આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી માગતી અભિષેક બેનર્જીની અરજી કલકત્તા હાઇકોર્ટે ફગાવી

કલકત્તા હાઇકોર્ટે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અભિષેક બેનર્જીની એક અરજી ફગાવી દીધી છે. બેનર્જીએ આંખની સારવાર માટે વિદેશ જવા માટે પરવાનગી માગી હતી.

અભિષેક બેનર્જીની અરજી પર કોર્ટે બુધવારે (5 ઑગસ્ટ) નિર્ણય આપ્યો. કોર્ટે પહેલાં એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે અભિષેક બેનર્જીને ખરેખર વિદેશ જઈને સારવાર કરવાની જરૂર છે કે કેમ અને શું ભારતમાં સારવાર શક્ય નથી. જેના માટે SSKM હોસ્પિટલના મેડિકલ બોર્ડને સૂચના આપવામાં આવી હતી. પણ બેનર્જીએ આ ચકાસણી માટે જ ઇનકાર કરી દેતાં કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે એક પછી એક કેસમાં FIR થઈ રહી હતી, તપાસ માટે એજન્સીઓ તેડું મોકલી રહી હતી ત્યારે અભિષેક બેનર્જીએ રાહત માટે કલકત્તા હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેમને વચગાળાની રાહત તો આપી પરંતુ કોર્ટની પરવાનગી વગર વિદેશ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ અભિષેક બેનર્જીએ આંખની સારવારનું કારણ આપીને કલકત્તા હાઇકોર્ટ પાસે વિદેશ પ્રવાસની મંજૂરી માગી.

કોર્ટે તાત્કાલિક મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ મંજૂરી ત્યારે જ આપી શકાય જ્યારે કોલકાતાની SSKM હોસ્પિટલનું મેડિકલ બોર્ડ ચકાસણી કરીને એ જણાવે કે ખરેખર અભિષેક બેનર્જીની સારવાર ભારતમાં ક્યાંય થઈ શકે એમ નથી અને તેમણે વિદેશ જવું પડી શકે છે.

આ આદેશની સામે અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત ન મળી અને કોર્ટે કહ્યું કે આ નિર્ણય હાઇકોર્ટ જ કરશે અને એક સપ્તાહમાં નિર્ણય કરશે. હવે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે.

અભિષેક બેનર્જીની વિનંતી પર કોર્ટે કહ્યું કે, “જો સારવાર ભારતમાં થઈ શકતી હોય તો વિદેશ જવાની કોઈ જરૂર નથી. અમે SSKM હોસ્પિટલના વિભાગને કહીશું કે ત્રણ ડૉક્ટરોની એક સમિતિ બેનર્જીને ચકાસીને રિપોર્ટ રજૂ કરે. જો સારવારની તાતી જરૂરિયાત હોય તો ભારતમાં પણ થઈ શકશે. મેડિકલ સાયન્સમાં આપણે (ભારત) બહુ પાછળ હોઈએ એમ નથી. સુપ્રીમ કોર્ટના જજો પણ ભારતમાં જ સારવાર મેળવે છે.”

જેના જવાબમાં અભિષેક બેનર્જી તરફથી જણાવવામાં આવ્યું કે તેઓ ઘણા સમયથી વિદેશમાં સારવાર લેતા રહ્યા છે અને આંખની સારવાર ક્યાં કરાવવી અને ક્યાં નહીં એ તેમનો અંગત વિષય છે. સાથે કહ્યું કે અગાઉ ભારતમાં આંખની થોડીઘણી સારવાર થઈ હતી પરંતુ એ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.

બીજી તરફ રાજ્ય સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે એવી કોઈ મેડિકલ ઈમર્જન્સી નથી કે અભિષેક બેનર્જીએ વિદેશ જઈને સારવાર કરાવવી પડે. બીજું, તેમની વિરુદ્ધ અનેક FIR પર તપાસ ચાલી રહી છે, જેથી તેમની ભારતમાં ઉપસ્થિતિની પણ જરૂર પડશે.

અભિષેક બેનર્જીએ જ્યારે SSKM હોસ્પિટલના બોર્ડ સમક્ષ હાજર રહેવાની અને ચકાસણી કરાવવાની ના પાડી દીધી ત્યારે કોર્ટે અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સારવાર માટે વિદેશ જવાની તાતી જરૂરિયાત છે એવું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પરવાનગી આપી શકાય નહીં.