મહેસાણા: મંદિરમાં પ્રવેશ મુદ્દે ભેદભાવ થતો હોવાના આરોપ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR, સામે પૂજારીએ નોંધાવી હુમલાની ફરિયાદ

મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામના આવેલા ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે જૂથ વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બે સામસામે ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે બે FIR પણ નોંધી છે. એક પક્ષ તરફથી અનુસૂચિત જાતિના પરિવારને મંદિરમાં પ્રવેશતા અટકાવી છેડતી તથા જાતિવિષયક અપશબ્દો બોલ્યાના આરોપ હેઠળ એટ્રોસિટી અને POCSO હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જ્યારે સામા પક્ષે મહિલા અને પૂજારી પર હુમલો કરવાની FIR નોંધાઈ છે. 

સમગ્ર ઘટના 13 ઑગસ્ટ, 2026ના રોજ ભાલકેશ્વર મંદિરના પરિસરમાં બની હતી. પૂજારી કૌશલભાઈ ઉપાધ્યાયનાં પત્ની પિંકીબેને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ મંદિર પરિસરમાં સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણી યુવતીઓએ મંદિરે આવી ચડી હતી, જેને પિંકીબેન ઓળખતા પણ નહોતાં. તેવામાં ફરિયાદીએ બંનેને કચરો વાળ્યા બાદ અંદર જવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને મહિલાને ધક્કો મારીને મંદિરમાં બળજબરી ઘૂસી આવી હતી.

ફરિયાદમાં આગળ કહેવાયું છે કે પિંકીબેને આ મામલે વાંધો ઉઠાવતા બંને યુવતીઓએ મારામારી કરી હતી અને ‘હવે ક્યારેય મંદિરમાં જવાની ના પાડી તો જાનથી મારી નાખીશું’ એવી ધમકી પણ આપી હતી. આ દરમિયાન પૂજારી કૌશલભાઈ આવી ચડતાં તેમણે વચ્ચે પડીને તેમની પત્નીને બચાવી હતી. બાદમાં પિંકીબેને તે જ સમયે પોલીસ બોલાવી હતી, દરમ્યાન બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને બંનેએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલે પિંકીબેનની ફરિયાદના આધારે પોલીસે બંને યુવતીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 115(2), 352, 351(3) અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ દરમિયાન બંને યુવતીઓએ પણ એટ્રોસિટી અને POCSO હેઠળ ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદી યુવતી સૃષ્ટિબેન ધીરજભાઈ સોલંકીના આરોપ એવો હતો કે તેઓ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં, તેવામાં પિંકીબેન ઉપાધ્યાય અને તેમની પુત્રી તથા પતી કૌશલભાઈએ તેમને જાતિના આધારે મંદિરમાં પ્રવેશતાં અટકાવ્યાં હતાં. આરોપીઓએ ઝપાઝપી કરી, સગીરાની છેડતી કરી અને હત્યાની ધમકી આપી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે BNS, એટ્રોસિટી એક્ટ અને POCSO હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જોકે, પિંકીબેને આ બંને યુવતીઓને પોતે ઓળખતાં જ ન હોય તેવું જણાવ્યું હતું, જ્યારે બંને યુવતીઓએ આ મામલે ‘જ્ઞાતિ આધારિત ભેદભાવ’ના આરોપ લગાવ્યા છે. હાલ આ બંને મામલે પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.