
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં દેશમાં મોટાપાયે આતંકવાદી હુમલા અને વિધ્વંસક પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચી રહેલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ (SBN) સામે ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટો પ્રહાર કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી કાર્યવાહી કરીને આ આતંકી સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત હાથ ધરાયેલા આ ઑપરેશનમાં દેશભરમાંથી 200થી વધુ ઑપરેટિવ્સની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળ ઑપરેશનની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષાદળોએ 14 રાજ્યોમાં એકસાથે સંકલિત કામગીરી હાથ ધરીને આ આતંકી નેટવર્કને તોડી પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે દેશમાં સીમાપારના આતંકવાદ સામે ભારતની નીતિ બિલકુલ સ્પષ્ટ અને સખત છે. આ ઑપરેશન દરમિયાન આતંકવાદીઓ પાસેથી મોટો વિસ્ફોટક જથ્થો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન સ્થિત અને ISIથી ફંડિંગ મેળવતું શહઝાદ ભટ્ટી નેટવર્ક ભારતમાં ગ્રેનેડ, IED, પેટ્રોલ બૉમ્બ હુમલા અને ટાર્ગેટેડ કિલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં સામેલ હતું. આ નેટવર્ક સ્થાનિક મદદગારોને પૈસા આપીને પોલીસ સ્ટેશનો, સંરક્ષણ મથકો અને ધાર્મિક સ્થળોની રેકી કરાવતું હતું. એટલું જ નહીં, જાસૂસી કરવા માટે વિવિધ સ્થળોએ CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
Union Home Minister Amit Shah says, "Modi govt destroyed the ISI-backed terror group Shahzad Bhatti Network ahead of Independence Day and thwarted its plans for subversive attacks by arresting more than 200 operatives. Indian security forces ripped apart the network by launching… pic.twitter.com/7dYs6adNat
— ANI (@ANI) August 17, 2026
સ્વાતંત્ર્ય દિવસ પર કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 12 ઑગસ્ટના રોજ રિયલ-ટાઇમ ઈન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને તમામ રાજ્ય પોલીસ દળો સાથે મળીને બહુ-રાજ્ય ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશન અંતર્ગત કુલ 253 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશમાંથી 62, હરિયાણામાંથી 52, દિલ્હીમાંથી 51, પંજાબમાંથી 44, રાજસ્થાનમાંથી 15, મહારાષ્ટ્રમાંથી 8, ઉત્તરાખંડમાંથી 5, કર્ણાટક, ગુજરાત અને બિહારમાંથી 3-3 તથા તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળમાંથી 2-2 લોકોનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ શહઝાદ ભટ્ટી નેટવર્ક પાસેથી ભારે માત્રામાં ભયાનક સામગ્રી કબજે કરી છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં IED, ‘પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી’ના (POF) માર્કિંગવાળા હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ, કારતૂસ અને જાસૂસી માટે વપરાતા CCTV કેમેરા સામેલ છે. આ પુરાવાઓથી સાબિત થાય છે કે આ ગેંગ સીધું પાકિસ્તાનમાંથી સંચાલિત થતી હતી અને તેને ક્રોસ-બોર્ડરથી સંપૂર્ણ ટેકો હતો.
અત્યાર સુધીમાં આ નેટવર્ક વિરુદ્ધ UAPA, BNS, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ 80થી વધુ FIR નોંધવામાં આવી છે અને 200થી વધુ લોકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી અને કર્ણાટકમાં પણ આ મામલે નવી FIR દાખલ કરીને આગળની તપાસ ઝડપી બનાવવામાં આવી છે. દેશની સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભારતની સીમાપારના આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અવિરત ચાલુ રહેશે.

