બિહારના લખીસરાયના મંદિરમાં ભાગદોડ મચી જતાં 7નાં મોત, અનેકને ઈજા

બિહારના લખીસરાય જિલ્લાના પ્રસિદ્ધ શ્રી ઈન્દ્રદમણેશ્વર મહાદેવ મંદિરે ભાગદોડ મચી જતાં 7 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને અન્ય અનેકને ઈજા પહોંચી છે. શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી મંદિર પરિસરમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યાં લાઇવ વાયર પડ્યો હોવાની અફવા ફેલાઈ જતાં નાસભાગ મચી ગઈ હતી.

આ દુર્ઘટના સવારે લગભગ 6:45 વાગ્યાના અરસામાં બની હતી. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના કારણે ભગવાન શિવના જળાભિષેક અને પૂજા-અર્ચના માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. આ દરમિયાન નજીકના અશોકધામ હોલ્ટ રેલ્વે સ્ટેશન પર એકસાથે બે ટ્રેનો આવી ગઈ જેથી મંદિરે પહોંચતાં શ્રદ્ધાળુઓની ભીડમાં ધારણા બહારનો વધારો થયો હતો.

વીજળીનો થાંભલો પડતાં થઈ નાસભાગ

પ્રાથમિક માહિતી અને લખીસરાયના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) શૈલેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ, પુરુષોની લાઈન તરફ એક વીજળીનો થાંભલો (ઇલેક્ટ્રિક પોલ) અચાનક નીચે પડી ગયો હતો. થાંભલો પડતાંની સાથે જ ભીડમાં એવી અફવા ફેલાઈ ગઈ કે કરન્ટ ધરાવતો જીવંત વાયર લોકો પર પડ્યો છે. જોકે વાસ્તવમાં તે માત્ર એક કેબલ વાયર હતો. આ અફવાને કારણે ડરના માર્યા પુરુષો મહિલાઓની લાઇન તરફ ભાગ્યા.

વધારે પડતા દબાણને કારણે મંદિરના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવેલા વાંસના બેરિકેડ્સ તૂટી ગયા હતા. બેરિકેડ્સ તૂટતાં જ પાછળથી આવતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. માત્ર 2 મિનિટના ગાળામાં સર્જાયેલી આ અફરાતફરીમાં લાઈનમાં ઉભેલી મહિલાઓ નીચે પડી ગઈ હતી અને પાછળથી આવતી ભીડ તેમના પરથી પસાર થઈ જતાં લોકો કચડાઈ ગયા હતા.

બચાવ કામગીરી-રાહતકાર્ય ચાલુ

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અકસ્માતને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવતાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે વહીવટીતંત્રને તમામ ઈજાગ્રસ્તોને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપી છે.