હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્યારે સોમનાથમાં હવામાં તરતું હતું દિવ્ય શિવલિંગ, ન નીચેથી કોઈ આધાર કે...

જ્યારે સોમનાથમાં હવામાં તરતું હતું દિવ્ય શિવલિંગ, ન નીચેથી કોઈ આધાર કે ઉપરથી ટેકો

નીચે આધાર નહોતો, ઉપર ટેકો નહોતો અને છતાં એ શિવલિંગ ત્યાં જ હતું, સોમનાથના ગર્ભમાં, હવામાં તરતું.

- Advertisement -

સમુદ્રકિનારે સોમનાથનું મંદિર છે. સામે અરબી સમુદ્ર અને ઉપર સતત ફરકતો ધ્વજ. આજે અહીં આવતો ભક્ત ગર્ભગૃહમાં સોમનાથના દર્શન કરે છે અને બહાર નીકળે છે. પરંતુ એક ક્ષણ માટે આજના સોમનાથને બાજુ પર મૂકી સદીઓ પાછળ ચાલો. એ જ પ્રભાસમાં ત્યારે એક એવું ભવ્ય તીર્થ હતું, જ્યાં ચંદ્રગ્રહણના દિવસે એક લાખથી વધુ લોકો એકઠા થતા હતા. ગંગાનું પાણી દરરોજ અહીં પહોંચતું હતું. પૂજા અને યાત્રાળુઓની સેવામાં એક હજાર બ્રાહ્મણો હતા. મંદિરને હજારો ગામોની આવક મળતી હતી અને સોના-ચાંદી તથા રત્નોનાં દાન આવતાં હતાં.

એટલે સોમનાથ ત્યારે માત્ર એક મંદિર નહોતું, હિંદુ આસ્થાના નકશામાં તેનું સ્થાન ખૂબ ઊંચું હતું અને આ જ ભવ્ય મંદિરના મધ્યમાં એક શિવલિંગ હતું, જેની નીચે ધરતીનો આધાર નહોતો અને ઉપર કોઈ ટેકો નહોતો. તે હવામાં તરતું હતું.

આ વાત આજે વાંચીએ ત્યારે પહેલી નજરે માનવામાં પણ ન આવે એવી લાગે. પરંતુ વાત એટલી જ છે કે આ શિવલિંગ વિશેનું વર્ણન કોઈ અર્વાચીન કથામાં નહીં, સદીઓ જૂના ગ્રંથોમાં મળે છે. આજે સોમનાથના આ સ્વરૂપ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ જૂના વર્ણનોનાં પાનાં ખોલતાં સોમનાથની એક એવી છબી સામે આવે છે, જે આજના માણસ માટે પણ આશ્ચર્યથી ભરેલી છે. ત્યાં ભવ્ય મંદિર હતું, અસીમ આસ્થા હતી, દૂરદૂરથી આવતા ભક્તો હતા અને એ જ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ હવામાં તરતું હતું.

- Advertisement -

આસ્થા અને વૈભવના શિખરે સોમનાથ

એ સમયના સોમનાથને સમજવા માટે માત્ર મંદિર કે શિવલિંગની વાત પૂરતી નથી. સૌપ્રથમ એ તીર્થનું સ્થાન સમજવું પડે. સોમનાથ હિંદુઓ માટે અત્યંત પવિત્ર હતું અને તેની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાયેલી હતી. ચંદ્રગ્રહણના પ્રસંગે અહીં એક લાખથી વધુ લોકો એકઠા થતા હોવાનો ઉલ્લેખ મળે છે. યાત્રાળુઓ માટેની વ્યવસ્થા સામાન્ય મંદિર જેવી નહોતી. પૂજા અને યાત્રાળુઓની સેવા માટે એક હજાર બ્રાહ્મણો નિયુક્ત હતા. મંદિરને વિશાળ આવક મળતી હતી અને દૂર ગંગાથી પાણી લાવીને દરરોજ મંદિરની સેવા કરવામાં આવતી હતી. કિંમતી વસ્તુઓ અહીં અર્પણ થતી હતી. મંદિર પાસે હજારો ગામોની આવક હોવાનું પણ વર્ણન મળે છે.

આ બધું માત્ર સોમનાથની સંપત્તિ બતાવતું નથી. આ વિગતોમાંથી તે સમયના સોમનાથની ઊંચાઈ દેખાય છે. સમુદ્રકિનારે આવેલું આ તીર્થ હિંદુ આસ્થાનું એવું કેન્દ્ર હતું જ્યાં ભક્તિ સાથે વૈભવ પણ પોતાના શિખરે હતો. ચંદ્રગ્રહણ થાય અને લોકોનો પ્રવાહ સોમનાથ તરફ વળે, દૂર ગંગાનું પાણી અહીં આવે, પૂજા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહે અને મંદિરને દૂરદૂરનાં ગામોની આવક મળે, આવું સોમનાથ માત્ર એક મંદિર નહોતું. તે સમયના હિંદુ સમાજના ધાર્મિક જીવનમાં તેનું પોતાનું આગવું સ્થાન હતું.

આ જ સોમનાથના ગર્ભગૃહમાં સ્થાપિત હતું એ શિવલિંગ, જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ.

મંદિરની મધ્યમાં હવામાં તરતું શિવલિંગ

13મી સદીમાં સંકલિત થયેલા પર્શિયન લેખક ઝકરીયા કઝવિનીના ‘અસારુ-લ બિલાદ’માં સોમનાથનું વર્ણન કરતા આ શિવલિંગ અંગે સ્પષ્ટ નોંધ મળે છે. તેમાં લખાયું છે કે મંદિરમાં ‘સોમનાથ’ નામની મૂર્તિ (શિવલિંગ) હતી. તે મંદિરની મધ્યમાં એવી રીતે સ્થિત હતી કે નીચેથી તેને કોઈ વસ્તુનો આધાર નહોતો અને ઉપરથી પણ તેને કોઈ વસ્તુ સાથે લટકાવવામાં આવી નહોતી. કઝવિનીના વર્ણન મુજબ, તેને હવામાં તરતી જોનાર મુસલમાન હોય કે બિન-મુસલમાન, આશ્ચર્યચકિત થઈ જતો.

અહીં ખાસ વાત એ છે કે વર્ણન માત્ર ‘હવામાં તરતી મૂર્તિ’ કહીને અટકી જતું નથી. શિવલિંગ ક્યાં હતું, તેની નીચે શું હતું અને ઉપર શું નહોતું, આ બધું સ્પષ્ટ રીતે નોંધાયું છે. એટલે સોમનાથના એ સમયના મંદિરની કલ્પના કરીએ તો આંખ સામે એક ગર્ભગૃહ આવે છે, તેની મધ્યમાં સ્થાપિત શિવલિંગ આવે છે અને તેની નીચે ધરતીનો કોઈ ટેકો દેખાતો નથી. ઉપર પણ તેને લટકાવતું કશું નથી. છતાં તે ત્યાં છે, હવામાં તરતું.

સોમનાથના શિવલિંગનું આ વર્ણન એટલું સ્પષ્ટ છે કે સદીઓ પછી પણ તેને વાંચતાં એ સમયના મંદિરની એક અસાધારણ ઝલક મળી આવે છે અને આ એક જ પંક્તિમાં સમેટાયેલી વાત નથી. એ જ વર્ણનમાં સોમનાથની યાત્રા, તેની પૂજા-વ્યવસ્થા, મંદિરની સમૃદ્ધિ અને ત્યાં ઉમટતા ભક્તોની વિગતો વચ્ચે આ શિવલિંગનું વર્ણન આવે છે.

જ્યાં એક ચંદ્રગ્રહણ એટલે ભક્તોનો મહાસાગર

સોમનાથ સાથે ચંદ્રગ્રહણનો પણ વિશેષ સંબંધ હતો. ગ્રંથમાં નોંધ છે કે જ્યારે ચંદ્રગ્રહણ થતું ત્યારે હિંદુઓ સોમનાથની યાત્રા કરતા અને એક લાખથી વધુ લોકો ત્યાં ભેગા થતા. આ આંકડો માત્ર ભીડનો આંકડો નથી. તે બતાવે છે કે સોમનાથનું આકર્ષણ દૂર સુધી પહોંચેલું હતું.

લોકો અહીં માત્ર દર્શન કરીને પાછા ફરતા નહોતા. સોમનાથની પોતાની ધાર્મિક વ્યવસ્થા હતી. એક હજાર બ્રાહ્મણો પૂજા અને યાત્રાળુઓની સેવા માટે જોડાયેલા હતા. પાંચસો યુવતીઓ મંદિરના દ્વાર પાસે ગીતો ગાતી અને નૃત્ય કરતી હોવાનું પણ વર્ણન છે. મંદિરને દસ હજારથી વધુ ગામોની આવક મળતી હોવાનું લખાયું છે. સૌથી કિંમતી વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હતી. મંદિરની અંદર રત્નોથી સજ્જ પ્રકાશવ્યવસ્થા હતી અને સોનાની ભારે સાંકળ વડે રાત્રિના પહોરે બ્રાહ્મણોને પૂજા માટે જગાડવામાં આવતા હતા.

આ વિગતો વચ્ચે હવામાં તરતું શિવલિંગ કોઈ અલગ પડેલી અજાયબી લાગતું નથી. તે એવા સોમનાથના કેન્દ્રમાં હતું, જ્યાં આસ્થા અને વૈભવ બંને પોતાના ઉન્નત સ્વરૂપમાં હતાં. આજે આપણે સોમનાથનું નામ લઈએ ત્યારે જ્યોતિર્લિંગ યાદ આવે છે, સદીઓ પહેલાં પણ સોમનાથ હિંદુઓ માટે એટલું જ ઊંચું ધાર્મિક સ્થાન ધરાવતું હતું. ફરક એટલો કે એ સમયમાં આપણને એ મંદિરની અંદરનું એક એવું દૃશ્ય પણ મળી જાય છે, જે સામાન્ય આંખે જોવું શક્ય બને એવું લાગતું નથી.

ભારત વિરુદ્ધ મજહબી જંગ અને સોમનાથ પર નજર

આવા વૈભવના શિખર પર બેઠેલા સોમનાથ તરફ મહમૂદની નજર પડી. કઝવિનીના વર્ણનમાં મહમૂદ ભારત વિરુદ્ધ મજહબી જંગ કરવા સોમનાથ તરફ આવ્યો હોવાનું સ્પષ્ટ લખાયું છે. ઈસવીસન 1025માં તે સોમનાથ પહોંચ્યો. સામે માત્ર સંપત્તિથી ભરેલું મંદિર નહોતું, હિંદુઓની ઊંડી આસ્થાનું એક મહાકેન્દ્ર હતું.

સોમનાથની રક્ષા માટે થયેલા પ્રતિકારનું વર્ણન પણ મળે છે. લોકો મંદિરની અંદર જઈ મદદ માટે રડતા અને પછી બહાર આવીને લડવા નીકળતા હતા. વર્ણનમાં મૃતકોની સંખ્યા 50 હજારથી વધુ હોવાનું નોંધાયું છે. આ સંઘર્ષનો અંત સોમનાથના વિનાશ અને લૂંટમાં થયો, પરંતુ આ આખી ઘટનામાં એક બાબત એવી હતી જેણે મહમૂદનું પણ ધ્યાન ખેંચ્યું- મંદિરના મધ્યમાં હવામાં તરતું એ શિવલિંગ.

મહમૂદની સામે પણ એ જ દૃશ્ય

મંદિરની અંદર રહેલા શિવલિંગને જોઈને મહમૂદને પણ તેની સ્થિતિ વિશે સવાલ થયો હોવાનું વર્ણન છે. શિવલિંગ કોઈ દેખીતા આધાર વિના હવામાં સ્થિર હતું. તેની નીચે શું છે? ઉપરથી શું તેને ટકાવી રહ્યું છે? તેને જાણવા માટે તેની ચારે તરફ તપાસ કરવામાં આવી. ઉપરથી તપાસ થઈ, નીચેથી તપાસ થઈ, આસપાસ પણ તપાસવામાં આવ્યું. પરંતુ કોઈ દેખીતો આધાર મળ્યો નહીં.

આ પછી મંદિરની છતના કેટલાક પથ્થરો દૂર કરવામાં આવ્યા. બે પથ્થરો હટાવવામાં આવ્યા ત્યારે શિવલિંગ એક તરફ ઢળ્યું. વધુ પથ્થરો હટાવતાં તે વધુ ઢળ્યું અને અંતે જમીન પર આવી ગયું.

અહીંથી સોમનાથના એ શિવલિંગની વાત માત્ર એક વર્ણન બનીને રહેતી નથી. આપણે એ સમયના મંદિરની અંદર બનેલી એક ઘટનાની નોંધ વાંચી રહ્યા છીએ. સોમનાથના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ, તેની આસપાસનું ભવ્ય મંદિર અને તેને જોનારા લોકો, આ બધું એક જ વર્ણનમાં એકસાથે સામે આવે છે.

અને આ જ કારણ છે કે સોમનાથનું આ શિવલિંગ આજે પણ કુતૂહલ જગાવે છે. સદીઓ પહેલાં કોઈએ માત્ર ‘સોમનાથમાં મોટું મંદિર હતું’ એટલું નથી લખ્યું. મંદિરની મધ્યમાં રહેલી મૂર્તિની સ્થિતિ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. નીચે આધાર નહોતો, ઉપરથી ટેકો નહોતો અને તે હવામાં તરતી હતી.

સોમનાથનું મંદિર કેવું હતું?

હવામાં તરતા શિવલિંગની વાત જ્યાં સુધી પહોંચી છે ત્યાં સુધી સોમનાથનું મંદિર કેવું હતું તેની ઝલક પણ હોવી જોઈએ. મંદિર 56 સાગના લાકડાના સ્તંભો પર બનેલું હતું અને તેના પર સીસું ચઢાવેલું હતું. ગર્ભગૃહ અંધકારમય હતું, પરંતુ કિંમતી રત્નોથી બનેલ દીવટીઓ અને ઝુમ્મરો ત્યાં પ્રકાશ પાથરતાં હતાં. મંદિરની પાસે 200 મણ વજનની સોનાની સાંકળ હતી. રાત્રિનો એક પહોર પૂરો થાય ત્યારે આ સાંકળ હલાવવામાં આવતી અને તેના અવાજથી પૂજા માટે બ્રાહ્મણોને જગાડવામાં આવતા.

આ વિગતો વાંચીએ ત્યારે સોમનાથનો વૈભવ ન માત્ર આંખ સામે આવે, પણ તેની વચ્ચે ધબકતું ધાર્મિક જીવન પણ દેખાય છે. એક તરફ સમુદ્ર, બીજી તરફ ભવ્ય મંદિર, ગર્ભગૃહમાં સ્થાપિત સોમનાથ, દૂરથી આવતા યાત્રાળુઓ, પૂજામાં જોડાયેલા બ્રાહ્મણો અને અર્પણોથી ભરાતું મંદિર. આ બધાની વચ્ચે હવામાં તરતું શિવલિંગ.

આ વાતને માત્ર અજાયબી તરીકે જોવી સોમનાથ સાથે ન્યાય નહીં કરે. હિંદુ આસ્થામાં શિવલિંગ પથ્થરનો ટુકડો નથી. તે મહાદેવનું સ્વરૂપ છે, ઉપાસનાનું કેન્દ્ર છે.

સોમનાથ તો જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતું પવિત્ર તીર્થ છે. એટલે અહીં હવામાં તરતા શિવલિંગની વાત આવે ત્યારે તેની પાછળ રહેલી આસ્થાની ઊંચાઈ પણ સમજવી પડે. જે વસ્તુ માટે એક લાખથી વધુ લોકો ચંદ્રગ્રહણ વખતે એકઠા થતા હોય, જેના માટે ગંગાનું પાણી દરરોજ લાવવામાં આવતું હોય અને જેના દર્શન માટે દૂરદૂરથી યાત્રાળુઓ આવતા હોય, તેના કેન્દ્રમાં સ્થાપિત શિવલિંગ સામાન્ય નહોતું.

મંદિર પર પ્રહાર થયો, સોમનાથ પર નહીં

સમય આગળ વધ્યો. સોમનાથ પર પ્રહાર થયો. મંદિરનો વૈભવ લૂંટાયો. સંપત્તિ છીનવાઈ. જે તીર્થ હિંદુ આસ્થાના શિખરે હતું, તેના મંદિરને તોડી પાડવામાં આવ્યું. પરંતુ સોમનાથની કથા ત્યાં પૂરી થઈ નહીં.

કારણ કે સોમનાથ માત્ર પથ્થરોનું મંદિર નહોતું. મંદિર તૂટી શકે, તેની મૂર્તિ ખસેડી શકાય, તેની સંપત્તિ લૂંટી શકાય, પરંતુ જે આસ્થા સદીઓથી અહીં સુધી માણસોને ખેંચીને લાવતી હતી, તેને કોઈ તલવારથી ઉખેડી શકાય નહીં. યુગ બદલાયા, સત્તાઓ બદલાઈ, મંદિરનાં સ્વરૂપ બદલાયાં, પરંતુ સોમનાથ હિંદુ ચેતનામાં પોતાની જગ્યા પરથી ખસ્યું નહીં.

આજે શ્રાવણનો પવિત્ર મહિનો છે. ભક્તો સોમનાથ પહોંચે છે, ગર્ભગૃહમાં માથું નમાવે છે અને મહાદેવના દર્શન કરે છે. આજે જે શિવલિંગ સામે ભક્ત ઊભો રહે છે તે હવામાં તરતું નથી. પરંતુ સદીઓ જૂનાં પાનાં ખોલતાં આપણને એક એવા સમય સુધી પહોંચવાની તક મળે છે, જ્યારે આ જ પવિત્ર તીર્થમાં સ્થાપિત શિવલિંગ જમીનને સ્પર્શ કર્યા વિના હવામાં તરતું હોવાનું વર્ણવાયું હતું.

આ વાતનો સૌથી રસપ્રદ ભાગ કદાચ એ છે કે આજે આપણે સોમનાથને તેના પુનઃનિર્માણ, જ્યોતિર્લિંગ સ્વરૂપ અને વર્તમાન ભવ્યતા સાથે જાણીએ છીએ. પરંતુ સદીઓ પહેલાં સોમનાથનું એક બીજું જ સ્વરૂપ દેખાય છે, હિંદુ આસ્થાથી છલકાતું, વૈભવથી સમૃદ્ધ અને પોતાના ગર્ભગૃહમાં હવામાં તરતા શિવલિંગને ધારણ કરતું એક વિશાળ તીર્થ.

આજે એ શિવલિંગ નથી. એ સમયનું એ મંદિર પણ નથી. પરંતુ સોમનાથ છે. સમુદ્ર આજે પણ એ જ છે, શ્રાવણ આજે પણ આવે છે અને મહાદેવના દર્શન માટે ભક્તોની કતાર આજે પણ લાગે છે. ઇતિહાસે ઘણું બદલી નાખ્યું, પરંતુ સોમનાથને હિંદુ આસ્થામાંથી હટાવી શક્યો નહીં.

સદીઓ પહેલાં સોમનાથના એ ગર્ભગૃહમાં શિવલિંગ હવામાં તરતું હતું. આજે તેની સામે ઊભા રહીને આપણે માત્ર એક જૂના અતીતને યાદ નથી કરતા, આપણે સોમનાથના એ વૈભવની એક ઝલક પણ જોઈએ છીએ જ્યારે આ તીર્થ હિંદુ આસ્થાના શિખરે હતું. નીચે આધાર નહોતો, ઉપર ટેકો નહોતો અને છતાં એ શિવલિંગ ત્યાં જ હતું, સોમનાથના ગર્ભમાં, હવામાં તરતું.

સંદર્ભ:

  • અસારુ-લ બિલાદ- ઝકરીયા અલ-કઝવિની
  • હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ ઓન હિસ્ટોરિયન્સ- એચ. એમ. ઇલિયટ અને જ્હોન ડાઉસન
- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં