UPના સહારનપુરમાં કલેક્ટર કચેરીના પરિસરમાં તાણી બાંધેલી ગેરકાયદેસર મસ્જિદ ધ્વસ્ત કરાઈ

સહારનપુરમાં ગેરકાયદેસર મસ્જિદ ધ્વસ્ત કરાઈ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કલેક્ટર ઑફિસમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવેલી એક મસ્જિદ તોડી પાડવામાં આવી છે. સિટી મેજિસ્ટ્રેટે બાંધકામ ગેરકાયદે ઠેરવીને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અપીલ પણ રદ કરી દેવામાં આવતાં આખરે પ્રશાસને કાર્યવાહી હાથ ધરી હતી.

ડિમોલિશન પહેલાં સહારનપુરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી અને સીઆરપીએફ પણ તહેનાત કરી દેવાઈ હતી. પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી આપવામાં આવી હતી.

આખરે શનિવારે (5 સપ્ટેમ્બર) પ્રશાસન અને પોલીસ તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું.

આ મામલે એક નાગરિકે જિલ્લા કલેક્ટર કચેરીમાં મસ્જિદનું બાંધકામ થયું હોવાની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ માર્ચ 2025માં રેવન્યુ અધિકારીએ મસ્જિદના મૌલવી અબ્દુલ હમીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સરકારી જમીન કબજે કરવાનો આરોપ લગાવ્યો હતો. એપ્રિલ 2025માં મસ્જિદના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી.

જુલાઈ 2026માં સિટી મેજિસ્ટ્રેટ દ્વારા કલેક્ટર ઑફિસમાં બનાવવામાં આવેલી મસ્જિદને ગેરકાયદેસર ઠેરવીને સરકારી જમીન પરથી બાંધકામ હટાવવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટે 30 દિવસની અંદર અતિક્રમણ હટાવવાનો આદેશ આપીને મસ્જિદ સ્મૈતિને 315 સ્ક્વેર મીટર સરકારી જમીન પર કબજો કરવા બદલ ₹6.41 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો.

ત્યારબાદ મસ્જિદ સમિતિ જિલ્લા કોર્ટ ગઈ હતી અને આદેશને પડકાર્યો હતો. સાથે દાવો કર્યો હતો કે મસ્જિદ 150 વર્ષ જૂની છે. આ મામલે પછીથી ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટે સુનાવણી હાથ ધરી.

આખરે 4 જુલાઈના રોજ ડિસ્ટ્રિક્ટ જજે ચુકાદો આપીને મસ્જિદ સમિતિની અપીલ ફગાવી દીધી હતી અને મેજિસ્ટ્રેટનો આદેશ યથાવત રાખ્યો હતો.

ગેરકાયદેસર મસ્જિદ તોડવામાં આવે એ પહેલાં સમાજવાદી પાર્ટી સાંસદ ઈકરા હસને રાજકારણ રમવાના પણ પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા અને તેમણે સહારનપુર જવાની ઘોષણા કરી હતી. પરંતુ તે પહેલાં જ તેમના ઘરની બહાર પોલીસ બળ ખડકી દેવામાં આવ્યું હતું.