‘તું નોકરી કઈ રીતે કરે છે એ જોઉં છું, આંતરડા બહાર કાઢી નાખીશ’: PSI પંડ્યાએ ગેરહાજરીનો રિપોર્ટ PIને કર્યો તો ઉશ્કેરાઈ ગયો TRB જવાન જાવેદ, ધમકીઓ આપી

સાંકેતિક તસવીર, સાભાર- એઆઈ

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક PSIએ પોતાના હાથ નીચે કામ કરતા એક TRB જવાન વિરુદ્ધ ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. TRB જવાનની ઓળખ જાવેદ તરીકે થઈ છે, જ્યારે ફરિયાદી PSI ભરત પંડ્યા છે. જાવેદે પંડ્યાને કાર્યવાહી કરવા પર ‘આંતરડા બહાર કાઢી નાખવાની’ ધમકી આપી હતી.

મામલો એવો છે કે જાવેદ ફરજ પર ગેરહાજર રહેતાં PSI ભરત પંડ્યાએ રિપોર્ટ PIને કર્યો હતો. તેનાથી ઉશ્કેરાઈ જઈને જાવેદે PSIને ધમકી આપી હતી અને કહ્યું હતું કે આ વિસ્તાર એનો છે અને પોતે પંડ્યાને નોકરી પણ નહીં કરવા ડે. આખરે જાવેદ સામે વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિગતો અનુસાર, ભરત પંડ્યા અમદાવાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે PSI તરીકે ફરજ બજાવે છે. તેમની નીચે ટ્રાફિક પોઇન્ટના પોલીસ, હોમગાર્ડ અને TRBના જવાનો આવે છે.

ગત 13 ઑગસ્ટે TRBનો એક જવાન જાવેદ ખાન ગેરહાજર રહ્યો હતો જેથી નિયમો પ્રમાણે PSI ભરત પંડ્યાએ તેની જાણ પીઆઈને કરી હતી. 14 ઑગસ્ટે પણ જાવેદ ગેરહાજર રહ્યો એટલે તેનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો.

14મીએ બપોરે 3:30 વાગ્યે જાવેદ ફરજ પર આવ્યો ત્યારે PSI પંડ્યાએ તેને જણાવ્યું કે તેને ગેરહાજર ગણવામાં આવ્યો છે. ત્યાંથી જાવેદ ચાલ્યો ગયો અને 6:30 વાગ્યે સાંજે ફરી આવ્યો હતો. ત્યારે તેને જણાવવામાં આવ્યું કે તે પહેલાં પીઆઈને રજૂઆત કરે અને ત્યારબાદ હાજર થાય.

પીઆઈ પાસે જવાનું કહેતાં જાવેદ ખાન ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય પોલીસકર્મીઓની સામે જ તેના સિનિયર PSI ભરત પંડ્યાને ગાળો ભાંડીને ધાકધમકી આપવા માંડ્યો હતો.

‘આ મારો ઇલાકો છે, આંતરડા બહાર કાઢી નાખીશ, તું નોકરી કઈ રીતે કરે છે એ જોઉં છું’

રિપોર્ટ અનુસાર, જાવેદે PSI પંડ્યાને ધમકી આપીને કહ્યું હતું કે, “તું મારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ. આ મારો ઇલાકો છે અને હવે તું ખુરશીએ કઈ રીતે બેસે છે એ હું પણ જોઉં છું. તું હવે નોકરી કઈ રીતે કરે છે એ હું જોઈ લઈશ.”

ત્યારબાદ અન્ય પોલીસકર્મીઓ વચ્ચે પડતાં જાવેદ ત્યાંથી ચાલ્યો ગયો હતો. પછીથી PSI પંડ્યાએ આ બાબતની જાણ ઉપરી અધિકારીઓને કરી હતી, જેમની સૂચના પર જાવેદ ખાન વિરુદ્ધ વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.