ચીની સેના માટે એન્ટી-ટોર્પિડો હથિયાર બનાવવામાં ક્લોડની મદદ, હૂતીઓ પણ AIનો કરી રહ્યા હતા ઉપયોગ: એન્થ્રોપિકનો ઘટસ્ફોટ

ચેટબોટ ‘ક્લોડ’ બનાવતી અગ્રણી AI કંપની એન્થ્રોપિકે એક ઇન્ટેલિજેન્સ રિપોર્ટ જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર ચીને પોતાના સૈન્ય ‘પીપલ્સ લિબરેશન આર્મી નેવી’ (PLAN) માટે એન્ટી-ટોર્પિડો વેપન સિસ્ટમ વિકસાવવામાં ક્લોડ AI મોડેલનો ઉપયોગ કર્યો હતો. એન્થ્રોપિકે આ પ્રવૃત્તિ પકડી પાડીને તુરંત બંધ કરી દીધી છે, પરંતુ આ ઘટનાએ વૈશ્વિક સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કર્યો છે.

અહેવાલ મુજબ, ચીની મિલિટરી સાથે જોડાયેલ એક વ્યક્તિએ AIનો ઉપયોગ કરીને એક એવું સોફ્ટવેર લખાણ તૈયાર કરાવ્યું, જે સમુદ્રી યુદ્ધમાં દુશ્મનની સબમરીનમાંથી આવતી ટોર્પિડોને પકડીને તેના પર વળતો હુમલો કરવાનું અને નિશાન સાધવાનું કામ કરે છે. આ વ્યક્તિએ AI પાસે આ બધી માહિતી ચીની ભાષામાં તૈયાર કરાવી, જેથી તે આ હથિયારનું નિર્માણ અને ટેસ્ટિંગ શરૂ કરવાની મંજૂરી મેળવી શકે.

200 પાનાંનો રિપોર્ટ બનાવી આપ્યો

એટલું જ નહીં, આ ચીની શખ્સે AIની મદદથી આ હથિયાર પ્રોજેક્ટ માટે 200થી પણ વધુ પાનાંનો આખો ટેકનિકલ અહેવાલ અને પ્રેઝન્ટેશન તૈયાર કરાવી લીધું હતું. આ પછી તેણે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાહેર માહિતીનો ઉપયોગ કરીને પોતાના આ હથિયારની સરખામણી અમેરિકી નેવીના હથિયારો સાથે કરી જેથી જાણી શકાય કે તેમનું હથિયાર કેટલું ચડિયાતું છે. આ બધી ગુપ્ત માહિતી મેળવવા માટે તે વ્યક્તિએ AI સામે પોતે જાણે અમેરિકી લશ્કરનો હથિયાર બનાવનારો મોટો વેપારી હોય તેવી રજૂઆત કરી હતી.

એન્થ્રોપિકના રિપોર્ટ મુજબ, વિવિધ દેશોની સરકારો પોતાના રાજકીય વિરોધીઓ, લોકશાહીના સમર્થકો અને અલ્પસંખ્યકો પર નજર રાખવા માટે એઆઈ મોડેલ્સનો ઉપયોગ કરી રહી છે. જોકે કંપનીએ જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ચીન, ઈરાન અને પશ્ચિમ આફ્રિકામાંથી ચાલતા આવા અનેક જાસૂસી નેટવર્કને શોધીને બંધ કરી દીધા છે.

હૂતીઓ સહિતના લોકો AIનો કરી રહ્યા છે દુરુપયોગ

આ જાસૂસી ઝુંબેશમાં મુખ્યત્વે હોંગકોંગના લોકશાહી સમર્થકો, તિબેટીયન અને ફાલૂન ગોંગ સમુદાયના લોકો તેમજ ઈરાની શાસનના વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ માટે ઈરાની એજન્ટોએ સોશિયલ મીડિયા પર લોકોની ઓળખ કરવા AI સિસ્ટમ બનાવી હતી, જ્યારે આફ્રિકાના માલી દેશમાં સુરક્ષા અધિકારીઓ માટે કામ કરતા એક કોન્ટ્રાક્ટરે ક્લોડનો ઉપયોગ કરીને ગુપ્ત માહિતી એકઠી કરવાનું સોફ્ટવેર બનાવ્યું હતું.

આ ઉપરાંત એન્થ્રોપિકના અહેવાલ મુજબ, યમનના હૂતી આતંકીઓ પણ પોતાની મિસાઈલ અને શસ્ત્ર સિસ્ટમની ચોકસાઈ વધારવા તથા તેને વધુ તાલીમબદ્ધ બનાવવા માટે આ મોડેલ્સનો ખતરનાક ઉપયોગ કરી રહ્યા છે.

એન્થ્રોપિકે ચેતવણી આપી છે કે હવે ટેકનિકલ અને લશ્કરી ક્ષેત્રે માનવ એન્જિનિયરો અને વિજ્ઞાનીઓની જગ્યાએ AIનો ઉપયોગ થઈ રહ્યો છે. જે જટિલ કામો કરવા માટે અગાઉ સેંકડો નિષ્ણાતો અને વિજ્ઞાનીઓની જરૂર પડતી હતી, તે કામો હવે AI મોડેલ્સ ક્ષણોમાં કરી આપે છે. આ ફેરફાર અત્યંત ચિંતાજનક છે કારણ કે AIનો ઉપયોગ આટલી ઝડપથી અને સરળતાથી થઈ રહ્યો હોવાથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને વિશ્વ શાંતિ સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે.