હોમપેજરાજકારણRSSનું નામ નહીં, પણ નિશાન સંઘ પર: કર્ણાટકની કોંગ્રેસ સરકાર લાવી રહી...

RSSનું નામ નહીં, પણ નિશાન સંઘ પર: કર્ણાટકની કોંગ્રેસ સરકાર લાવી રહી છે ‘પબ્લિક પ્રોપર્ટી બિલ’, શું છે તેની પાછળની રાજકીય કડી?

એક તરફ સરકાર તેને પ્રશાસનિક સુધાર અને મિલકત નિયમનનું સામાન્ય માળખું કહી રહી છે તો બીજી તરફ પ્રિયાંક ખડગેના આક્રમક નિવેદનો આ બિલને RSS પર કસાતી એક નવી અને ધારદાર કાયદાકીય લગામ તરીકે સાબિત કરી રહી છે.

- Advertisement -

કર્ણાટકની રાજનીતિમાં હાલ એક નવો અને રસપ્રદ વળાંક આવ્યો છે, જ્યાં કાગળ પર તો કાયદાની વાત છે, પરંતુ અંદરખાને રાજકારણનો મોટો ખેલ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સરકારે સરકારી જમીન અને અન્ય જાહેર મિલકતોના ઉપયોગને નિયંત્રિત કરવા માટે ‘કર્ણાટક રેગ્યુલેશન ઑફ યુઝ ઑફ ગવર્મેન્ટ પ્રીમાઇસીસ એન્ડ પબ્લિક પ્રોપર્ટી બિલ- 2026’ને (Karnataka Regulation of Use of Government Premises and Public Property Bill, 2026) કેબિનેટની મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ વિધાનસભામાં રજૂ થશે અને ત્યાં ચર્ચા બાદ તેને પસાર કરવાની પ્રક્રિયા આગળ વધશે.

સરકારનું સત્તાવાર રીતે એમ જ કહેવું છે કે આ કાયદો લાવવાનો હેતુ સરકારી જમીનો, ઇમારતો, મેદાનો, પાર્ક અને રસ્તાઓ જેવી જાહેર મિલકતોના યોગ્ય ઉપયોગ માટે સ્પષ્ટ નિયમો અને જવાબદારી નક્કી કરવાનો છે. જોકે, સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ બિલને RSS સાથે જોડવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર કાગળ કે કાયદાના મુસદ્દામાં ક્યાંય પણ સીધી રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના નામનો ઉલ્લેખ નથી.

કોઈ સંસ્થાનું નામ ન હોવું સરકારનું રટણ

કોંગ્રેસ સરકાર પણ બચાવમાં એ જ રટણ કરી રહી છે કે આ કાયદો કોઈ એક ચોક્કસ સંસ્થા, રાજકીય પાર્ટી, એનજીઓ, યુનિયન કે ક્લબને ધ્યાનમાં રાખીને બનાવવામાં નથી આવ્યો. જોકે જગજાહેર છે કે છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને RSS વચ્ચે જાહેર સ્થળો પર યોજાતી શાખાઓ, બેઠકો અને રૂટ માર્ચને લઈને તીવ્ર ટકરાવ ચાલી રહ્યો છે. આ જ કારણ છે કે આ નવો કાયદો RSSને જ ટાર્ગેટ કરવા બનાવવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે.

- Advertisement -

ભલે બિલમાં ક્યાંય RSSનો ઉલ્લેખ નથી, પરંતુ આ બિલની સૌથી મહત્વની અને ચર્ચાસ્પદ જોગવાઈ જ એ છે કે હવે કોઈપણ સરકારી મિલકત કે જાહેર સ્થળે ખાનગી કાર્યક્રમ, રેલી, બેઠક કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય બનશે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડશે તો કડક દંડની જોગવાઈ પણ પ્રસ્તાવિત કરવામાં આવી છે.

સરળ શબ્દોમાં કહીએ તો હવે કોઈ પણ જાહેર મેદાન, સરકારી શાળા કે જમીનનો ઉપયોગ માત્ર કોઈ સંગઠનના આંતરિક નિર્ણયથી નહીં થાય, પરંતુ સરકારે નક્કી કરેલી પરવાનગીની લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈને જ થઈ શકશે.

નામ લીધા વગર જ RSS પર ટાર્ગેટ

વાસ્તવિક ખેલ જ અહીંથી શરૂ થાય છે. ભલે બિલમાં ક્યાંય સંઘનો ‘સ’ કે RSSનો ‘R’ પણ ન હોય, છતાંય એ બાબત તો જગજાહેર જ છે કે RSS પોતાની દૈનિક ‘શાખા’, સાપ્તાહિક ‘બેઠક’ અને ‘સંચલન’ એટલે કે રૂટ માર્ચ જેવી તમામ ગતિવિધિઓ જાહેર સ્થળોએ જ કરે છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલમાં પણ આ અંગે ઉલ્લેખ છે કે પ્રસ્તાવિત કાયદો સીધી કે આડકતરી રીતે આવી પ્રવૃત્તિઓ પર ભારે અસર કરી શકે છે. એટલે કે કાયદાની ભાષામાં ભલે RSS શબ્દનો ઉલ્લેખ ન હોય, પરંતુ તેની અસર સંઘની પ્રવૃત્તિઓ પર પડવાની પૂરી શક્યતા છે.

કર્ણાટકની ધરતી પર RSSના જાહેર કાર્યક્રમો મુદ્દે કોંગ્રેસ સરકાર અને સંઘ વચ્ચે ખેંચતાણ થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ RSSના ‘પથ સંચલન’ અને જાહેર મિલકતના ઉપયોગને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. આ અગાઉના એક સરકારી આદેશને તો છેક કર્ણાટક હાઇકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આવી અરજીઓનું કેસ-ટુ-કેસ મૂલ્યાંકન કરવાની દિશા આપી હતી. હવે કદાચ સરકાર એ જ જૂના વિવાદને એક મજબૂત અને કાયદાકીય માળખું આપીને કાયમી રણનીતિમાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે.

પુત્ર પ્રિયાંક અને પિતા મલ્લિકાર્જુનના RSSવિરોધી નિવેદનો

આ આખા રાજકીય ખેલ અને વિવાદમાં જો કોઈ સૌથી મોટું અને સક્રિય નામ હોય તો તે છે કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેનું. જૂન 2026માં તેમણે એક મોટું પગલું ભરતાં RSS પ્રમુખ મોહન ભાગવતને સત્તાવાર પત્ર લખી નાખ્યો હતો. આ પત્રમાં તેમણે સંઘની કાયદાકીય સ્થિતિ, નાણાકીય પારદર્શિતા, સંગઠનાત્મક માળખું અને ટેક્સ સંબંધિત પાલન અંગે કડક સ્પષ્ટતાઓ માંગી હતી. ખડગેનો મુખ્ય તર્ક એવો હતો કે જો કોઈ સંસ્થા જાહેર જીવનમાં આટલી મોટી હાજરી ધરાવતી હોય, તો તેણે પારદર્શિતા અને બંધારણીય જવાબદારીના ઉચ્ચ ધોરણોનું પાલન કરવું જ પડશે.

આ ઉપરાંત પ્રિયાંક ખડગેએ જૂન મહિનામાં જ RSSની જાહેર પ્રવૃત્તિઓ અને માર્ચ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે રાજ્યનો ગૃહ વિભાગ જ RSSના કાર્યક્રમોને સુરક્ષા પૂરી પાડે છે, તેથી સરકારને સંપૂર્ણ અધિકાર છે કે તે જાણી શકે કે આ સુરક્ષા આખરે કોને અને શા માટે આપવામાં આવી રહી છે. તેમણે RSSના અહેવાલોનો હવાલો આપીને એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં મોટાપાયે માર્ચ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેની પૂરી માહિતી સરકાર પાસે હોવી જ જોઈએ.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ જુલાઈ અને ઑગસ્ટ મહિના દરમિયાન પ્રિયાંક ખડગેનું વલણ વધુ તીવ્ર અને આક્રમક બનતું ગયું. ઑગસ્ટની શરૂઆતમાં તેમણે જાહેરમાં નિવેદન આપ્યું કે રાજ્ય સરકાર એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે RSS સામે કાયદાકીય રીતે કયા પ્રકારનાં પગલાં કે કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં, તેમણે એમ પણ ઉમેર્યું કે સંઘના પૂરા 100 વર્ષના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને સરકાર જે કંઈ પણ કરશે તે કાયદાની મર્યાદામાં રહીને જ RSSને કાયદાકીય દાયરામાં લાવવા માટે કરશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રિયાંક ખડગેના પિતા મલ્લિકાર્જુન ખડગેએ પણ RSS અને BJP પર આકરા પ્રહારો કર્યા હતા. ઑગસ્ટ 2026માં મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને RSSને સ્વતંત્રતા સંગ્રામથી દૂર રહેનારા ગણાવ્યા હતા અને દેશની સ્વતંત્રતામાં સંઘની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયાંક ખડગેના આ તાજેતરના નિવેદનો અને જૂનમાં RSSને મોકલેલા પત્રને જો આ નવા જાહેર મિલકત બિલ સાથે સાંકળીને જોવામાં આવે તો એકદમ સ્પષ્ટ રાજકીય કડીઓ ગોઠવાઈ જતી દેખાય છે.

પહેલાં RSSની કાયદાકીય સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા, પછી તેની જાહેર પ્રવૃત્તિઓ અને માર્ચને શંકાની નજરે જોવામાં આવી અને હવે અંતે જાહેર મિલકતોના ઉપયોગ માટે કડક મંજૂરી અને કાયદાકીય લગામ કસી દેવામાં આવી છે. આ ત્રણેય ઘટનાઓનો તાલમેલ સ્પષ્ટપણે બતાવે છે કે દાળમાં કંઈક તો કાળું જરૂર છે.

ડી.કે. શિવકુમાર પણ આ જ ગેંગમાં સામેલ

બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર આ સમગ્ર વિવાદમાં સરકારનો બચાવ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ બિલ કોઈપણ એક ચોક્કસ પાર્ટી કે સંગઠનને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવ્યું નથી. તેમનો તર્ક એવો છે કે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ કે સંગઠન પોતાની મરજીથી ગમે ત્યાં જાહેર રસ્તા કે સરકારી મિલકતનો કબજો જમાવી શકે નહીં અને દરેક સાર્વજનિક કાર્યક્રમ માટે પ્રોપર દસ્તાવેજીકરણ તથા પરવાનગી હોવી જ જોઈએ. એટલે સરકાર સત્તાવાર રીતે તો આને માત્ર ‘જાહેર સંપત્તિના રક્ષણ’ માટેનો સામાન્ય કાયદો જ ગણાવી રહી છે.

પરંતુ અસલી સવાલ એ કે જો આ માત્ર એક સામાન્ય નિયમ જ છે તો તેની જાહેરાતનો સમય અને RSS સાથેનો આટલો જૂનો અને ચાલુ વિવાદ શા માટે આટલા બધા સંકેતો આપી રહ્યો છે? કારણ કે આ બિલ આવવાના બિલકુલ થોડા સમય પહેલાં જ પ્રિયાંક ખડગે RSSના રજિસ્ટ્રેશન, નાણાકીય પારદર્શિતા અને બેઠકો વિશે નિવેદનો આપી રહ્યા હતા. જાણીતા મીડિયા પ્લેટફોર્મ્સ અને અહેવાલો પણ એ વાતની નોંઘ લઈ રહ્યા છે કે આ બિલ ભલે સામાન્ય દેખાતું હોય, પરંતુ તેનો અંદરનો રાજકીય સંદર્ભ સીધેસીધો RSS સાથે ચાલી રહેલા ટકરાવના ગર્ભમાંથી જ બહાર આવ્યો છે.

આ આખી કવાયતનું ભવિષ્ય હવે એ વાત પર નિર્ભર છે કે વિધાનસભામાં આ બિલ કઈ રીતે ચર્ચા પામે છે અને અંતે તેનો અમલ જમીની સ્તરે કેવી રીતે થાય છે. જો સરકાર ખરેખર તમામ સંગઠનોને એક જ માપદંડથી માપે, પારદર્શક મંજૂરી પ્રક્રિયા અપનાવે અને સૌની સાથે સમાન કાયદાકીય વ્યવહાર કરે તો ‘જાહેર સંપત્તિનું રક્ષણ’ કરવાનો તેમનો દાવો સાચો થઈ શકે છે. પરંતુ, જો આ નવા નિયમોનો દંડો ખાસ કરીને RSS કે અન્ય હિંદુત્વવાદી સંગઠનોની ગતિવિધિઓને ડામવા માટે જ ચલાવવામાં આવે તો કોંગ્રેસની મંશા સ્પષ્ટ થઈ જશે.

આજે ભલે બિલના કાગળો પર RSSનું નામ ક્યાંય ન છપાયું હોય, પરંતુ આખી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં માત્ર અને માત્ર સંઘ જ છે. એક તરફ સરકાર તેને પ્રશાસનિક સુધાર અને મિલકત નિયમનનું સામાન્ય માળખું કહી રહી છે તો બીજી તરફ પ્રિયાંક ખડગેના આક્રમક નિવેદનો આ બિલને RSS પર કસાતી એક નવી અને ધારદાર કાયદાકીય લગામ તરીકે સાબિત કરી રહી છે. હવે સૌની નજર એ વાત પર છે કે વિધાનસભામાં આ બિલનું અંતિમ સ્વરૂપ શું બને છે અને આગામી દિવસોમાં કર્ણાટકની રાજનીતિમાં આ ‘કાયદાકીય અગ્નિપરીક્ષા’ કેવા રંગો લાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં