પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ હતી સંભલ હિંસા, સમાજવાદી પાર્ટીના સાંસદ બર્કની મુખ્ય ભૂમિકા: ન્યાયિક આયોગનો રિપોર્ટ

નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal Violence) જામા મસ્જિદમાં સરવે કરવા ગયેલા અધિકારીઓ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી હતી. હવે ઘટસ્ફોટ થયો છે કે 24 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસા કોઈ અચાનક ઉપજેલો વિવાદ નહોતો, પરંતુ એક પૂર્વઆયોજિત ષડયંત્રનું પરિણામ હતું. આ ઘટનાની તપાસ માટે રચાયેલા ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચે પોતાનો 857 પેજનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો, જે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. આ અહેવાલમાં પંચે સ્પષ્ટ કર્યું છે કે આ હિંસા પાછળ અગાઉથી રચાયેલું કાવતરું અને ઉશ્કેરણી મુખ્ય કારણ હતાં.

તપાસ પંચના અહેવાલ મુજબ, 19 નવેમ્બર 2024ના રોજ સિવિલ જજે જામા મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ જ હિંસાનું મોટું ષડયંત્ર રચવાનું શરૂ થઈ ગયું હતું. 19 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું અને 24 નવેમ્બરે જ્યારે ટીમ સરવે માટે પહોંચી ત્યારે જાણીજોઈને હિંસા ભડકાવવામાં આવી હતી.

સપા સાંસદ બર્ક અને અન્ય નેતાઓ પર ઉશ્કેરણીનો આરોપ

અહેવાલમાં હિંસા અને ઉશ્કેરણી માટે સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહમાન બર્ક અને સંભલના ધારાસભ્યના પુત્ર સોહેલ ઇકબાલને મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જામા મસ્જિદ ઇંતઝામિયા કમિટીના પ્રમુખ ઝફર અલી, એડવોકેટ કાસિમ જમાલ, સચિવ મશહૂદ અલી ફારૂકી અને ઉપપ્રમુખ લહદન ખાન સહિતના સભ્યોનાં નામ પણ સામેલ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ તમામ ઇસ્લામી કટ્ટરપંથી નેતાઓ 19 નવેમ્બરે આવેલા સિવિલ જજના સરવે આદેશથી ભારે નારાજ હતા. તેઓ મસ્જિદની કોઈ પણ પ્રવૃત્તિ કે પરિસરમાં કોર્ટ અથવા કોઈ અન્ય પક્ષના હસ્તક્ષેપના બિલકુલ પક્ષમાં નહોતા. આ જ નારાજગીને કારણે તેમણે કાયદાકીય પ્રક્રિયાનો સ્વીકાર કરવાના બદલે ઉશ્કેરણીનો માર્ગ પસંદ કર્યો હતો.

ફેક ન્યૂઝ ફેલાવી ભડકાવી હતી હિંસા

ન્યાયિક તપાસમાં સામે આવેલાં તથ્યો અનુસાર કેટલાક અસામાજિક તત્વોએ વિડિયો મેસેજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યંત ભડકાઉ સંદેશાઓ ફેલાવ્યા હતા. સામાન્ય લોકોને એવું વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરાયો હતો કે સરવેના બહાને જામા મસ્જિદને પચાવી પાડવાનું કે તેને નુકસાન પહોંચાડવાનું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે.

આ અફવાઓ વચ્ચે મસ્જિદમાં ભડકાઉ ભાષણો આપવામાં આવ્યાં હતાં. આ ભાષણો બાદ પરિસરમાં ભારે નારેબાજી શરૂ થઈ ગઈ હતી. જોતજોતાંમાં વાતાવરણ તંગ બની ગયું અને ત્યાં એકત્ર થયેલી ભીડે પથ્થરમારો, આગચંપી અને ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું.

હિંસા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને વહીવટીતંત્ર પર સંગઠિત રીતે પથ્થરમારો કર્યો હતો અને ગોળીબાર પણ કર્યો હતો. આટલું જ નહીં, હિંસક તત્વોએ પોલીસ પાસેથી શસ્ત્રો અને રમખાણ નિયંત્રણ સામગ્રી લૂંટી લીધી હતી તેમજ સરકારી અને જાહેર વાહનો તથા સંપત્તિઓને આગ ચાંપી દીધી હતી. આ હિંસક હુમલામાં 28 પોલીસ અને વહીવટી અધિકારીઓ તથા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ચારનાં મોત મુસ્લિમ પક્ષના ગોળીબારથી થયાં

ઘટના દરમિયાન ચાર લોકોનાં મોત થયાં હોવાનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં છે. અહેવાલ મુજબ, આ ચારેય મોત મુસ્લિમ પક્ષ તરફથી કરવામાં આવેલા પૂર્વઆયોજિત ગોળીબારનું પરિણામ હતું. મૃતકોના પરિવારોએ પણ પોલીસના ગોળીબારથી મોત થયાનું દાવો કર્યો નથી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની (FSL) તપાસ અને ઘટનાસ્થળના રી-ક્રિએશન રિપોર્ટમાં પણ આ જ તથ્યોની પુષ્ટિ થઈ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઝિયા-ઉર-રહમાન બર્ક અને સોહેલ ઇકબાલે પોતાના રાજકીય વર્ચસ્વને જાળવી રાખવા તેમજ સરકાર અને પોલીસને બદનામ કરવા માટે લોકોને ઉશ્કેર્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે જૂની રાજકીય હરીફાઈ પણ હતી. આ ઉપરાંત, જિલ્લામાં મુસ્લિમોના તુર્ક અને પઠાણ જૂથો વચ્ચેની વર્ચસ્વની લડાઈએ પણ હિંસક વાતાવરણ ઊભું કરવામાં ભાગ ભજવ્યો હતો. ઘટનાસ્થળેથી 12-બોરના કારતૂસ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે હિંસામાં સ્થાનિક અને બહારના ઉપદ્રવીઓ સામેલ હતા.

અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં થઈ તપાસ

સંભલ હિંસાનાં કારણો અને તમામ પાસાંની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 28 નવેમ્બર 2024ના રોજ ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરી હતી. આ પંચના અધ્યક્ષ અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોડા હતા. આ પંચે ઘટનાની પૃષ્ઠભૂમિ, ભીડની વર્તણૂક, પોલીસ પરના હુમલા અને મોતોથી જોડાયેલાં તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

અહેવાલમાં તપાસ પંચે હિંસા પર ઝડપી અને અસરકારક નિયંત્રણ મેળવવા બદલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની કામગીરીની ભારે પ્રશંસા કરી છે. અધિકારીઓ પોતે ઘાયલ થયા હોવા છતાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સંયમ અને તત્પરતા દાખવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

ન્યાયિક તપાસ પંચના આ તારણોએ સ્પષ્ટ કરી દીધું છે કે 24 નવેમ્બરની સંભલ હિંસા કોઈ તાત્કાલિક કે અચાનક થયેલો ઝઘડો નહોતો, પરંતુ ચોક્કસ રાજકીય અને સ્થાનિક હિતો ખાતર ઘડાયેલું એક મોટું ષડયંત્ર હતું. 857 પેજનો આ રિપોર્ટ હવે આ ઘટના પાછળના દોષિતો સામે કાનૂની કાર્યવાહી કરવામાં મહત્વનો આધાર બનશે.