
સુરત મેડિકલ કોલેજના પીજીનો અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગનાં વડાં (HoD) ડૉ. સુમૈયા મુલ્લાને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધાં છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે HoD રહેતાં પણ ડૉ. મુલ્લા કોલેજમાં થતા રેગિંગને રોકી શક્યાં ન હતાં અને તેના કારણે એક નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેવાયો, જેને ગંભીર બાબત ગણીને કાર્યવાહી કરવી જરૂરી છે.
સસ્પેન્શનના સમયગાળા દરમ્યાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્યમથક વડોદરાની સરકારી મેડિકલ કોલેજ રહેશે. તેમને પરવાનગી વગર મુખ્યમથક ન છોડવા અને અન્ય કોઈ ખાનગી પ્રેક્ટિસ કે નોકરી ન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

હિંદુ વિદ્યાર્થિનીઓનું બ્રેનવૉશ કરવાના આરોપ
બીજી તરફ ડૉ. સુમૈયા મુલ્લા સામે બીજા પણ અમુક આરોપો લાગ્યા છે. અમુક પૂર્વ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે ડૉ. મુલ્લા હોસ્પિટલ અને કોલેજ પરિસરનો ઉપયોગ તબીબી શિક્ષણ આપવાને બદલે હિંદુ વિદ્યાર્થિનીઓનું બ્રેનવૉશ કરવા માટે અને ધર્માંતરણ માટે દબાણ કરવા માટે કરતાં હતાં.
‘દિવ્ય ભાસ્કર’ના એક રિપોર્ટમાં બે પૂર્વ વિદ્યાર્થિનીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ડૉ. મુલ્લા સતત તેમને હિંદુ ધર્મ છોડી દેવા માટે દબાણ કરતાં હતાં અને બ્રેનવૉશ કરવાનો પણ પ્રયાસ કરતાં. સાથે ઇસ્લામની, તેની પરંપરાઓની પ્રશંસા કરીને વિદ્યાર્થિનીઓ પર ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરતાં હતાં. મોબાઇલ પર મૌલાનાના વિડીયો બતાવવાના અને હિંદુઓને ‘કાફિર’ તરીકે સંબોધવાના પણ આરોપ લાગ્યા છે. તેઓ વિદ્યાર્થિનીઓને કહેતાં હતાં કે, ‘હું કાફિરના ઘરનું ખાતી નથી.’
એક પૂર્વ વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે જ્યારે તે પ્રોફેસર પાસે જતી હતી ત્યારે પ્રોફેસર સતત તેને કહેતી કે યુવતી અને તેનાં મા-બાપે હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ સ્વીકારી લેવો જોઈએ કારણ કે આગળ જતાં હિંદુ ધર્મ રહેશે જ નહીં અને માત્ર ઇસ્લામ જ રહેશે. યુવતીનો આરોપ એ પણ છે કે અધ્યાપકે તેને કહ્યું હતું કે હિંદુ ધર્મમાં તો બાપને સળગાવી દેવામાં આવે છે, પણ ઇસ્લામમાં એવું કશું થતું નથી.
મૌલાનાના વિડીયો સંભળાવ્યા, નમાજ પઢતાં શીખવ્યું
વિદ્યાર્થિનીનો આરોપ છે કે ડૉ. મુલ્લા ઘણી વખત પોતાના રૂમમાં બેસીને મૌલાનાના વિડીયો સાંભળતાં હતાં અને ઘણી વખત વિદ્યાર્થિનીઓને પણ સંભળાવતાં. મૌલાનાની વાતો સાંભળવાનું કહીને કહેતાં કે ઇસ્લામમાં ઘણી સારી બાબતો છે જે હિંદુ ધર્મમાં નથી અને વિદ્યાર્થિનીઓએ પણ ઇસ્લામ અંગીકાર કરી લેવો જોઈએ. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે વારંવાર તેમને પોતાનો ધર્મ બદલવા માટે કહેવામાં આવતું હતું.
