વિદેશ મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અંગે સંસદમાં માહિતી રજૂ કરી છે. આ માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ પ્રવાસોના ખર્ચ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલો સામે આવ્યાના થોડા જ કલાકોમાં વિપક્ષી નેતાઓ અને સરકારના આલોચકોએ ખર્ચના જુદા જુદા આંકડા શેર કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે એવો આરોપ લગાવ્યો કે વડા પ્રધાનના વિદેશ પ્રવાસો પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા વપરાઈ રહ્યા છે.
પરંતુ સમગ્ર અહેવાલ અને સંપૂર્ણ વિગતો તપાસતા કંઈક અલગ જ બાબત સામે આવે છે. માત્ર કેટલાક છૂટાછવાયા આંકડાઓ જોવાને બદલે જો સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરવામાં આવે તો ખબર પડે છે કે વડા પ્રધાન મોદીએ અગાઉના વડા પ્રધાનની સરખામણીએ વધુ વિદેશ પ્રવાસો કર્યા છે, પરંતુ આ પ્રવાસોનો કુલ ખર્ચ લગભગ એ જ સ્તરે રહ્યો છે. કેટલાંક કિસ્સાઓમાં તો આ ખર્ચ અગાઉ કરતાં ઓછો પણ નોંધાયો છે.
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંસદ સંજય સિંઘ અને CPI(M)ના સંસદ ડૉ. વી. શિવદાસનના પ્રશ્નોના જવાબમાં આ વિગતો આપવામાં આવી હતી. બંને સાંસદોએ 2021થી અત્યાર સુધીમાં વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો, દરેક પ્રવાસનો ખર્ચ, અન્ય દેશો સાથે થયેલા કરારો અને આ સમયગાળા દરમિયાન ભારતમાં આવેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અંગેની માહિતી માંગી હતી.
Total expenditure incurred on PM Modi's foreign visits this year
— Sidhant Sibal (@sidhant) August 6, 2026
From Parliamentary papers: pic.twitter.com/OX3bLkzy8v
વિદેશ મંત્રાલય અનુસાર જુલાઈ 2026 સુધી વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પાછળ આશરે ₹74.5 કરોડનો ખર્ચ થયો હતો. આ છ મહિના દરમિયાન તેમણે મલેશિયા, ઇઝરાયેલ, યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઈટલી, ફ્રાન્સ, સ્લોવાકિયા, સેશેલ્સ, ઈન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિત 13 દેશોનો પ્રવાસ કર્યો હતો.
આલોચકોએ સમગ્ર પરિસ્થિતિ કે ચિત્ર ધ્યાને લેવાને બદલે અલગ-અલગ વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચને જ મુદ્દો બનાવ્યો છે. કેટલાકે એવો સવાલ ઉઠાવ્યો કે વડા પ્રધાનના યુરોપ પ્રવાસ દરમિયાન માત્ર નોર્વેની મુલાકાત પાછળ ₹17 કરોડથી વધુનો ખર્ચ કેવી રીતે થઈ ગયો? તેમણે આ આંકડાને વધુ પડતો ખર્ચ અને ખોટો ખર્ચ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Modi was in Norway for just one day.
— Kapil (@kapsology) August 6, 2026
It cost taxpayers ₹17 crore.
Aisa kya hua wahan par? 😲😲😲 pic.twitter.com/m35xjZM0Eu
આંકડાઓ પાછળની વાસ્તવિકતા
સરકારે જાહેર કરેલા આ ખર્ચમાં માત્ર વડા પ્રધાનને એક દેશથી બીજા દેશ લઈ જતી ફ્લાઈટના ભાડા સિવાય પણ ચાર્ટર્ડ વિમાન, સુરક્ષા વ્યવસ્થા, પૂર્વતૈયારીઓ માટે અગાઉથી મોકલવામાં આવતી ટીમો, સરકારી પ્રતિનિધિમંડળ, સંદેશાવ્યવહાર (સંચાર) વ્યવસ્થા, આવાગમન અને રોકાણ સંબંધિત તમામ સુવિધાઓ, પ્રોટોકોલ તેમજ વિદેશ પ્રવાસો સાથે જોડાયેલા અન્ય અનેક ખર્ચાઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રવાસ દરમિયાન એકથી વધુ દેશોની મુલાકાત લેવાની હોય ત્યારે વડા પ્રધાન અનેક દેશોના નેતાઓને મળે છે, જેથી આવા પ્રવાસોનો ખર્ચ સામાન્ય મુલાકાત કરતાં વધુ હોવો સ્વાભાવિક છે.
જો કોઈ એક જ દેશની મુલાકાતના ખર્ચને અલગ કરીને જોવામાં આવે અને સમગ્ર પ્રવાસને અવગણી દેવાય તો તેનાથી ખર્ચનું ખોટું ચિત્ર ઊભું થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના કાર્યકાળ સાથે જ્યારે આ ખર્ચની સરખામણી કરવામાં આવે છે ત્યારે આ ટીકાઓ આપોઆપ નબળી પડી જાય છે.
સંસદમાં ઉપલબ્ધ રેકોર્ડ મુજબ, ડૉ. મનમોહન સિંઘે 2004થી 2014 વચ્ચેના 10 વર્ષોમાં 73 વિદેશ પ્રવાસો કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન માત્ર હવાઈ મુસાફરી પાછળ જ આશરે ₹795.18 કરોડનો ખર્ચ થયો હતો. અહીં ‘માત્ર હવાઈ મુસાફરી’ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સરખામણી, જે ટીકાકારો નથી કરી શકતા
વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો માટે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ચાર્ટર્ડ ફ્લાઈટ, સુરક્ષા વ્યવસ્થા, સરકારી પ્રતિનિધિમંડળ અને પ્રવાસ સંબંધિત અન્ય તમામ વ્યવસ્થાઓનો ખર્ચ પણ સામેલ છે. આનાથી વિપરીત ડૉ. મનમોહન સિંઘના વિદેશ પ્રવાસો પર થયેલા ₹795.18 કરોડનો આંકડો માત્ર હવાઈ યાત્રાનો જ ખર્ચ દર્શાવે છે.

આ આંકડામાં સુરક્ષા વ્યવસ્થા, રોકાણનો ખર્ચ, આવાગમનની સુવિધા, સંચાર વ્યવસ્થા, પૂર્વતૈયારી માટે અગાઉથી મોકલવામાં આવતી ટીમો, પ્રોટોકોલ અને વડા પ્રધાનના વિદેશ પ્રવાસો સાથે સંકળાયેલા અન્ય ઘણા ખર્ચાઓ સામેલ નથી. તેથી, ડૉ. મનમોહન સિંઘના વિદેશ પ્રવાસો પાછળ થયેલો વાસ્તવિક કુલ ખર્ચ આ ઉપલબ્ધ ₹795.18 કરોડ કરતાં ઘણો વધારે રહ્યો હશે.
ડૉ. સિંઘના વ્યક્તિગત પ્રવાસોનો ખર્ચ વડા પ્રધાન મોદીના તાજેતરના પ્રવાસો કરતાં પણ વધુ
વ્યક્તિગત પ્રવાસોની વિગતો તપાસવાથી આ સરખામણી વધુ સ્પષ્ટ થઈ જાય છે. ડૉ. સિંઘના જૂન 2012ના મેક્સિકો અને બ્રાઝિલના પ્રવાસમાં માત્ર હવાઈ યાત્રા પાછળ જ આશરે ₹26.94 કરોડનો ખર્ચ થયો હતો. 2010ના તેમના વોશિંગ્ટન ડીસી અને બ્રાઝિલના પ્રવાસ દરમિયાન વિમાન સંચાલન પર આશરે ₹22.70 કરોડ ખર્ચાયા હતા, જ્યારે નવેમ્બર 2009ના અમેરિકા તેમજ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રવાસમાં આશરે ₹21.27 કરોડનો ખર્ચ નોંધાયો હતો.
2013માં અમેરિકાના અન્ય એક પ્રવાસ દરમિયાન માત્ર હવાઈ મુસાફરી પાછળ આશરે ₹23.30 કરોડનો ખર્ચ થયો હતો. આમાંનો દરેક આંકડો માત્ર વિમાનના સંચાલન ખર્ચ સાથે સંકળાયેલો છે.
આનાથી વિપરીત વડા પ્રધાન મોદીના તાજેતરના અનેક બહુ-દેશીય પ્રવાસોનો કુલ ખર્ચ, જેમાં સુરક્ષા, લોજિસ્ટિક્સ અને સત્તાવાર પ્રતિનિધિમંડળના તમામ ખર્ચાઓ સામેલ છે, તે અગાઉની સરકારના માત્ર હવાઈ પ્રવાસના બિલ કરતાં ઓછો અથવા લગભગ તેની સમકક્ષ રહ્યો છે. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે ખર્ચના છૂટાછવાયા આંકડાઓ રજૂ કરીને સનસનાટીભર્યા તારણો કાઢવા એ બૌદ્ધિક રીતે અપ્રમાણિકતા છે. વ્યાપક સરખામણી કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
વધુ કૂટનીતિ, લગભગ એ જ ખર્ચ
2015થી 2025 વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 100થી વધુ વિદેશ પ્રવાસો કર્યા. આ સંખ્યા ડૉ. મનમોહન સિંઘ દ્વારા 10 વર્ષમાં કરવામાં આવેલા 73 વિદેશ પ્રવાસો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આમ છતાં વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસોનો કુલ ખર્ચ આશરે ₹800 કરોડ રહેવાનો અંદાજ છે.
બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાન મોદીએ વધુ વખત વિદેશ પ્રવાસો કર્યા, વધુ દેશોની મુલાકાત લીધી અને અનેક દેશોના નેતાઓ સાથે બેઠકો કરી છતાં તેમના વિદેશ પ્રવાસોનો કુલ ખર્ચ તેમના પુરોગામી વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના માત્ર હવાઈ પ્રવાસ પાછળ થયેલા ₹795.18 કરોડના ખર્ચ કરતાં પણ ઓછો છે.
એ માનવું મુશ્કેલ છે કે ડૉ. મનમોહન સિંઘના વિદેશ પ્રવાસો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, હોટેલ રોકાણ, સ્થાનિક આવાગમન, સરકારી પ્રતિનિધિમંડળ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ કોઈ ખર્ચ નહીં થયો હોય. તેથી સ્પષ્ટ થાય છે કે UPA સરકાર દરમિયાન વડા પ્રધાનના વિદેશ પ્રવાસો પાછળ થયેલો કુલ ખર્ચ ઉપલબ્ધ માત્ર હવાઈ યાત્રાના આંકડા કરતાં ઘણો વધારે રહ્યો હશે.
પીએમ મોદીએ એક મોટો ખર્ચ નાબૂદ કર્યો: પત્રકારોના ‘સરકારી ખર્ચે વિદેશ પ્રવાસો’ પર મૂક્યો પ્રતિબંધ
વડા પ્રધાન મોદીના ટીકાકારો અવારનવાર એક મહત્વપૂર્ણ તફાવતનો ઉલ્લેખ કરવાનું ભૂલી જાય છે. આ તફાવત વિદેશ પ્રવાસો દરમિયાન વડા પ્રધાન સાથે જતા સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલો છે.
UPA સરકારના કાર્યકાળ દરમિયાન મોટા મીડિયા હાઉસના પત્રકારો વડા પ્રધાન સાથે વિદેશ પ્રવાસે જાય તે એક સામાન્ય બાબત હતી. તેઓ સત્તાવાર પ્રતિનિધિમંડળનો એક ભાગ ગણાતા. તેથી તેમના માટે વિમાનમાં સીટ ફાળવવી અને પ્રવાસ સંબંધિત અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવી પડતી હતી.
2014માં વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ આ સિસ્ટમનો અંત આણ્યો. હવે પત્રકારો સામાન્ય રીતે વડા પ્રધાન સાથે સરકારી વિમાનમાં વિદેશ પ્રવાસ કરતા નથી. જો કોઈ મીડિયા સંસ્થાન વડા પ્રધાનના વિદેશ પ્રવાસનું કવરેજ કરવા ઈચ્છે તો તેમણે પ્રવાસ અને અન્ય વ્યવસ્થાઓનો ખર્ચ જાતે જ ભોગવવો પડે છે.
આ ફેરફારને કારણે વિદેશ પ્રવાસોના ખર્ચનો એક મોટો હિસ્સો આપોઆપ ઘટી ગયો, જે અગાઉની સરકારોના સમયમાં થતો હતો. પરંતુ બંને સરકારો વચ્ચેના વિદેશ પ્રવાસના ખર્ચની સરખામણી કરતી વખતે આલોચકો અવારનવાર આ તફાવતને છુપાવી દે છે.
તેના બદલે તેઓ વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસોના ખર્ચના પસંદગીના આંકડા જ સામે મૂકે છે અને તેમના વ્યાપક કૂટનીતિક એજન્ડાની સાથે-સાથે આજે વિદેશ પ્રવાસોના આયોજનની શૈલીમાં આવેલા આ મોટા બદલાવને સંપૂર્ણપણે અવગણી દે છે.
કૂટનીતિક મહત્વને માત્ર ખર્ચથી માપી શકાય નહીં
ટીકાઓમાં મોદી સરકાર દરમિયાન ભારતની વધેલી આંતરરાષ્ટ્રીય સક્રિયતાને પણ અવગણવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો માત્ર બે દેશો વચ્ચેના સંબંધો પૂરતા સીમિત નથી રહ્યા. તેમાં G20, ક્વાડ (Quad), BRICS, SCO, ASEAN, COP અને અન્ય અનેક બહુપક્ષીય શિખર સંમેલનોમાં ભારતની ભાગીદારી સામેલ છે. વડા પ્રધાન મોદીની કૂટનીતિક પહોંચ એવા ક્ષેત્રો સુધી પણ વિસ્તરી છે, જેના પર અગાઉના વડા પ્રધાનોએ ઓછું ધ્યાન આપ્યું હતું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસા એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 વચ્ચે ભારતમાં આશરે 381.8 અબજ યુએસ ડૉલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું. એવું કહેવું યોગ્ય નથી કે આ તમામ રોકાણ સીધું વડા પ્રધાનના વિદેશ પ્રવાસોના કારણે જ આવ્યું છે. પરંતુ વિવિધ સરકારો હંમેશાંથી માનતી આવી છે કે ઉચ્ચ સ્તરીય કૂટનીતિ રોકાણ આકર્ષવામાં, વ્યાપારી સંબંધો મજબૂત કરવામાં અને ભારતના વ્યૂહાત્મક હિતોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વડા પ્રધાનના વિદેશ પ્રવાસો દરમિયાન સંરક્ષણ સહયોગ, નવી ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ક્રિટીકલ મિનરલ્સ, ઊર્જા સુરક્ષા, લોકોની અવરજવર સંબંધિત કરારો, સપ્લાય ચેઈન અને રોકાણ ભાગીદારી જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો થાય છે. જિયો પોલિટિકલ તણાવના આ સમયગાળામાં વિશ્વના અન્ય નેતાઓ સાથે સીધો સંવાદ સાધવાની તક પણ આ પ્રવાસોથી મળે છે.
જાહેર નાણાંના ઉપયોગ પર સવાલો ઉઠાવવા એ લોકશાહીમાં સંપૂર્ણપણે વ્યાજબી છે. આખરે સંસદનું એક કામ સરકાર પાસેથી જવાબદારી સુનિશ્ચિત કરવાનું જ છે. પરંતુ કોઈપણ ખર્ચની તપાસ સંપૂર્ણ અને સમાન માહિતીના આધારે થવી જોઈએ, ન કે સંદર્ભ વગરના અમુક છૂટાછવાયા આંકડાઓના આધારે.
વિદેશ મંત્રાલયની તાજી વિગતો એ સાબિત નથી કરતી કે વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પાછળ બેદરકારીપૂર્વક વધુ પડતો ખર્ચ કરવામાં આવ્યો છે. આનાથી વિપરીત આંકડા દર્શાવે છે કે ભારતે અગાઉની સરખામણીએ વધુ સક્રિય વિદેશ નીતિ અપનાવી છે, છતાં ખર્ચ મોટેભાગે એ જ સ્તરે રહ્યો છે અને સંભવ છે કે પ્રવાસોની સંખ્યા નોંધપાત્ર રીતે વધુ હોવા છતાં અગાઉની સરકાર કરતાં ઓછો રહ્યો હોય.
રસપ્રદ વાત એ છે કે સંસદ સામે આવેલા આંકડા વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસોને ખોટો ખર્ચ સાબિત કરવાને બદલે એ દર્શાવે છે કે તેમણે વધુ દેશોનો પ્રવાસ કર્યો, ભારતની કૂટનીતિક પહોંચ વધારી, સરકારી વિમાનમાં મીડિયા પ્રતિનિધિમંડળ લઈ જવાની વધારાના ખર્ચવાળી જૂની પ્રથા બંધ કરી અને આ બધું કરવા છતાં સરકારી ખર્ચમાં કોઈ અસામાન્ય વધારો થવા દીધો નથી.


