હોમપેજમિડિયાકર્મચારીઓએ સ્પષ્ટતા માંગી, ગુજરાત સમાચારે 'ISROનું ખાનગીકરણ' કરી નાખ્યું: સંસ્થાના ખંડન છતાં...

કર્મચારીઓએ સ્પષ્ટતા માંગી, ગુજરાત સમાચારે ‘ISROનું ખાનગીકરણ’ કરી નાખ્યું: સંસ્થાના ખંડન છતાં અખબારે પહેલે પાને છાપી ભ્રામક હેડલાઈન

આ આખો વિવાદ ISROના ખાનગીકરણ કરતાં પણ વધુ અખબારના ભડકાઉ રિપોર્ટિંગ અને સન્સેશનલિઝમનો છે. પહેલા પાનાની હેડલાઇન જોઈને ગેરમાર્ગે દોરાતા વાચકોમાં ISRO જેવી રાષ્ટ્રીય ગૌરવ સમાન સંસ્થા પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવામાં આવ્યો.

- Advertisement -

ભારતના અંતરિક્ષ કાર્યક્રમને લઈને છેલ્લા કેટલાક દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે. જેનો ઉપયોગ કરીને ઇકોસિસ્ટમ બૌદ્ધિક બદમાશી કરી રહી છે. 4 સપ્ટેમ્બરે ISRO સાથે જોડાયેલા નવ કર્મચારી સંગઠનોએ સંસ્થાના અધ્યક્ષ અને અંતરિક્ષ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને એક લેખિત પત્ર લખ્યો હતો. આ પત્રમાં અંતરિક્ષ ક્ષેત્રમાં વધી રહેલી ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને તેના કારણે ISROની ભવિષ્યની ભૂમિકા પર પડનારી અસર અંગે લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

કર્મચારી સંગઠનોએ એ બાબતને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો રોકેટ, સેટેલાઇટ ઉત્પાદન અને અન્ય પ્રસ્થાપિત કે મેચ્યોર ટેકનોલોજીનું કામકાજ ખાનગી ક્ષેત્રને સોંપી દેવાશે તો ભવિષ્યમાં ISROની પોતાની ભૂમિકા શું રહેશે. તેમને આશંકા હતી કે ISRO માત્ર એક મર્યાદિત રિસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થા બનીને રહી જશે અને તેની મુખ્ય કામગીરી સરકારી નિયંત્રણની બહાર જતી રહેશે.

નોંધનીય છે કે આ પત્રમાં કર્મચારી સંગઠનોએ ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો સંપૂર્ણ બહિષ્કાર કે વિરોધ કર્યો નહોતો. તેમની દલીલ એવી હતી કે ખાનગી કંપનીઓ સાથે ISRO મજબૂત રીતે કામ કરી શકે છે, પરંતુ દેશની પ્રમુખ અંતરિક્ષ સંસ્થાનું મહત્વ ઘટવું ન જોઈએ. કર્મચારીઓએ ટેકનોલોજી ટ્રાન્સફર, ISROની આંતરિક ક્ષમતા, ભરતી પ્રક્રિયા, રોજગાર અને વૈજ્ઞાનિક કર્મચારીઓની ભવિષ્યની સુરક્ષા અંગે જ સ્પષ્ટતા માંગી હતી.

- Advertisement -

આ પત્ર બાદ ગુજરાત સમાચારે કરી બૌદ્ધિક બદમાશી

આ સમગ્ર વિવાદ વચ્ચે ગુજરાત સમાચારે 7 સપ્ટેમ્બરે પોતાના અખબારના ફ્રન્ટ પેજ પર જ મોટી હેડલાઇન સાથે સમાચાર રજૂ કર્યા. હેડલાઇન હતી- ‘સરકાર દેશને વેચી રહી છે, ઇસરોનું ખાનગીકરણ’. તેની ઉપર સબહેડમાં લખવામાં આવ્યું હતું- ‘અમને અંધારામાં રાખ્યા: ઇસરોના નવ કર્મચારી સંગઠનોએ રોષ ઠાલવ્યો, અધ્યક્ષને પત્ર લખ્યો.’

માત્ર પ્રિન્ટ મીડિયા જ નહીં, પરંતુ ગુજરાત સમાચારની અધિકૃત વેબસાઇટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ આ અહેવાલ ‘સરકાર દેશને વેચી રહી છે, ISROનું ખાનગીકરણ’ જેવાં શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યો. રિપોર્ટમાં કર્મચારી સંગઠનોના પત્રની વાતો રજૂ કરીને એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરાયો કે સરકારે ISROને ખાનગી હાથોમાં સોંપવાનો આખરી નિર્ણય લઈ લીધો છે.

અહીં સૌથી મહત્વનો મુદ્દો એ ઊભો થાય છે કે કર્મચારી સંગઠનોએ માત્ર પોતાની ચિંતાઓ રજૂ કરીને સ્પષ્ટતા માંગી હતી. સરકારે ISROના ખાનગીકરણની કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. ચિંતા કે પ્રશ્ન પૂછવાની બાબતને સીધી જ ‘સરકાર દેશ વેચી રહી છે’ અને ‘ખાનગીકરણ થઈ ગયું છે’ તેવી હેડલાઇનમાં બદલી નાખવી એ જનતાને ગેરમાર્ગે દોરવા અને ઉશ્કેરવા સમાન હતું.

અહીં મુદ્દો કર્મચારી સંગઠનોની ચિંતા સાચી હતી કે ખોટી હતી એવો નથી. કર્મચારીઓએ ખરેખર સવાલ ઉઠાવ્યો હતો અને સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી. એ સમાચાર ચોક્કસપણે રિપોર્ટ કરવા યોગ્ય હતા.

મુદ્દો એ છે કે ‘નવ કર્મચારી સંગઠનોએ ISROના ખાનગીકરણ અંગે સ્પષ્ટતા માગી’ અને ‘સરકાર દેશને વેચી રહી છે, ISROનું ખાનગીકરણ’, આ બંને હેડલાઇન વાચકના મનમાં એવી છાપ છોડે છે કે ISROનું ખાનગીકરણ થઈ ગયું. પ્રથમ પાને જે સમાચાર છે તેમાં માત્ર આ જ માહિતી હતી.

સૌ જાણે છે તેમ અખબારના પહેલા પાનાની હેડલાઇન સમાચારનો સૌથી વધુ દેખાતો અને શેર થતો ભાગ હોય છે. વાચક ઘણી વખત માત્ર હેડલાઇન વાંચીને આગળ વધી જાય છે. સોશિયલ મીડિયા પર અખબારના પહેલા પાનાનો સ્ક્રીનશોટ પણ ઘણી વખત માત્ર મુખ્ય હેડલાઇન અને ફોટા સાથે જ શેર થાય છે. આવી સ્થિતિમાં અંદરના પાને આપેલું સ્પષ્ટીકરણ મૂળ દાવાની સરખામણીમાં બહુ ઓછા લોકો સુધી પહોંચે છે.

આ સમગ્ર ઘટનામાં વધુ એક મહત્વની બાબત એ છે કે આખી સ્ટોરી ISROના કર્મચારીઓએ ઉઠાવેલ પ્રશ્નો પર આધારિત હતી, પહેલા પાને ISROએ જે સ્પષ્ટતા કરી એનો કોઈ જ ઉલ્લેખ નહોતો અને બાકીના સમાચાર અનુસંધાનમાં 13મા પાને હતા.

હવે એ સમજવું જરૂરી છે કે જો પ્રથમ પાને મોટા અક્ષરોમાં ‘સરકાર દેશને વેચી રહી છે, ISROનું ખાનગીકરણ’ લખવામાં આવે અને તેના પછીની વિગતવાર સત્તાવાર સ્પષ્ટતા અંદરના પાને ‘અનુસંધાન’ તરીકે ખૂણામાં મૂકવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. મોટાભાગના માણસો અંદરના પેજ પર અનુસંધાન વાંચવા જતાં જ નથી અને જો કોઈ વાંચે તો પણ ગેરસમજ ઊભી કરે એવી મોટી મોટી હેડલાઈનો અને પહેલાં પાનની સ્ટોરીની જે છાપ ઊભી થઈ ગઈ હોય પછી એક લાઇનની સ્પષ્ટતા એ ગેરસમજ બદલી શકતી નથી.

અહીં એ પણ મહત્વનું છે કે ISROએ માત્ર 2 કે 4 લાઇનની સ્પષ્ટતા નથી આપી. સંસ્થાએ આખો લેખ લખાઈ જાય એટલી વિસ્તૃત માહિતી સાથે પોસ્ટ કરી છે, જેમાં સરકારનું વિઝન, ISROની સત્તા, ખાનગી ક્ષેત્રનો હસ્તક્ષેપ કેટલી મર્યાદામાં હશે અને કયા કયા ક્ષેત્રમાં હશે, રાષ્ટ્રીય સુરક્ષા જેવા તમામ વિષયો આવરી લીધા છે. ત્યારે માત્ર પત્રના આધારે આવી હેડલાઇન બનાવી દેવી એ સામાન્ય માણસના મનમાં ભ્રમ ઊભા કરવાનો પ્રયાસ છે.