અન્ય એક પૂર્વ વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, ડૉ. મુલ્લાએ હોસ્પિટલના લેપ્ટોસ્પાયરોસિસ વિભાગમાં આવેલા સ્પેશિયલ PCR રૂમમાં, જ્યાં સામાન્ય રીતે કોઈને જવાની પરમિશન નહોતી, ત્યાં તેને લઈ જઈને નમાજ પઢવા માટે કહ્યું હતું.
એટલું જ નહીં, વિદ્યાર્થિનીનો આરોપ છે કે ડૉ. મુલ્લાએ તેને પહેલાં વજૂ કરતાં (નમાજ પહેલાં હાથ-પગ ધોવાની પ્રક્રિયા) પણ શીખવ્યું હતું અને કહ્યું હતું કે હિંદુઓ મંદિરમાં આમ જ ચાલ્યા જાય છે પણ ઇસ્લામમાં એવું થતું નથી. ત્યારબાદ બળજબરી તેને નમાજ પઢતાં, કલમા પઢતાં શીખવ્યું હતું અને ત્યારબાદ અનુભવ પણ પૂછ્યો હતો.
આરોપ એવો પણ છે કે ડૉ. મુલ્લાએ વિદ્યાર્થિનીઓ સમક્ષ સતત કહ્યું હતું કે રામાયણ, મહાભારત, ગીતા, શિવપુરાણ વગેરે ગ્રંથોમાં કશું જ લખ્યું નથી અને ન હિંદુઓ જેવા દાવા કરે છે એ રીતે તેમાં જીવન વિશે, તેના ઉદ્દેશ્ય વિશે કશું લખવામાં આવ્યું છે. આમ કહીને હિંદુ ગ્રંથો પર વિદ્યાર્થીઓના મનમાં સંશય પેદા કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરવાની હિંદુ વિદ્યાર્થીઓને સલાહ આપી
મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી હિંદુ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે ડૉ. મુલ્લા તેમને મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરી લેવાની સલાહ પણ વારંવાર આપતાં હતાં. તેઓ વિદ્યાર્થિનીઓને કહેતાં કે, “તમને હિંદુઓમાં યોગ્ય પાત્ર ન મળતું હોય તો મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરી લો, હું તમને છોકરા શોધી આપું છું.”
રેગિંગના કારણે રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત બાદ સામે આવી કરતૂતો
ગત 9 ઑગસ્ટના રોજ સુરત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત બાદ રેગિંગનો એન્ગલ સામે આવ્યો હતો. આંતરિક તપાસમાં ખુલ્યું કે અમુક સિનિયરોના ત્રાસથી હર્ષે અંતિમ પગલું ભર્યું હતું.
તપાસ કમિટી સમક્ષ હાજર થયેલા 30 જેટલા જુનિયર રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું હતું કે સિનિયરો દ્વારા આચરવામાં આવતો અસહ્ય ત્રાસ એટલો વધી ગયો હતો કે તેઓ કંટાળી ગયા હતા. જો લાખો રૂપિયાના સરકારી બોન્ડની મર્યાદા ન હોત તો તેમણે ક્યારનોય આ વિભાગ અને અભ્યાસ છોડી દીધો હોત.
આ મામલે ખટોદરા પોલીસ મથકે હર્ષના સિનિયરો ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂત સામે આત્મહત્યા દુષ્પ્રેરણા, રેગિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચારેયને નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ હાજર થયાં ન હતાં. બીજી તરફ કોલેજમાંથી પણ તમામને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ કેસમાં ડૉ. સુમૈયા મુલ્લાની પણ બેદરકારી સામે આવી હતી અને રેગિંગની ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો હતો. તેમને અને ડીન સહિતના અધ્યાપકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આખરે ડૉ. મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ હવે અમુક પૂર્વ વિદ્યાર્થિનીઓએ સામે આવીને ધર્માંતરણ માટે બ્રેનવૉશ કરવાના અને હિંદુ ધર્મ પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાના આરોપ લગાવ્યા છે.

