
ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન એક મહત્વના તબક્કે પહોંચ્યું છે. વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ 16 દિવસની ભૂખ હડતાળ બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. આ નિર્ણય ઝારખંડ સરકારે JSSC-CGL પરીક્ષા તેમજ ખાનગી પરીક્ષા એજન્સી TDPL મારફતે 2014થી લેવામાં આવેલી પરીક્ષાઓ, તેમનાં પરિણામો અને ભરતી પ્રક્રિયાઓ રદ કરવાની જાહેરાત કર્યા બાદ લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ સરકારે TDPL દ્વારા 2014થી લેવામાં આવેલી તમામ પરીક્ષાઓ અને જાહેર થયેલાં પરિણામો રદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ આ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિની તપાસ CIDને સોંપવામાં આવી છે. JSSC-CGL પણ રદ કરવામાં આવી છે. સરકાર તરફથી ભરતી પ્રક્રિયામાં જરૂરી સુધારા માટે પણ પગલાં લેવાની વાત કરવામાં આવી છે.
#WATCH | Ranchi, Jharkhand: On the CM’s announcement to cancel the JSSC-CGL exam and all exams conducted by TDPL, Student leader Devendra Nath Mahato says, "Today marks the 16th day of the hunger strike; this struggle began on July 2nd… Following a meeting with the Chief… https://t.co/9zkPpY5ust pic.twitter.com/PAizZe5ZU0
— ANI (@ANI) August 17, 2026
દેવેન્દ્ર નાથ મહતોએ સરકારના નિર્ણયને વિદ્યાર્થીઓ માટે મોટી જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે હવે એવી વ્યવસ્થા ઊભી કરવા માટે કાયદો બનાવવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે છેતરપિંડી ન થાય. 16મા દિવસે તેમણે પોતાનું અનશન સમાપ્ત કરતા સરકાર, મુખ્યમંત્રી હેમંત સોરેન તેમજ આંદોલનને સમર્થન આપનારાઓનો આભાર માન્યો હતો.
આંદોલન 25 જુલાઈથી શરૂ થયું હતું અને બાદમાં દેવેન્દ્ર નાથ મહતોએ અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સરકારની જાહેરાત બાદ મહતો સહિત ઉમ્મે હબીબા અને રાહુલ ક્રાંતિએ પણ ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. રાંચીના જયપાલ સિંઘ મુંડા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયની ઉજવણી કરી હતી.
જોકે, આંદોલનનો એક મુદ્દો હજુ બાકી છે. ઘણા વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ JSSC-CGL અને TDPL પરીક્ષાઓની ગેરરીતિની CBI તપાસની માગમાંથી પાછળ હટવાના નથી. સરકાર દ્વારા CID તપાસની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ CBI તપાસની માગ કરી રહ્યા છે. એટલે પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ અનશન સમાપ્ત કર્યું હોવા છતાં સમગ્ર આંદોલનનો અંત આવ્યો નથી.

