નિહંગશીખને પહેલી નજરે ઓળખવો હોય તો સૌથી પહેલાં નજર ક્યાં જાય? વાદળી વસ્ત્રો પર? કમર પર લટકતી કૃપાણ (કિરપાણ-તલવાર) પર? કદાચ નહીં. નજર જાય છે તેમના માથા પર રહેલી વિશિષ્ટ ઊંચી દસ્તાર પર. આ દસ્તાર સામાન્ય પાઘડી જેવી નથી. તેના પર તો જાણે એક નાનું શસ્ત્રાગાર જ વસેલું હોય. ચકરમ (પાઘડી પરનું ચક્ર આકારનું હથિયાર), ખંડા (બે ધારવાળી સીધી તલવાર), કટાર અને બીજાં શસ્ત્રોનાં નાનાં સ્વરૂપો. શરીર પર વાદળી વસ્ત્રો, હાથમાં શસ્ત્રો, ઘોડા પર સવારી અને યુદ્ધકલા પ્રત્યેનો અભ્યાસ, આ આખું દૃશ્ય એક જ સવાલ ઊભો કરે છે કે આખરે આ નિહંગ શીખો કોણ છે?
સરળ શબ્દોમાં કહીએ તો નિહંગો શીખ પરંપરાની એક વિશિષ્ટ સશસ્ત્ર યોદ્ધા પરંપરા છે. ઇતિહાસમાં તેમણે શીખ પંથની રક્ષા માટે સૈન્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે આજે તેમની ઓળખ મોટાભાગે ધાર્મિક-સાંસ્કૃતિક અને પરંપરાગત શસ્ત્રવિદ્યાની પરંપરા તરીકે જોવા મળે છે. તેમની ઓળખ માત્ર વસ્ત્રોથી નથી બનતી. તેમની પોતાની જીવનશૈલી, ડેરા, શસ્ત્રપરંપરા, ગતકા, ઘોડેસવારી અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા, આ બધું મળીને નિહંગ ઓળખ બનાવે છે. શીખ ઇતિહાસના વર્ણનોમાં તેમને ઘણી વખત ‘ગુરુ દી લાડલી ફૌજ’ એટલે કે ગુરુની લાડકી ફૌજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
‘નિહંગ’ શબ્દનો અર્થ શું થાય?
સૌથી પહેલાં નામની વાત કરીએ. ‘નિહંગ’ શબ્દના મૂળ વિશે એક જ સર્વસંમતિ નથી. શીખ સંદર્ભોના કેટલાક સ્ત્રોતો તેને ફારસીના ‘નિહંગ’ સાથે જોડે છે, જેનો અર્થ મગર, મગરમચ્છ, શાર્ક અથવા જળ-ડ્રેગન જેવા ઉગ્ર જળચર માટે થાય છે. આ અર્થમાંથી નિર્ભયતા, ઉગ્રતા અને યુદ્ધમાં જોખમ સામે ઊભા રહેવાની ભાવના જોડવામાં આવે છે. બીજી તરફ કેટલાક અર્થઘટનો તેને સંસ્કૃતના ‘નિઃશંક’ સાથે જોડે છે, એટલે કે નિર્ભય અથવા શંકાથી મુક્ત. શીખ સાહિત્યમાં પણ ‘નિહંગ’ શબ્દ યોદ્ધા અને તલવારધારીના અર્થમાં જોવા મળે છે. એટલે નામની પાછળનો મૂળ ભાવ એક જ દિશામાં જાય છે- નિર્ભય યોદ્ધા.
હવે અહીંથી વાત થોડી રસપ્રદ બને છે. નિહંગોની ઉત્પત્તિ ચોક્કસ કયા દિવસે થઈ હતી એ કહેવું સરળ નથી. તેમની પોતાની પરંપરાઓમાં પણ અલગ-અલગ કથાઓ મળે છે. એક લોકપ્રિય કથા ગુરુ ગોવિંદ સિંઘના નાના પુત્ર સાહિબજાદા ફતેહ સિંઘ સાથે જોડાયેલી છે.
કહેવાય છે કે એક વખત બાળ ફતેહ સિંઘ પોતાના મોટા ભાઈઓને યુદ્ધની કસરત કરતા જોઈ તેમની સાથે જોડાવા માગતા હતા. ભાઈઓએ કહ્યું કે તેઓ હજી નાના છે. બાળકે પછી એવી દસ્તાર બાંધી, વાદળી વસ્ત્રો પહેર્યાં, ખંડા અને ચકરમ ધારણ કર્યાં અને હાથમાં ભાલો લીધો કે જાણે પોતે પણ યોદ્ધા બની ગયા હોય. ગુરુ ગોવિંદ સિંઘે જ્યારે પોતાના પુત્રને આ સ્વરૂપમાં જોયા ત્યારે આ વસ્ત્રો અને સ્વરૂપમાંથી નિહંગ પરંપરા ઊભી થઈ એવી પરંપરાગત માન્યતા છે.
બીજી તર કેટલાક ઐતિહાસિક વર્ણનો નિહંગોની મૂળ સૈન્ય પરંપરાને છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદના સમયમાં ઊભી થયેલી અકાલ સેના સાથે જોડે છે. ગુરુ હરગોવિંદે શીખ સમુદાયને સશસ્ત્ર અને સૈન્ય રીતે તૈયાર કરવાની દિશામાં મોટો ફેરફાર કર્યો હતો. અકાલ સેના એક વિશિષ્ટ સૈન્ય દળ તરીકે વિકસતી ગઈ અને પછી 1699માં ગુરુ ગોવિંદ સિંઘે ખાલસાને ઔપચારિક સ્વરૂપ આપ્યું ત્યારે આ સૈન્ય પરંપરા ખાલસા ફૌજ સાથે જોડાઈ. જોકે આધુનિક અર્થમાં સંગઠિત નિહંગ ઓળખ કયા ચોક્કસ તબક્કે ઊભી થઈ તે અંગે ઐતિહાસિક ચર્ચા છે.
ખાલસા અને ‘ગુરુ દી લાડલી ફૌજ’
1699નું વર્ષ શીખ ઇતિહાસમાં અત્યંત મહત્વનું છે. વૈશાખીના દિવસે આનંદપુર સાહિબ ખાતે ગુરુ ગોવિંદ સિંઘે ખાલસાની સ્થાપનાને ઔપચારિક સ્વરૂપ આપ્યું. પાંચ પ્યારાઓને અમૃત સંસ્કાર આપીને એક એવા સમુદાયની રચના કરવામાં આવી જેમાં આધ્યાત્મિકતા સાથે શસ્ત્રધારણ અને અન્યાય સામે ઊભા રહેવાની ફરજ પણ જોડાયેલી હતી. ખાલસા સાથે જોડાયેલી આ સૈન્ય પરંપરાએ આગળ જઈને નિહંગોની ઓળખ માટે પણ મહત્વનો આધાર આપ્યો.
નિહંગોને ‘ગુરુ દી લાડલી ફૌજ’ કહેવામાં આવે છે. આ નામમાં માત્ર લાડનો ભાવ નથી, તેની પાછળ ગુરુની સેવામાં, ધર્મની રક્ષા માટે અને જરૂર પડે ત્યારે યુદ્ધના મેદાનમાં ઊભા રહેવાની પરંપરાનો ભાવ છે. નિહંગો પોતાની પરંપરાને ગુરુની ફૌજ તરીકે જ જુએ છે. એટલે તેમની ઓળખ કોઈ રાજા, જમીનદાર કે દુન્યવી સત્તાના પગારદાર સૈનિક તરીકે નહીં, પરંતુ ગુરુ અને અકાલ પુરખ પ્રત્યેની નિષ્ઠા સાથે જોડાયેલી રહી છે.
મુઘલો અને અફઘાનો શસ્ત્રો ઉઠાવ્યાં
આ પરંપરાનો અર્થ સમજવા માટે 18મી સદીના પંજાબમાં જવું પડે. શીખો માટે એ સમય સરળ નહોતો. મુઘલ સત્તાના દમન બાદ અને પછી અફઘાન આક્રમણોના સમયગાળામાં શીખ સમુદાયને પોતાનું અસ્તિત્વ જાળવવા માટે સૈન્ય શક્તિની જરૂર હતી. આ સમય દરમિયાન અકાલી-નિહંગ યોદ્ધાઓએ શીખ પંથની રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
અહમદ શાહ અબ્દાલી અને તેના અનુગામીઓના આક્રમણો સામે શીખોએ અનેક વખત યુદ્ધ કર્યાં. નિહંગો આ સંઘર્ષમાં માત્ર યુદ્ધ કરતા યોદ્ધા નહોતા, તેમની ધાર્મિક શિસ્ત અને યુદ્ધપરંપરાએ તેમને અલગ ઓળખ આપી. 18મી સદીમાં શીખ મિસલો ઊભી થઈ ત્યારે નિહંગ જથાઓ પણ પોતાની રીતે સક્રિય રહ્યા. તેમની પરંપરા પોતાને સત્તા અને સંપત્તિ મેળવવાની દોડથી દૂર રાખતી અને શીખ પંથ તથા તેના ધાર્મિક કેન્દ્રોની રક્ષા સાથે જોડતી હતી.
રણજિત સિંઘની સેવામાં પણ નિહંગો
પછી પંજાબમાં મહારાજા રણજિત સિંઘનો યુગ આવ્યો. અહીં એક રસપ્રદ વાત છે. નિહંગો પોતાની સ્વતંત્રતા અને દુન્યવી માલિક પ્રત્યેની નિષ્ઠાથી દૂર રહેવાની પરંપરા માટે જાણીતા હતા, છતાં તેમની યુદ્ધકુશળતાને કારણે રણજિત સિંઘે તેમને પોતાની સેનાની વિશિષ્ટ લશ્કરી શક્તિ તરીકે સાથે રાખ્યા.
અકાલી ફૂલા સિંઘ આ સમયના સૌથી જાણીતા નિહંગ નેતાઓમાંના એક હતા. નિહંગ દળોએ કસૂર, મુલતાન, કાશ્મીર અને નૌશેરા જેવા અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવી. ખાસ કરીને 1818ના મુલતાનના યુદ્ધમાં નિહંગ દળોની ભૂમિકા નોંધપાત્ર હતી.
અહીં ‘અકાલી’ શબ્દને સમજવો પણ જરૂરી છે. આજે ‘અકાલી’ શબ્દ સાંભળતાં શિરોમણિ અકાલી દળ યાદ આવે છે, પરંતુ મૂળમાં આ શબ્દ નિહંગ યોદ્ધાઓ સાથે જોડાયેલો હતો. ‘અકાલ’ એટલે શાશ્વત અથવા કાળથી પર. 18મી સદીમાં અકાલી નૈના સિંઘ જેવા નિહંગ યોદ્ધાઓ સાથે આ ઉપાધિ જોવા મળે છે. પછી અકાલી ફૂલા સિંઘના સમયમાં આ ઓળખ વધુ મજબૂત બની.
વાદળી વસ્ત્રો અને દસ્તાર-બુંગા
હવે આવીએ એવી વસ્તુ પર જેના કારણે નિહંગને દૂરથી પણ ઓળખી શકાય, તે છે તેમનો પહેરવેશ.
નિહંગોની પરંપરાગત ઓળખમાં ગાઢ વાદળી વસ્ત્રોનું વિશેષ સ્થાન છે. આ સ્વરૂપને ‘ખાલસા સ્વરૂપ’ સાથે જોડવામાં આવે છે. પરંતુ માથા પરની દસ્તાર તો આખી ઓળખને અલગ જ બનાવી દે છે. તેને ‘દસ્તાર-બુંગા’ કહેવામાં આવે છે. ‘બુંગા’ શબ્દ અહીં કિલ્લા અથવા ગઢ જેવી ઊંચી રચનાનો ભાવ આપે છે. નિહંગોની આ ઊંચી દસ્તાર માત્ર શોભા માટે નહોતી, તેમાં વિવિધ નાનાં શસ્ત્રો ધારણ કરવાની પરંપરા પણ હતી.

અકાલી નૈના સિંઘને નિહંગોની આ ઊંચી, પિરામિડ જેવી દસ્તારને પ્રચલિત બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. આ દસ્તારને એવી રીતે બાંધવામાં આવતી કે યોદ્ધા પોતાનાં શસ્ત્રો સાથે રાખી શકે અને હાથ યુદ્ધ માટે મુક્ત રહે.
પાઘડી પર જ શસ્ત્રાગાર
જરા કલ્પના કરો કે એક યોદ્ધા યુદ્ધ માટે નીકળે અને તેની પાઘડીમાં જ શસ્ત્રો ગોઠવેલાં હોય. નિહંગોની પરંપરામાં આ વાત ખરેખર જોવા મળે છે. તેમના દસ્તાર-બુંગામાં ચકરમ, ખંડા, કટાર અને અન્ય નાના શસ્ત્રો ધારણ કરવામાં આવતાં. ચકરમ એટલે ગોળ, ધારદાર લોખંડનું યુદ્ધચક્ર, જેને ફેંકી શકાય.
પરંપરામાં ‘પંચ શસ્ત્ર’નો પણ ઉલ્લેખ થાય છે. ચકરમ, ખંડા, ત્રિશુળ કરુડ અથવા કટાર, કૃપાણ અને તીર. આ ઉપરાંત જંગી કડાં એટલે લોખંડનાં કડાં, ગળામાં લોખંડની સાંકળો અને ક્યારેક ચકરમ ધારણ કરવાની રીત પણ જોવા મળે છે. નિહંગોની યુદ્ધસામગ્રીમાં ભાલા, તલવાર, કટાર, ઢાલ અને અન્ય પરંપરાગત શસ્ત્રોનો સમાવેશ થતો.

તેમના પગમાં પહેરાતા ‘જંગી મોજાં’ પણ સામાન્ય જૂતાં નહોતા. પરંપરાગત વર્ણનો અનુસાર તેમાં આગળના ભાગે ધાતુનું ફિટિંગ રહેતું, જે યુદ્ધ દરમિયાન હથિયાર તરીકે પણ ઉપયોગી બની શકે. પાછળની બાજુ ભેંસની ચામડીની ઢાલ રાખવાની પરંપરા હતી. એટલે નિહંગનો પહેરવેશ જ એક રીતે ચાલતું-ફરતું યુદ્ધકવચ હતો.
નિહંગોનું જીવન: ડેરા, ઘોડા અને ગતકા
પરંતુ નિહંગોને સમજવા માટે માત્ર યુદ્ધના મેદાન સુધી જવું પૂરતું નથી. તેમની પોતાની સામુદાયિક જીવનપદ્ધતિ પણ રહી છે. ઘણા નિહંગો ‘ડેરા’માં રહે છે. પહેલાં આવા સ્થળોને ‘છાવણી’ તરીકે ઓળખવામાં આવતા, એટલે કે એવી જગ્યાઓ જ્યાં યોદ્ધાઓ રહે, તાલીમ લે અને ધાર્મિક જીવન પણ સાથે જીવે.
નિહંગ ડેરાઓમાં શસ્ત્રો, ઘોડા અને ગતકાની તાલીમનું મહત્વ રહ્યું છે. ગતકા શીખોની પરંપરાગત યુદ્ધકલા છે, જેમાં લાકડી, તલવાર અને અન્ય શસ્ત્રોના ઉપયોગની કળા શીખવવામાં આવે છે. ઘણા ડેરાઓમાં ઘોડેસવારી અને શસ્ત્રવિદ્યાની તાલીમ સાથે ગુરુદ્વારા પણ જોડાયેલાં હોય છે.

આ ડેરાઓ પોતાનું જીવનનિર્વાહ પણ વિવિધ રીતે ચલાવે છે. કેટલાક મોટા ડેરાઓ સાથે ખેતીની જમીન જોડાયેલી હોય છે. આસપાસના સમાજ પાસેથી મળતી સહાયથી પણ ડેરાઓ ચાલે છે. કેટલાક સ્થળોએ શાળાઓ, ઘોડેસવારી કેન્દ્રો અને યુદ્ધકલા તાલીમ કેન્દ્રો પણ ચલાવવામાં આવ્યાં છે. એટલે નિહંગ જીવન માત્ર શસ્ત્રો ધારણ કરવા પૂરતું નથી, તે એક સંપૂર્ણ સામુદાયિક જીવનપદ્ધતિ છે.
પરંપરાગત વર્ણનોમાં વિવાહિત નિહંગોને ડેરાની જવાબદારી સંભાળતા અને અન્યને જુદા-જુદા સ્થળોએ ફરતા, તાલીમ અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બતાવવામાં આવ્યા છે. સમય સાથે આ જીવનશૈલીમાં પરિવર્તન પણ આવ્યું છે, પરંતુ ડેરા અને છાવણીની પરંપરા આજે પણ નિહંગ ઓળખનો મહત્વનો ભાગ છે.
બ્રિટિશરો આવ્યા અને નિહંગોની દુનિયા બદલાઈ ગઈ
1849માં પંજાબ બ્રિટિશ શાસન હેઠળ ગયા પછી નિહંગોની પરંપરાગત સૈન્ય વ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો. અકાલી રેજિમેન્ટો વિખેરી નાખવામાં આવી અને સૈન્ય સેવા તેમની મુખ્ય વ્યવસાયિક ઓળખ હોવાથી તેમની સંખ્યા ઝડપથી ઘટી.
આ ઘટાડો માત્ર વાતમાં નહોતો. 1892ની વસતિગણતરીમાં ‘Sikh Akalis or Nihangs’ તરીકે 1,376 લોકો નોંધાયા હતા. 1901 સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 431 રહી હતી. ઉપરાંત 136 લોકોએ પોતાને જાતિ તરીકે ‘અકાલી’ નોંધાવ્યા હતા. આ આંકડા બતાવે છે કે બ્રિટિશ યુગ સુધી પહોંચતા નિહંગોની પરંપરાગત સૈન્ય ઓળખ કેટલી નબળી પડી ગઈ હતી.
આ જ સમયગાળા દરમિયાન ‘અકાલી’ શબ્દનો અર્થ પણ બદલાતો ગયો. 1920-25ના ગુરુદ્વારા સુધાર આંદોલન દરમિયાન સુધારકો સાથે ‘અકાલી’ નામ જોડાયું અને આગળ જઈને શિરોમણિ અકાલી દળ નામની રાજકીય સંસ્થા ઊભી થઈ. એટલે આજનો રાજકીય ‘અકાલી’ અને ઐતિહાસિક નિહંગ ‘અકાલી’ એક જ ઓળખ નથી. ઐતિહાસિક રીતે નિહંગો માટે ‘અકાલી’ નામનો ઉપયોગ થતો હતો, પરંતુ સમય સાથે બંને શબ્દોના અર્થ અલગ રસ્તે ગયા. નિહંગ પરંપરામાં છેલ્લાં જાણીતા પ્રમુખ અકાલીઓમાં અકાલી કૌર સિંઘનું નામ લેવામાં આવે છે.
તો નિહંગોને અન્ય શીખોથી અલગ શું બનાવે છે?
અહીં સૌથી અગત્યની વાત સમજવી જરૂરી છે. નિહંગો શીખ સમાજથી અલગ કોઈ ધર્મ નથી. તેઓ શીખ પરંપરાની અંદરની એક વિશિષ્ટ યોદ્ધા પરંપરા છે. તેમની ઓળખમાં ખાલસા આચારસંહિતાનું પાલન, શસ્ત્રધારણ, વિશિષ્ટ વસ્ત્રો, ગતકા, ઘોડેસવારી અને ડેરા આધારિત જીવનને વિશેષ સ્થાન મળ્યું છે.
તેમની ધાર્મિક ઓળખમાં વાદળી નિશાન સાહિબની પરંપરા પણ જોવા મળે છે. સામાન્ય રીતે શીખ પરંપરાઓમાં જોવા મળતા ભગવા રંગના બદલે નિહંગ સંસ્થાઓ પોતાના સ્થાને વાદળી નિશાન સાહિબ ફરકાવે છે. તેમના માટે આ રંગ માત્ર વસ્ત્રનો રંગ નથી, તે તેમની વિશિષ્ટ ઓળખ અને યોદ્ધા પરંપરાનું પ્રતીક છે.
અને કદાચ નિહંગોને સમજવાની સૌથી સારી રીત આ જ છે. તેમને માત્ર હાથમાં તલવાર ધરાવતા માણસ તરીકે ન જોઈ શકાય. તેમની નીલી દસ્તાર પાછળ એક આખી ઐતિહાસિક સ્મૃતિ છે. દસ્તાર-બુંગામાં ગોઠવાયેલા ચકરમ પાછળ યુદ્ધની જરૂરિયાત છે. ગતકાની કસરત પાછળ સૈન્ય તાલીમની પરંપરા છે. ડેરા પાછળ સામુદાયિક જીવન છે અને ‘ગુરુ દી લાડલી ફૌજ’ નામ પાછળ ગુરુની સેવા અને રક્ષા માટે પોતાને સમર્પિત કરવાની ભાવના છે.
સદીઓ બદલાઈ ગઈ, યુદ્ધના મેદાનો બદલાઈ ગયા અને શસ્ત્રોની દુનિયા પણ બદલાઈ ગઈ. પરંતુ નિહંગોની ઓળખમાં એક બાબત સતત રહી- ગુરુની ફૌજ તરીકે જીવવાની કલ્પના. એટલે જ્યારે કોઈ વાદળી વસ્ત્રોમાં, ઊંચી દસ્તાર-બુંગા સાથે, શસ્ત્રોથી સજ્જ નિહંગ નજરે પડે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિનો પહેરવેશ નથી હોતો. તેની પાછળ શીખ ઇતિહાસની એક એવી યોદ્ધા પરંપરા ઊભી હોય છે, જે મુઘલ યુગના સંઘર્ષોથી લઈને અફઘાન આક્રમણો, રણજિત સિંઘના લશ્કર અને બ્રિટિશ યુગના પતન સુધી અનેક પડાવો પાર કરીને આજે પણ પોતાની અલગ ઓળખ સાથે જીવંત છે.


