હોમપેજગુજરાતલેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાબાજ રવિ નાયરની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, અદાણી સમૂહે દાખલ કરેલી...

લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાબાજ રવિ નાયરની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી, અદાણી સમૂહે દાખલ કરેલી FIR પર ચાલુ રહેશે તપાસ

કોર્ટે નોંધ્યું કે અગાઉ અદાણી સમૂહે જે ફરિયાદ દાખલ કરી હતી એ માનહાનિ સંબંધિત છે. કારણ કે માનહાનિના કેસમાં FIR થઈ શકતી નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ સજાપાત્ર ગુના માટે પોલીસ મથકે ફરિયાદ ન નોંધાવી શકે.

- Advertisement -

અમદાવાદમાં દાખલ થયેલી એક FIR રદ કરવાની માંગ કરતી કથિત પત્રકાર રવિ નાયરની (Ravi Nari) અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી દીધી છે. મે 2026માં અમદાવાદના DCB પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદમાં રવિ નાયર સામે ફોર્જરીના (બનાવટી દસ્તાવેજો) આરોપ લાગ્યા છે અને આ સમગ્ર મામલો અદાણી સમૂહ (Adani) સાથે જોડાયેલો છે.

વાસ્તવમાં રવિ નાયરે ઑક્ટોબર 2025માં અમેરિકન અખબાર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’માં એક લેખ લખ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારના કહેવાથી લાઈફ ઈન્સ્યોરન્સ કોપોરેશને (LIC) અદાણી જૂથની કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું.

આ લેખ માટે નાયરે કથિત રીતે જે દસ્તાવેજોનો આધાર લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું એ દસ્તાવેજો પોતાના હોવાનું LICએ નકારી કાઢ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે ન દસ્તાવેજો તેમના છે ન તેમણે સરકારના કહેવાથી અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું હતું.

- Advertisement -

પછીથી ડિસેમ્બર 2025માં નાણાં મંત્રાલયના ‘ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસીસ’ દ્વારા પણ આ આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું અને તેને ખોટા, તથ્યવિહોણા ગણાવીને કહ્યું હતું કે LICને અદાણી ગ્રુપમાં રોકાણ કરવા માટે કોઈ સૂચના આપવામાં આવી ન હતી.

આ મામલે પછીથી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા અમદાવાદમાં રવિ નાયર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 318(4) (ચીટિંગ), 336(2) (ફોર્જરી), 336(4) (ચીટિંગના ઇરાદે ફોર્જરી) અને 340(2) (બનાવટી દસ્તાવેજને સાચા તરીકે રજૂ કરવો) હેઠળ રવિ નાયર સામે FIR નોંધી હતી.

FIR દાખલ થયા બાદ પોલીસે 13 જૂનના રોજ રવિ નાયરને નોટિસ મોકલીને 21 જુલાઈએ પૂછપરછ માટે હાજર રહેવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ તે હાજર રહ્યો પરંતુ પ્રોસિક્યુશન અનુસાર તપાસમાં પૂરતો સહયોગ આપ્યા વગર કેરળ જવાનું છે તેમ કહીને ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ નાયર હાઇકોર્ટ પહોંચ્યો અને અરજી દાખલ કરીને FIR રદ કરવાની અને સાથે કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તપાસ પર રોક લગાવવાની માંગ કરી.

એક જ કેસમાં બે ફરિયાદ ન થાય એવી નાયરની દલીલ કોર્ટે ફગાવી

રવિ નાયરની દલીલ એ છે કે અદાણી જૂથે આ જ મામલામાં તેની સામે એપ્રિલ 2026માં એક ફરિયાદ નોંધાવી હતી અને જે માનહાનિને લગતી છે. જેથી એક જ કેસમાં પહેલાં કોર્ટ જઈને માનહાનિની અને ત્યારબાદ પોલીસ મથકે જઈને ક્રિમિનલ કેસ એમ બે ફરિયાદ કરી ન શકાય અને એ કાયદાનો દુરુપયોગ છે અને એવી પણ દલીલ કરી કે આ બધું તેને હેરાન કરવા માટે કરવામાં આવે છે.

સાથે નાયરના વકીલોએ દલીલ કરી કે માત્ર LICએ દસ્તાવેજો પોતાના ન હોવાનું કહ્યું હોય તેનાથી એ બનાવટી સાબિત થઈ જતા નથી!

બીજી તરફ અદાણી જૂથના વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે રવિ નાયરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવા પહેલાં આ જ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેમને હાઇકોર્ટ જવા માટે કહ્યું હતું ત્યારબાદ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. પરંતુ હાઇકોર્ટને એ બાબતની જાણ કરી નથી કે પોતે અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ઉપરથી સુપ્રીમ કોર્ટનો સંપર્ક ન કર્યો હોવાની ખોટી જાણકારી આપવામાં આવી હતી. જેથી માત્ર આ તથ્યને ધ્યાનમાં લઈને પણ અરજી રદ કરી દેવી જોઈએ.

દલીલોને અંતે કોર્ટે નોંધ્યું કે અગાઉ અદાણી સમૂહે જે ફરિયાદ દાખલ કરી હતી એ માનહાનિ સંબંધિત છે. કારણ કે માનહાનિના કેસમાં FIR થઈ શકતી નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ સજાપાત્ર ગુના માટે પોલીસ મથકે ફરિયાદ ન નોંધાવી શકે.

કોર્ટે કહ્યું કે FIRમાં ફોર્જરીના આરોપો છે, જે સજાપાત્ર ગુનામાં આવે છે અને માનહાનિની ફરિયાદ કરતાં અલગ છે. એક જ કેસમાં માનહાનિની ફરિયાદ કરી ચૂકેલી વ્યક્તિ ક્રિમિનલ કેસ માટે ફરિયાદ ન કરી શકે એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી અને તેઓ કાયદાનો માર્ગ અપનાવી જ શકે છે.

સાથે કોર્ટે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ટાંક્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે એક જ મામલામાં અગાઉ ફરિયાદ થઈ ચૂકી હોય તેટલા માત્રથી FIR ન નોંધી શકાય એવું હોતું નથી. જો બીજી FIR કાયદાના દુરુપયોગ માટે કરવામાં આવી હોય તો જ એ રદ કરી શકાય છે.

આ કેસમાં હાઇકોર્ટે નોંધ કરતાં કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ માનહાનિની ફરિયાદમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે એ અને FIRમાં જે આરોપો છે એ સરખા નથી. અગાઉની ફરિયાદ માનહાનિ સંબંધિત હતી અને આ ફોર્જરી અને ચીટિંગના સજાપાત્ર ગુના સંબંધિત આરોપો છે. જેથી FIRને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ન ગણી શકાય અને અદાણી જૂથને બંને ફરિયાદ નોંધાવવાનો પૂરેપૂરો અધિકાર છે.

કોર્ટે કહ્યું કે LIC અને ભારત સરકારના નાણાં મંત્રાલયના વિભાગ બંનેએ દસ્તાવેજો નકારી દીધા છે. જેથી પ્રથમ દૃષ્ટિએ આ દસ્તાવેજો બનાવટી હોવાની શંકા જાય એ સ્વાભાવિક છે. હવે દસ્તાવેજો બનાવટી હતા કે કેમ એ તપાસવાનું કામ એજન્સીઓનું છે, પરંતુ તેના માટે FIR પર તપાસ થવી જરૂરી છે. જેથી FIR રદ કરી શકાય એમ નથી.

અંતે કોર્ટે રવિ નાયરની અરજી ફગાવી દીધી છે અને તપાસ પર પણ કોઈ રોક લગાવવામાં આવી નથી. તપાસ આમ જ ચાલતી રહેશે.

ફેબ્રુઆરીમાં માણસા કોર્ટે અદાણીની માનહાનિ બદલ ફટકારી હતી એક વર્ષની સજા

અહીં ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2026માં માણસાની એક કોર્ટે રવિ નાયરને અદાણી જૂથે દાખલ કરેલા એક માનહાનિના કેસમાં દોષી ઠેરવીને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે નાયરે ઉપલી કોર્ટમાં અપીલ કરતાં હાલ સજા પર સ્ટે મૂકી દેવાયો છે.

કેસ અદાણીની કંપનીએ વર્ષ 2021માં દાખલ કર્યો હતો, જેમાં ઑક્ટોબર 2020થી જુલાઈ 2021 દરમ્યાન રવિ નાયરે ટ્વિટર પર કરેલાં અમુક ટ્વિટ અને ‘અદાણી વૉચ’ નામના પ્લેટફોર્મ પર લખેલા અમુક લેખો પડકારવામાં આવ્યા હતા.

અદાણીએ રવિ નાયરનાં જે ટ્વિટ અને લેખો સામે વાંધો ઉઠાવ્યો હતો તેમાં પત્રકારે એ જ લેફ્ટવિંગ પ્રોપગેન્ડા આગળ ધપાવવાના પ્રયાસ કર્યા હતા જે વર્ષોથી ચાલતો આવે છે– સરકાર ઉદ્યોગપતિને મહત્ત્વ આપી રહી છે અને તેમની વચ્ચે કશુંક સાંઠગાંઠના કાનરે કાયમ આ કંપનીઓને લાભ પહોંચાડવામાં આવે છે. પરંતુ આરોપો સાબિત કરવા માટે કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં ન આવ્યા કે એ ન કહ્યું કે સરકાર અદાણીને લાભ પહોંચાડે છે તો કઈ રીતે પહોંચાડે છે.

આખરે કોર્ટે માનહાનિ માટે નાયરને દોષી ઠેરવીને 1 વર્ષની સજા ફટકારી હતી. અદાણીએ દાખલ કરેલા બીજા કેસોમાં રવિ નાયર સામે હાલ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં