ગુજરાતના મોરબી જિલ્લાના વીરપરડા ગામનો એક કૂવો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કૂવામાં પાણીની સપાટી પર સતત મોજાં અને હલચલ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેના વિડીયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. કેટલાકે તેને ભૂકંપની ચેતવણી ગણાવી તો કેટલાકે તેને ચમત્કારિક ઘટના હોવાનું કહેવાનું શરૂ કર્યું
જોકે અત્યાર સુધી સામે આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ ઘટનાનો ભૂકંપ સાથે કોઈ સંબંધ હોવાના પુરાવા મળ્યા નથી. પ્રાથમિક તપાસમાં નિષ્ણાતોનું માનવું છે કે તેની પાછળ કુદરતી ભૂગર્ભીય પ્રક્રિયાઓ જવાબદાર હોઈ શકે છે.
આ ઘટના મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલા ખેડૂત પ્રાણજીવન સાદરિયાના ખેતરના કૂવામાં જોવા મળી છે. આશરે18 ફૂટ ઊંડો આ કૂવો માત્ર ત્રણ મહિના પહેલાં બનાવવામાં આવ્યો હતો. 2 ઑગસ્ટથી તેમાં સતત લહેરો જોવા મળી રહી છે અને કેટલીક વખત પાણી કૂવાની ધાર સુધી આવી જાય છે.
આ અનોખું દૃશ્ય જોવા માટે આસપાસના ગામોના લોકો ઉપરાંત હાઇવે પરથી પસાર થતા મુસાફરો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. ખાસ વાત એ છે કે આસપાસના અન્ય કૂવાઓમાં આવી કોઈ હલચલ જોવા મળતી નથી.
હવાના કારણે પાણીમાં હલચલ થઈ!
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. મોરબીના જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીઓને સ્થળ પર મોકલીને પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.
#WATCH | Morbi, Gujarat: An unusual incident has been reported in Virparda village, Morbi taluka, where a farm well has been showing wave-like movement. The District Collector has ordered a detailed report from the groundwater research team.
— ANI (@ANI) August 7, 2026
Collector Swapnil Khare says, "…… pic.twitter.com/hnFamPfBoW
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિડીયોને ધ્યાનમાં રાખીને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમના પ્રાથમિક અભ્યાસ પ્રમાણે પાણીની નીચે ફસાયેલી હવાના કારણે પાણીની સપાટી પર હલચલ સર્જાઈ રહી છે. જ્યારે આ હવા પોતાની જગ્યામાંથી ખસે છે ત્યારે પાણીમાં સતત લહેરો સર્જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ માટે ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પણ અભ્યાસ સોંપવામાં આવ્યો છે. સંસ્થા સ્થળનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરીને વિગતવાર અહેવાલ સરકારને આપશે.
ભૂકંપની સંભાવનાઓ નકારાઈ
જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વધેરે પણ સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધીની તપાસમાં આ ઘટનાનો ભૂકંપ સાથે કોઈ સંબંધ હોવાનું સામે આવ્યું નથી. તેમણે જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યા બાદ ભૂગર્ભ જળનું ઝડપથી રિચાર્જિંગ થયું હોવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યારે વરસાદનું પાણી મોટા પ્રમાણમાં જમીનની અંદર જાય છે ત્યારે ખડકોની અંદર રહેલા નાના છિદ્રો અને તિરાડોમાં ફસાયેલી હવા બહાર નીકળવા લાગે છે. આ હવા પાણીમાંથી બહાર આવતી હોવાથી પાણીની સપાટી પર સતત મોજાં અને લહેરો જોવા મળે છે.
🚨 GUJARAT | MYSTERIOUS WELL
— contentkikamii (@contentkikamii) August 6, 2026
An unusual phenomenon has drawn crowds to Virparda village in Gujarat's Morbi district where water inside a roadside well has been continuously moving from one side to the other.
According to local reports nearby wells remain completely calm while… pic.twitter.com/rJHvXjOZ8V
અધિકારીઓએ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) સાથે પણ સંપર્ક કર્યો હતો. ત્યાંથી મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ સિસ્મિક ગતિવિધિ નોંધાઈ નથી અને કૂવાની આસપાસ કોઈ સક્રિય ફોલ્ટ લાઇન પણ નથી. તેથી ભૂકંપની આશંકાને હાલ નકારી કાઢવામાં આવી છે.
અન્ય સંભાવનાઓ અંગે પણ તપાસ
નિષ્ણાતો એક બીજી સંભાવના પણ તપાસી રહ્યા છે. ભારે વરસાદ પછી ભૂગર્ભ જળના દબાણમાં આવતા ફેરફારને કારણે પાણીની સપાટી પર લયબદ્ધ હલચલ સર્જાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આવી સ્થિતિ થોડા દિવસો સુધી ચાલુ રહેતી હોય છે.
તે ઉપરાંત કૂવાની રચના, તેની ઊંડાઈ અને ભૂગર્ભ જળપ્રવાહની દિશા પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો કૂવો કોઈ ભૂગર્ભ તિરાડ અથવા જળચેનલ સાથે જોડાયેલો હોય તો પાણીમાં સતત હળવી લહેરો જોવા મળી શકે છે. કેટલાક નિષ્ણાતો આ સંભાવનાને ‘વેલ સિશ’ (Well Seiche) અથવા રેઝોનન્સ જેવી પ્રક્રિયા સાથે પણ જોડે છે.
કેટલાક લોકો દ્વારા જમીનની અંદરથી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અથવા અન્ય ગેસ બહાર નીકળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આવું બનતું હોય તો તેની અસર સામાન્ય રીતે ટૂંકા સમય માટે જ રહે છે. સતત ઘણા દિવસો સુધી એકસરખી હલચલ માત્ર ગેસના કારણે થવાની શક્યતા ઓછી છે.
મહત્વની વાત એ છે કે અત્યાર સુધીની કોઈપણ તપાસમાં આ ઘટનાને ભૂકંપની પૂર્વચેતવણી અથવા કોઈ ચમત્કાર સાથે જોડતો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. તેથી અધિકારીઓએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવાની અપીલ કરી છે.
હાલ ઉપલબ્ધ તમામ માહિતીના આધારે ઉપરવાસમાં ભારે વરસાદ પછી થયેલા ભૂગર્ભ જળના રિચાર્જિંગ, તેના કારણે વધેલા દબાણ અને પાણીની નીચે ફસાયેલી હવાના બહાર નીકળવાના કારણે આ ઘટના બની હોવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવી રહી છે. જોકે અન્ય તમામ સંભાવનાઓની પણ તપાસ ચાલી રહી છે અને ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિગતવાર અહેવાલ બાદ જ આ અનોખી ઘટનાનું ચોક્કસ વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે.


