RSS બિન રાજકીય સંગઠન, તેના કાર્યક્રમમાં ભાગ લેવો એ નિયમોનું ઉલ્લંઘન નહીં: કર્ણાટકના ટ્રિબ્યુનલે અટકાવ્યું સરકારી શિક્ષકનું સસ્પેન્શન

કર્ણાટકના સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે કલબુર્ગીના એક સરકારી શાળાના શિક્ષકનું સસ્પેન્શન અટકાવી દીધું છે. શિક્ષકને સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે નિયમો સરકારી કર્મચારીઓને રાજકીય પાર્ટીઓના કાર્યક્રમમાં ભાગ લેતા રોકે છે અને આરએસએસ રાજકીય સંસ્થા નથી.

બે સભ્યોની બેન્ચે આદેશ આપતાં કહ્યું કે સરકારી શાળાના શિક્ષકે કર્ણાટક સ્ટેટ સિવિલ સર્વિસ (કન્ડક્ટ) રૂલ્સ, 2021નું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓને રાજકીય પાર્ટીઓ દ્વારા આયોજિત અથવા રાજકારણ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા પર રોક લગાવે છે.

ટ્રિબ્યુનલે કહ્યું કે આરએસએસ એક બિનરાજકીય સંગઠન છે. જેથી શિક્ષકે સરકારના કોઈ પણ આદેશ કે નોટિફિકેશનનું ઉલ્લંઘન કર્યું નથી.

ટ્રિબ્યુનલે કહ્યું, “તેમણે જે કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ બિનરાજકીય સંગઠનનો કાર્યક્રમ હતો, જેથી નિયમોનું કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. બીજું, રાજ્ય સરકારે એવો કોઈ આદેશ કે નોટિફિકેશન બહાર પાડ્યાં નથી જેમાં આવા કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓને ભાગ લેવા પર રોક લગાવવામાં આવી હોય.”

અહીં ઉલ્લેખનીય છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ શિક્ષક કલબુર્ગીમાં એક સરકારી શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવે છે. તેમને 20 ઑગસ્ટના રોજ આરએસએસના એક કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

શિક્ષકે પછીથી આ આદેશને પડકારીને દલીલ રજૂ કરી હતી કે તેઓ આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચોક્કસપણે ગયા હતા પણ ક્યાંય બિનરાજકીય સંગઠનના કાર્યક્રમમાં ભાગ લેવા પર રોક લગાવવામાં આવી નથી. આખરે ટ્રિબ્યુનલે પણ આ દલીલ ગ્રાહ્ય રાખી છે.