ISROએ પોતે શું કહ્યું?

આવા રિપોર્ટિંગ અને વહેતી થયેલી અફવાઓ વચ્ચે 6 સપ્ટેમ્બરે ISROએ પોતાની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર ‘અંતરિક્ષ ક્ષેત્રના સુધારા અને ISROની ભૂમિકા અંગેના મીડિયા રિપોર્ટ્સ પર સ્પષ્ટીકરણ’  (Clarification regarding media reports on concerns relating to Space Sector Reforms and the role of ISRO) નામે વિગતવાર સ્પષ્ટીકરણ બહાર પાડ્યું. ISROએ શરૂઆતમાં જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ISROના ખાનગીકરણ અથવા તેની ભૂમિકા ઘટાડવામાં આવી રહી હોવા અંગેના દાવા ખોટા અને પાયાવિહોણા છે. ISROએ સ્પષ્ટ કર્યું કે તેનું ખાનગીકરણ નહીં થાય અને તેની મહત્વપૂર્ણ ભૂમિકા પણ ઘટાડવામાં નહીં આવે.

ISROએ પોતાના સત્તાવાર નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે સંસ્થાનું કોઈ પણ સંજોગોમાં ખાનગીકરણ નહીં થાય કે તેની રાષ્ટ્રીય મહત્વતા કે સત્તામાં કોઈ ઓછપ નહીં આવે. ISRO ભારતની અદ્યતન અંતરિક્ષ સંશોધન, ટેકનોલોજી વિકાસ, રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક મિશન્સ, અંતરિક્ષ વિજ્ઞાન અને શોધખોળ માટેની સર્વોચ્ચ અને પ્રમુખ સંસ્થા તરીકે જ કાર્યરત રહેશે.

તો પછી શું છે ખાનગી ક્ષેત્રની ભૂમિકા?

આ જ આખા વિવાદની સૌથી મહત્વની બાબત છે. ISROએ કહ્યું છે કે ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો હેતુ ISROનું મહત્વ ઘટાડવાનો નથી, પરંતુ ISROને વધુ અદ્યતન અને આગામી પેઢીની ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવાનો છે.

ISROએ સ્પષ્ટ કર્યું કે 2020થી શરૂ કરાયેલા સ્પેસ સેક્ટર રિફોર્મ્સ અને ‘ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023’નો મુખ્ય હેતુ ISROને મર્યાદિત કરવાનો નથી. આ નીતિ હેઠળ ખાનગી ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને જોડવાનો અર્થ ‘પ્રાઇવેટાઇઝેશન’ નથી, પરંતુ દેશની સમગ્ર સ્પેસ ઇકોસિસ્ટમનું એક્સપાન્શન કરવાનો અને કેપેબિલિટી મલ્ટિપ્લિકેશન કરવાનો છે. આ મોડલ પૂર્ણતઃ ISROના નેતૃત્વ હેઠળ જ ચાલશે.

સંસ્થાએ સમજાવ્યું કે જે ટેકનોલોજી મેચ્યોર થઈ ચૂકી છે, તેને ઉદ્યોગોને ટ્રાન્સફર કરવાનો અર્થ એ નથી કે ISRO તે ક્ષેત્ર છોડી રહ્યું છે. ઉદ્યોગો દ્વારા રોકેટ અને સેટેલાઇટનું માસ-પ્રોડક્શન અને કમર્શિયલાઇઝેશન થવાથી વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો વધશે અને ISROના વૈજ્ઞાનિકો રોજિંદા ઉત્પાદનના કામમાંથી મુક્ત થઈને આગામી પેઢીની જટિલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ISROની ભૂમિકા ભવિષ્યમાં વધુ મજબૂત બનવાની છે, કારણ કે સંસ્થા હવે ફ્રન્ટિયર R&D, હ્યુમન સ્પેસફ્લાઇટ (ગગનયાન), ડીપ-સ્પેસ અને પ્લેનેટરી મિશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. માસ પ્રોડક્શનનું કામ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના સાહસો (પીએસયુ) કરશે, જેનાથી ISRO તેના કિંમતી માનવબળ અને સંસાધનોને વધુ અદ્યતન સંશોધનો પાછળ લગાવી શકશે.

પરંતુ આનો અર્થ એવો નથી કે ISRO હવે રોકેટ અને સેટેલાઇટ સાથે કોઈ લેવાદેવા નહીં રાખે. રિપોર્ટિંગમાં ફેલાવાયેલી આશંકાઓ સામે ISROએ સ્પષ્ટ કર્યું કે ક્રિટિકલ નેશનલ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્ટ્રેટેજિક ક્ષમતાઓની માલિકી અને નિયંત્રણ ભારત સરકારનું જ રહેશે.

એટલે સરળ ભાષામાં કહીએ તો મોડલ ‘ISRO બંધ અથવા ખાનગી’ કરવાનો નથી, પરંતુ ‘ISRO અદ્યતન ટેક્નોલોજી અને રાષ્ટ્રીય મિશનનું નેતૃત્વ કરે અને પરિપક્વ ટેક્નોલોજીનું મોટાપાયે ઉત્પાદન ઉદ્યોગ કરે’ એવો છે.

ખાનગી ક્ષેત્રની ભાગીદારી કેટલી રહેશે?

ISROના સ્પષ્ટીકરણ અનુસાર દેશના મહત્વપૂર્ણ અંતરિક્ષ માળખા અને વ્યૂહાત્મક ક્ષમતાઓનું નિયંત્રણ તથા માલિકી સંપૂર્ણપણે સરકાર પાસે જ રહેશે. ખાનગી ક્ષેત્રને ભાગીદારી મળશે, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, ગુણવત્તા અને સરકારી નિયમોના કડક પાલનને આધીન જ રહેશે.

‘સ્પેસ વિઝન 2047’ અંતર્ગત ભારત 2035 સુધીમાં પોતાનું ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ સ્થાપવા અને 2040 સુધીમાં માનવી સાથે મૂન મિશન મોકલવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. આ સિવાય પુનઃઉપયોગી રોકેટ અને લાંબાગાળાના સંશોધન મિશન માટે ISROના વૈજ્ઞાનિકોની ટેકનિકલ ક્ષમતા અને ભૂમિકા ભવિષ્યમાં વધુ મહત્વપૂર્ણ અને મજબૂત બનશે.

આ બધુ જોઈને એટલું સ્પષ્ટ થાય છે કે ISROના નવ કર્મચારી સંગઠનોએ ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવાની અને પરિપક્વ ટેકનોલોજીનું ઉત્પાદન ઉદ્યોગોને આપવાની નીતિ ચોક્કસપણે અમલમાં છે. પરંતુ, ISROનું ખાનગીકરણ થઈ રહ્યું છે તેવી વાતને સંસ્થાએ સત્તાવાર રીતે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ISRO આગળ પણ અદ્યતન સંશોધન, વ્યૂહાત્મક મિશન અને સ્પેસ ટેકનોલોજીનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

આ પરિસ્થિતિ વચ્ચે ‘ગુજરાત સમાચાર’ અખબારે જવાબદાર પત્રકારત્વના સિદ્ધાંતોને નેવે મૂકીને ‘સરકાર દેશને વેચી રહી છે, ISROનું ખાનગીકરણ’ જેવી ભડકાઉ અને અતિશયોક્તિપૂર્ણ હેડલાઇન છાપી. કર્મચારી સંગઠનોનો પત્ર માત્ર એક રજૂઆત અને પ્રશ્ન હતો, પરંતુ અખબારે તેને સરકાર દ્વારા ISROને વેચી દેવાની જાહેરાત તરીકે રજૂ કરીને સામાન્ય જનતા અને વાચકોમાં ભારે ભ્રમ અને આક્રોશ ઊભો કરવાનો પ્રયાસ કર્યો.

સૌથી વધુ ગંભીર બાબત એ છે કે ISROએ જ્યારે સોશિયલ મીડિયા અને સત્તાવાર રીતે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા ત્યારે અખબારે આ સ્પષ્ટીકરણને પ્રથમ પેજ પર યોગ્ય સ્થાન ન આપ્યું. વાચકો સુધી સાચું ચિત્ર ન પહોંચે તે રીતે આ મહત્ત્વના ખંડનને અંદરના પાના પર ‘અનુસંધાન’ના નામે એક નાનકડા ખૂણામાં ધકેલી દેવામાં આવ્યું. પ્રથમ પાને મોટા અક્ષરે અસત્ય છાપીને અંદરના પાને સત્ય સંતાડી દેવું એ વાચકો સાથેનો સ્પષ્ટ ધોખાધડી સમાન વ્યવહાર છે.

આ આખો વિવાદ ISROના ખાનગીકરણ કરતાં પણ વધુ અખબારના ભડકાઉ રિપોર્ટિંગ અને સન્સેશનલિઝમનો છે. પહેલા પાનાની હેડલાઇન જોઈને ગેરમાર્ગે દોરાતા વાચકોમાં ISRO જેવી રાષ્ટ્રીય ગૌરવ સમાન સંસ્થા પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવામાં આવ્યો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં