
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટી સાઉથ કેમ્પસ નજીક આવેલી એક બહુમાળી બોયઝ PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 6 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બનેલી આ ઘટનાએ સમગ્ર દિલ્હીમાં ચકચાર મચાવી દીધી છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો, પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
દુર્ઘટના સર્જાતાની સાથે જ દિલ્હી ફાયર સર્વિસ (DFS), દિલ્હી પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની (DDMA) ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NDRF દ્વારા રાત્રિના સમયે પણ સ્નિફર ડોગ્સ અને આધુનિક લાઇફ ડિટેક્ટર ઉપકરણોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે સતત સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.
6 લોકોનાં મોત
રેસ્ક્યુ ઑપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 13 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ઘાયલ હતા. અત્યાર સુધીના અપડેટ મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. સ્થાનિક હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે જ્યારે કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલી નથી તેની ખાતરી કરવા માટે કામગીરી ચાલુ છે.
#WATCH | Delhi: Search and rescue operations are underway on a war footing in South Delhi's Satya Niketan area following the collapse of a building. Six people have lost their lives.
— ANI (@ANI) September 6, 2026
Teams from the National Disaster Response Force (NDRF), Fire Service, Delhi Police, and other… pic.twitter.com/TwmTSkXatG
ધરાશાયી થયેલી ઇમારતનું નામ ‘Hostel Daze’ હતું, જેમાં બેઝમેન્ટ ઉપરાંત પાંચ માળ આવેલા હતા. બિલ્ડિંગ લગભગ 40-50 વર્ષ જૂની હતી. આ ઇમારતમાં આશરે 15 રૂમ હતા અને તેનો ઉપયોગ મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે બોયઝ PG તરીકે થતો હતો. દુર્ઘટના સમયે પણ ઇમારતના વિવિધ રૂમમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હાજર હતા, જેના કારણે કાટમાળ નીચે ફસાયેલા લોકોના આંકડાને લઈને શરૂઆતમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને નિષ્ણાતોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઇમારતના બેઝમેન્ટમાં સમારકામ અથવા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી બેઝમેન્ટમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા પણ હતી. પાણી ભરાવાને કારણે બિલ્ડિંગના પાયા નબળા પડ્યા હતા કે કેમ તે અંગે ટેકનિકલ તપાસ થઈ રહી છે.
અન્ય ઇમારતો સામે પણ નોટિસ
આ ઇમારત ધસી પડવાના કારણે તેની બાજુમાં આવેલી અન્ય ઇમારતોના સ્ટ્રક્ચર પર પણ અસર પડી હતી. અહેવાલ મુજબ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (MCD) 6 સપ્ટેમ્બર 2026ના રોજ નજીકમાં આવેલી બિલ્ડિંગ/હાઉસ નંબર 13ને અત્યંત જોખમી અને જર્જરિત જાહેર કરતી નોટિસ જાહેર કરી છે.
Satya Niketan building collapse | It has been noticed that the premises of Building/House No. 13, Satya Niketan, New Delhi has been occupied at the site. The property is in a ruinous, dangerous condition and in any way dangerous to any person occupying, resorting to, or passing… pic.twitter.com/XxhO9PlCcl
— ANI (@ANI) September 6, 2026
આ નોટિસ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957ની કલમ 348 અને કલમ 491 હેઠળ જારી કરવામાં આવી છે. નોટિસમાં મિલકતના માલિક/કબજેદારને આદેશ મળ્યાના ત્રણ દિવસની અંદર આ જોખમી બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્દેશ અપાયો છે. જો માલિક આ સમયમાં કાર્યવાહી નહીં કરે તો MCD પોતે ઇમારત તોડી પાડશે અને તેનો તમામ ખર્ચ માલિક પાસેથી ટેક્સની બાકી રકમ તરીકે વસૂલ કરશે.
આ ઘટના બાદ દિલ્હી સરકારે તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને બેદરકારી દાખવનાર જવાબદારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.
દિલ્હી પોલીસે બિલ્ડિંગના માલિક હરિરામ અને અન્ય જવાબદારો સામે BNSની કલમ 105, 290 અને 125(a) હેઠળ FIR નોંધીને કાયદાકીય તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને શોધવા માટે મલ્ટિપલ ટીમો બનાવી છે.
નોંધનીય છે કે સત્ય નિકેતન દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસની એકદમ નજીક આવેલું હોવાથી દેશભરમાંથી આવતા હજારો વિદ્યાર્થીઓ માટે આ મુખ્ય રહેઠાણ વિસ્તાર છે. આ દુર્ઘટનાથી સાઉથ દિલ્હીના ગીચ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા PG, બહુમાળી મકાનો અને અનધિકૃત બાંધકામોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જોખમી ઇમારતો સીલ કરવાનો આદેશ
આ દુર્ઘટના બાદ MCDએ સમગ્ર દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બનેલી ચારથી વધુ માળની ઇમારતો સામે કાર્યવાહી વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ આવી અનધિકૃત ઇમારતોને સીલ કરવાની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો અધિકારીઓની બેદરકારીથી આવી ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી મળી હોવાનું સામે આવશે તો સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. એટલે સત્ય નિકેતનની આ ઘટના હવે માત્ર એક બિલ્ડિંગના ધરાશાયી થવાની ઘટના રહી નથી, પરંતુ દિલ્હીમાં બિલ્ડિંગ સેફ્ટી અને મ્યુનિસિપલ નિયમોના અમલ અંગેની મોટી તપાસનું કારણ બની છે.
સત્ય નિકેતનની આ કરુણાંતિકા બાદ હવે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ છે. જો આસપાસની કોઈ ઇમારત પહેલેથી જ જર્જરિત સ્થિતિમાં હતી તો તેને અગાઉથી ખાલી કેમ ન કરાવાઈ? શું દિલ્હીના વિદ્યાર્થી વિસ્તારોમાં નિયમિતપણે બિલ્ડિંગ સેફ્ટી ઓડિટ કરવામાં આવે છે? આ તમામ પ્રશ્નોના જવાબો હવે ચાલુ મેજિસ્ટ્રિયલ તપાસ અને પોલીસ કાર્યવાહી બાદ સામે આવશે.

