પહેલેથી POKમાં થતા અત્યાચારો અવગણી રહ્યું હતું વિદેશી મીડિયા, હવે પાકિસ્તાની સરકારે વિદેશી પત્રકારો પર લાદી દીધાં કડક નિયંત્રણો

(Photo: AI)

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) ચાલતાં પ્રદર્શનો અને સુરક્ષાબળોના બળપ્રયોગ અને હિંસા વચ્ચે પાકિસ્તાનની સરકારે વિદેશી પત્રકારો માટે ‘ફોરેન મીડિયા ફેસિલિટેશન ગાઇડલાઇન્સ, 2026’ હેઠળ આકરાં નિયંત્રણો લાદી દીધાં છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક્સટર્નલ પબ્લિસિટી (EP) વિંગે જાહેર કરેલ આ નિયમો અનુસાર હવે વિદેશી પત્રકારોએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી સિવાયના દેશના કોઈપણ ખૂણે જઈને ન્યુઝ કવરેજ કરવા માટે સરકાર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું ફરજિયાત રહેશે. વિદેશી મીડિયાના કેમેરાથી પોતાના કારનામા છુપાવવા માટે ઈસ્લામાબાદે આ ગતિવિધિ હાથ ધરી છે.

નવા નિયમો મુજબ વિદેશી પત્રકારો જ નહીં પરંતુ વિદેશી મીડિયા સાથે જોડાયેલા સ્થાનિક પત્રકારો, ફ્રીલાન્સર અને ટ્રાન્સલેટર માટે પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન અને QR-કોડ આધારિત નવા એક્રેડિટેશન કાર્ડ ફરજિયાત બનાવાયા છે. સમાચાર, વિડીયો, ડોક્યુમેન્ટરી કે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવા માટે અગાઉથી મંજૂરી લેવી પડશે. એટલું જ નહીં, મરી કે એબટાબાદ જેવા વિસ્તારોમાં અંગત પ્રવાસ માટે પણ સરકારની પરવાનગી લેવી પડશે. જો કોઈ પત્રકાર પાકિસ્તાનની ‘વિચારધારા કે સુરક્ષા’ વિરુદ્ધ રિપોર્ટિંગ કરશે તો તેનું કાર્ડ રદ કરી દેવાશે, જે વ્યાખ્યાનો ઉપયોગ કરીને કોઈપણ સ્વતંત્ર પત્રકારનો અવાજ દબાવી શકાશે.

આ કડક નિયંત્રણો લાવવા પાછળનું મુખ્ય કારણ PoKમાં સતત વધી રહેલો જનાક્રોશ છે. PoKમાં કથિત ચૂંટણીઓ અને દમનકારી નીતિઓ સામે રસ્તા પર ઉતરેલા નાગરિકો પર પાકિસ્તાની સેના અને પોલીસે આચરેલા અત્યાચારોના વિડીયો દુનિયા સામે આવ્યા હતા. સત્ય ઉજાગર કરવા બદલ પાકિસ્તાને તાજેતરમાં જ અનેક ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેને ‘દેશવિરોધી પ્રોપગેન્ડા’ ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ફજેતીથી બચવા માટે હવે આખા PoKમાં વિદેશી પત્રકારોના પ્રવેશ પર જ એક પ્રકારે રોક લગાવી દેવાઈ છે.

જોકે, પહેલેથી જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં PoKની સ્થિતિની અવગણવામાં આવી રહી છે, એવામાં આ પ્રતિબંધોના કારણે PoKની વાસ્તવિક સ્થિતિ વિશ્વ સમક્ષ આવતી રોકવાનો વધુ એક પ્રયાસ છે. નોંધનીય છે કે વૈશ્વિક મીડિયા આઉટલેટ્સ ભારતના નાનકડા મુદ્દાને પણ મોટું સ્વરૂપ આપીને ભારત વિરોધી પ્રોપગેન્ડા ચલાવવામાં ક્ષણનો પણ વિલંબ કરતાં નથી. જ્યારે બીજી તરફ PoKમાં પાકિસ્તાની સેના ખુલ્લેઆમ માનવાધિકારોનું હનન કરી રહી છે, ઇન્ટરનેટ બંધ કરી રહી છે અને પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી રહી છે છતાં વિદેશી મીડિયાનું ધ્યાન ત્યાં જતું નથી. ભારતના કિસ્સામાં રાઇટ-ટુ-ફ્રીડમની વાતો કરતું વિદેશી મીડિયા PoKની અત્યંત ગંભીર સ્થિતિ પર મૌન સેવીને બેસી રહે છે.

અગાઉથી જ આંતરરાષ્ટ્રીય મીડિયા PoKના ગંભીર મુદ્દાઓ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યું હતું ત્યારે હવે પાકિસ્તાને લાદેલાં આ નવાં નિયંત્રણોના કારણે PoKના સત્ય પર આખરી પડદો પડી જશે. વિદેશી પત્રકારોનું કવરેજ અટકી જતાં પાકિસ્તાન સરકાર અને સુરક્ષાબળોને PoKના નાગરિકો પર વધુ અત્યાચાર કરવાની ખુલ્લી છૂટ મળી જશે.