના કોટિરુદ્ર સંહિતાના કેદારેશ્વર મહાત્મ્યમાં નર અને નારાયણને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેઓ ભારતખંડમાં બદરીકાશ્રમ ખાતે તપસ્યા કરતા હતા. ત્યાં તેમણે શિવની ઉપાસના માટે માટીનું પાર્થિવ શિવલિંગ સ્થાપિત કર્યું અને લાંબા સમય સુધી નિયમપૂર્વક તેની પૂજા કરી. કથા અહીં એક સુંદર વાત કહે છે કે ભક્તોની ઇચ્છા મુજબ ભગવાન શિવ પોતે દરરોજ એ માટીના શિવલિંગ પાસે આવતા અને તેમની ઉપાસના સ્વીકારતા.

નર અને નારાયણની સાધના માત્ર કોઈ એક દિવસની પ્રાર્થના નહોતી. લાંબો સમય વીતી ગયો. ઉપાસના ચાલુ રહી. અંતે શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થઈને કહ્યું કે તેઓ પ્રસન્ન છે, તેથી બંને પોતાની ઇચ્છાનું વરદાન માગે. અહીંથી કેદારનાથની કથાનો સૌથી મહત્વનો પ્રસંગ શરૂ થાય છે.

નર અને નારાયણે શિવ પાસે જે માગ્યું તે સાંભળીએ કથાનો સમગ્ર ભાર બદલાઈ જાય છે. તેમણે કહ્યું કે જો શિવ પ્રસન્ન હોય તો તેઓ પોતાના સ્વરૂપે ત્યાં જ સ્થિર રહે અને પોતાના ભક્તોની ભક્તિ સ્વીકારે. શિવે તેમની આ પ્રાર્થના સ્વીકારી અને હિમાલયના કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. ત્યારથી તેઓ કેદારેશ્વર નામે પ્રસિદ્ધ થયા. શિવપુરાણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ ત્યાં જગતના કલ્યાણ માટે અને ભક્તોની ઉપાસનાને સ્વીકારવા માટે સ્થિર થયા.

આ પ્રસંગમાં કેદારનાથનું એક એવું સ્વરૂપ દેખાય છે, જે માત્ર પર્વત પર સ્થિત મંદિરથી ઘણું મોટું છે. નર-નારાયણની સાધનાનો અંત શિવને મેળવી લેવાનો નહોતો, શિવને સૌ માટે ત્યાં સ્થિર કરવાનો હતો. પોતાની સાધનાનું ફળ પોતે રાખવાને બદલે તેને સમગ્ર સમાજ માટે સમર્પિત કરી દેવું, આ ભાવ કેદારનાથના મૂળમાં છે.

શિવને પામવાની નહીં, શિવને પોતાની વચ્ચે રાખવાની સાધના

ભારતીય આધ્યાત્મિક પરંપરામાં સાધના વિશે એક સામાન્ય ગેરસમજ રહી છે કે સાધના એટલે કોઈ વિશેષ શક્તિ, સિદ્ધિ અથવા વરદાન મેળવવાનો માર્ગ. પરંતુ નર-નારાયણની સાધનામાં આ દૃષ્ટિ બહુ નાની પડી જાય છે. તેઓ શિવની આરાધના કરે છે, શિવ પ્રગટ થાય છે અને વરદાન માગવાનો અવસર મળે છે, છતાં માગવામાં આવે છે શિવની ઉપસ્થિતિ.

આ પ્રાર્થનામાં ભક્તિનું એક પરિપક્વ સ્વરૂપ દેખાય છે. જ્યાં સુધી ઉપાસનાના કેન્દ્રમાં ‘મને શું મળશે?’ છે ત્યાં સુધી સાધના અને ઇચ્છા વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે મટતો નથી. પરંતુ જ્યારે સાધકનું મન ‘મારા માટે’થી આગળ વધીને ‘સર્વના કલ્યાણ માટે’ સુધી પહોંચે છે ત્યારે ઉપાસનાનો સ્વભાવ બદલાઈ જાય છે. નર-નારાયણ શિવ પાસે પોતાના માટે કંઈ રાખતા નથી, તેઓ શિવને જ ત્યાં રાખવા માગે છે.

આ જ ભાવ કેદારનાથના નામ સાથે જોડાયેલા અનુભવને પણ વધારે ઊંડો બનાવે છે. હિમાલયની વચ્ચે એક પથ્થરનું મંદિર ઊભું છે એવું કહેવું પૂરતું નથી. અહીં એક એવી ઉપસ્થિતિની કલ્પના છે જે ભક્તના આવવા-જવા પર આધારિત નથી. માણસ આવે છે, જાય છે, પેઢીઓ બદલાય છે, ઋતુઓ બદલાય છે, બરફ પડે છે, માર્ગો બદલાય છે, પરંતુ કેદારેશ્વર સ્થિર રહે છે.

એટલા માટે કેદારની યાત્રામાં બહારની ચઢાઈ અને અંદરની ચઢાઈ વચ્ચેનો ભેદ ધીમે-ધીમે ઓછો થતો જાય છે. પહાડ ચઢવો એ માત્ર શરીરની મહેનત નથી રહેતી. માણસ જેટલો ઉપર જાય છે, તેટલો બહારનો વિસ્તાર પાછળ રહી જાય છે અને અંદરની એકાગ્રતા આગળ આવવા લાગે છે. નર-નારાયણની કથા આ અનુભવને સાધનાના સ્તરે મૂકે છે. સ્થિરતા બહારના શિખરમાં નહીં, ચિત્તની દિશામાં શોધવાની.

શિવ પ્રગટ થયા, પરંતુ માંગનાર બદલાઈ ગયો હતો

નર-નારાયણની સાધનામાં શિવનું પ્રાગટ્ય માત્ર દેવદર્શનનો પ્રસંગ નથી. શિવ સામે આવે તે પહેલાં સાધકની અંદર શું બદલાયું છે, એ પણ એટલું જ મહત્વનું છે. વર્ષો સુધી ચાલેલી ઉપાસના પછી જ્યારે વરદાન માગવાનો સમય આવ્યો ત્યારે તેમણે પોતાના જીવનને વધુ સમૃદ્ધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી નહીં. તેમણે શિવની ઉપસ્થિતિને જ વરદાન બનાવી દીધી.

અહીં ‘સાધના’નો અર્થ થોડો વધુ સ્પષ્ટ થાય છે. સાધના માત્ર ભગવાનને પોતાની ઇચ્છા સ્વીકારાવવા માટેની પ્રક્રિયા નથી. સાધના એવી પ્રક્રિયા છે જેમાં ધીમે-ધીમે ઇચ્છા પોતાનું કેન્દ્ર ગુમાવે છે. નર-નારાયણની પ્રાર્થનામાં આ પરિવર્તન પૂર્ણ દેખાય છે. તેઓ શિવને મેળવવા માગતા નથી, કારણ કે શિવને પોતાની પાસે રાખવાની તેમની ઇચ્છા પણ અંતે પોતાના માટે નથી. તેઓ ઇચ્છે છે કે જે ઉપસ્થિતિએ તેમને આંતરિક આશ્રય આપ્યો છે, તે ઉપસ્થિતિ અન્ય ભક્તોને પણ ઉપલબ્ધ રહે.

આ ભાવને ઉપનિષદની દૃષ્ટિએ જોવો તો સાધનાનું અંતિમ લક્ષ્ય કોઈ બહારની વસ્તુ પ્રાપ્ત કરવું નહીં, પરંતુ અક્ષર અને આત્મતત્વની ઓળખ તરફ જવું છે. મુંડક ઉપનિષદ કહે છે કે જેને જાણવાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય તે પરા વિદ્યા છે. એ જ ઉપનિષદ આગળ કહે છે કે આ આત્મા માત્ર પ્રવચન, બુદ્ધિ અથવા ઘણું સાંભળવાથી પ્રાપ્ત થતો નથી, જેના દ્વારા તે સ્વયં પ્રગટ થાય છે, તેના માટે આત્મા પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે.

આ પંક્તિ કેદારની સાધનાને સમજવા માટે ઊંડી દિશા આપે છે. અહીં શિવને કોઈ દૂરના પર્વત પર બેઠેલા દેવ તરીકે જોવાની જરૂર નથી. સાધના એટલે એવી આંતરિક તૈયારી, જેમાં ચિત્ત ધીમે-ધીમે એટલું નિર્મળ અને સ્થિર બને કે પરમ ઉપસ્થિતિ પોતે અનુભવાય. નર-નારાયણની લાંબી તપસ્યા અને ત્યારબાદ શિવનું પ્રાગટ્ય આ જ ભાવને જીવંત બનાવે છે.

કેદારનાથ અને ‘અચળ’ શિવત્વ

કેદારનાથની વિશેષતા તેના ભૂગોળમાં પણ છે. આ ધામ મંદાકિનીના કિનારે ઊંચા હિમાલયી વિસ્તારમાં આવેલું છે અને મંદિરની અંદર શિવનું સ્વરૂપ શંકુ આકારની શિલા તરીકે પૂજાય છે. મંદિર સમિતિની માહિતી અનુસાર કેદારનાથ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને આ સમગ્ર વિસ્તાર ઐતિહાસિક રીતે ‘કેદારખંડ’ તરીકે ઓળખાય છે.

અહીં પર્વત અને શિવના સ્વરૂપ વચ્ચે એક સુંદર આંતરિક સંવાદ અનુભવાય છે. પર્વતનું મૂળ સ્વરૂપ જ સ્થિરતાનું છે. તેની આસપાસ ઋતુઓ બદલાય, બરફ પડે, નદીઓ વહે, વનસ્પતિ ઊગે અને સુકાય, યાત્રાળુઓ આવે અને પાછા જાય, પણ શિખર પોતાની જગ્યાએ રહે છે. શિવનું ‘અચળ’ સ્વરૂપ પણ આ જ દિશામાં વિચારવા પ્રેરે છે. જીવનની દરેક વસ્તુ ગતિમાં છે, પરંતુ જે ગતિને શક્ય બનાવે છે તે ચેતનાની અંદર કોઈ એક સ્થિર કેન્દ્ર હોવું જરૂરી છે.

મુંડક ઉપનિષદ અક્ષર તત્વને સર્વવ્યાપી અને અવિનાશી તરીકે વર્ણવે છે. તેમાંથી જ જગતની વિવિધતા પ્રગટે છે અને અંતે જ્ઞાની નામ અને રૂપથી પરે થઈને પરમ પુરુષ સુધી પહોંચે છે. નદીઓ સમુદ્રમાં પ્રવેશીને પોતાનું નામ અને રૂપ છોડી દે છે તેમ જ્ઞાની પણ નામ-રૂપથી મુક્ત થઈને પરમ તત્વને પ્રાપ્ત કરે છે.

કેદારનાથના સંદર્ભમાં આ વિચારને કોઈ સૂકી તત્વચર્યા તરીકે સમજવાની જરૂર નથી. પહાડની વચ્ચે ઊભેલું કેદારનું અચળ સ્વરૂપ અને તેની આસપાસ સતત વહેતું જળ એક જ દૃશ્યમાં બે સ્થિતિઓ સામે મૂકે છે. પ્રવાહ અને સ્થિરતા. જીવન વહે છે, સમય વહે છે, શરીર બદલાય છે, વિચારો બદલાય છે, પરંતુ માણસ પોતાના અસ્તિત્વના સૌથી ઊંડા સ્તરે જેની શોધ કરે છે તે અચળ છે. કેદારેશ્વરની ઉપાસનામાં માત્ર શિવને નમસ્કાર નથી. તે બદલાતી દુનિયા વચ્ચે અપરિવર્તિતને ઓળખવાની દિશા પણ છે.

પછી આવે છે પાંડવોની પ્રસિદ્ધ ઘટના

કેદારનાથનું નામ લેતાં જ મોટાભાગના લોકોના મનમાં પાંડવો અને મહિષરૂપે આવેલા શિવની કથા તરત ઊભી થાય છે. આ પરંપરા પણ કેદારની મહત્વપૂર્ણ સ્મૃતિનો ભાગ છે. પરંતુ શિવપુરાણમાં આ પ્રસંગ નર-નારાયણની સાધના અને કેદારેશ્વરના જ્યોતિર્લિંગ સ્વરૂપની સ્થાપના પછી આવે છે. એટલે બંને પ્રસંગોને એક જ ઘટના માની લેવાને બદલે કેદારનાથ સાથે જોડાયેલી બે અલગ આધ્યાત્મિક પરંપરાઓ તરીકે જોવી વધુ યોગ્ય છે.

પાંડવો મહાભારતના યુદ્ધ પછી શિવના દર્શન માટે નીકળ્યા હતા. શિવ તેમને જોઈને મહિષનું સ્વરૂપ ધારણ કરીને દૂર જવા લાગ્યા. પાંડવો તેમને ઓળખીને તેમની પાછળ ગયા. અંતે જ્યારે તેમણે મહિષને પકડી લીધો ત્યારે શિવે પોતાનું સ્વરૂપ સંપૂર્ણ રીતે પ્રગટ ન કરતા ભૂમિમાં પ્રવેશ કર્યો અને પાંડવોને પોતાના વિશિષ્ટ સ્વરૂપની ઉપાસના કરવાની આજ્ઞા આપી. શિવપુરાણ કહે છે કે પાંડવોએ તેમની ઉપાસના કરી અને શિવ ત્યાં રહીને તેમને વરદાન આપ્યું.

આ પ્રસંગને કેદારનાથની લોકપ્રચલિત પરંપરા સાથે જોડીને આજે મંદિરના ગર્ભગૃહમાં પૂજાતા શિલારૂપ સાથે પણ જોવામાં આવે છે. મંદિર સમિતિ પણ પાંડવોની આ પરંપરાનો ઉલ્લેખ કરે છે અને કેદારનાથમાં પૂજાતા શંકુ આકારના શિલાસ્વરૂપને શિવના સદાશિવ સ્વરૂપ તરીકે વર્ણવે છે.

પરંતુ પાંડવોની આ ઘટના કેદારની સૌથી ઊંડી વાત કદાચ એટલા માટે બને છે કે અહીં પણ શિવને પકડવાની વાત કરતા અંતે શિવ સામે સમર્પિત થવાની વાત વધારે મહત્વની બની જાય છે. માણસ પોતાના પ્રયત્નથી પરમને શોધે છે, પરંતુ પરમ તત્વને પોતાની ઇચ્છા મુજબ પકડી શકતો નથી. શોધ અને સમર્પણ વચ્ચે જ્યાં અંતર મટે છે, ત્યાં દર્શનનો અર્થ બદલાઈ જાય છે.

કેદાર એટલે માત્ર એક સ્થળ નહીં, એક આંતરિક દિશા

કેદારનાથની યાત્રા એટલે હિમાલય સુધી પહોંચવું, આ તેની બાહ્ય ઘટના છે. પરંતુ નર-નારાયણની સાધના આપણને તેની અંદરની દિશા બતાવે છે. તેમણે લાંબી તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યા અને અંતે જે માગ્યું તે પોતાને માટે નહોતું. આ આખી પ્રક્રિયામાં એક શબ્દ વારંવાર પાછો આવે છે. સ્થિરતા.

સાધનાની શરૂઆતમાં મન સતત કંઈક શોધે છે. ક્યારેક શક્તિ, ક્યારેક શાંતિ, ક્યારેક સિદ્ધિ, ક્યારેક ભગવાન. પરંતુ સાધના ઊંડી થતી જાય ત્યારે શોધનાર પોતે જ ધીમે-ધીમે બદલાય છે. મુંડક ઉપનિષદ કહે છે કે હૃદયની ગાંઠો છૂટે છે, સંશયો દૂર થાય છે અને કર્મબંધનો ક્ષીણ થાય છે જ્યારે પરમ તત્વના દર્શન થાય છે.

કેદારનાથની સામે ઊભા રહીને આ જ અનુભવ સૌથી સહજ રીતે સમજાય છે. શિખરો બદલાતા નથી, છતાં તેમની ઉપર પ્રકાશ સતત બદલાય છે. નદીઓ સતત વહે છે, છતાં તેમનો મૂળ સ્ત્રોત પર્વતમાં સ્થિર રહે છે. યાત્રાળુઓ આવે છે, પ્રાર્થના કરે છે અને પાછા ફરે છે, પરંતુ કેદારેશ્વર પોતાની જગ્યાએ રહે છે. બહારનું બધું ગતિમાન છે અને તેની મધ્યમાં એક અચળ ઉપસ્થિતિ છે.

નર-નારાયણે શિવને ત્યાં જ રહેવાનું કહ્યું હતું. હજારો વર્ષ પછી પણ કેદારનાથની યાત્રા કરતો માણસ મૂળભૂત રીતે એ જ ઉપસ્થિતિની શોધમાં આવે છે. કોઈ પોતાની વ્યથા લઈને આવે છે, કોઈ પ્રાર્થના લઈને, કોઈ શ્રદ્ધા લઈને અને કોઈ માત્ર એક અજાણ્યા ખેંચાણથી. પરંતુ કેદારની વિશેષતા એ છે કે અંતે યાત્રાળુને પોતાના પ્રશ્નોથી થોડું ઉપર લઈ જવાની તેની ક્ષમતા છે.

આ જ કારણ છે કે કેદારનાથને માત્ર એક મંદિર તરીકે જોવું તેના અર્થને નાનું કરી નાખે છે. અહીં શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર છે, પરંતુ તેમની આસપાસની સમગ્ર પરંપરા માણસને અંદરની અસ્થિરતા સામે ઊભો કરે છે. નર-નારાયણની સાધના કહે છે કે પરમને પામવાની સૌથી ઊંડી રીત ક્યારેક તેને પોતાના માટે માગવી નથી, પરંતુ તેને સૌ માટે ઉપલબ્ધ રહે તેવી પ્રાર્થના કરવી છે.

હિમાલયની વચ્ચે કેદારનાથ આજે પણ એ જ વાતનું સ્મરણ કરાવે છે કે જીવન વહેતું રહે છે, સમય પસાર થતો રહે છે, નામ અને રૂપ બદલાતાં રહે છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવું તત્વ છે જે અચળ છે. નર-નારાયણે જેને ત્યાં સ્થિર થવા પ્રાર્થના કરી હતી, એ જ કેદારેશ્વર આજે પણ શિખરોની વચ્ચે ઊભા છે. કેદાર સુધીની સાચી યાત્રા એ નથી કે આપણે શિવ સુધી પહોંચીએ, સાચી યાત્રા તો ત્યારે શરૂ થાય છે જ્યારે આપણા અંદર પણ કોઈ એક સ્થાન એવું બને, જ્યાં શિવત્વ અચળ રહી શકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં