પોરબંદરમાં મૌલાના સામે મુસ્લિમ જૂથે જ નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ: વેરાવળ-ધોરાજીમાં પણ પોલીસ ફરિયાદ

પોરબંદર શહેરમાં મજહબી લાગણી દુભાવવા અને મુસ્લિમ સમાજના વિવિધ વર્ગો તથા સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ હેઠળ પોરબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે ‘સતાર મૌલાના’ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a), 196(1)(b), 299 અને 352 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં ધોરાજી અને વેરાવળમાં પણ મૌલાના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર 20 જુલાઈની રાત્રિથી 21 જુલાઈની વહેલી સવાર દરમિયાન પોરબંદરના નગીના મસ્જિદ પાછળ આવેલા તાજુસરીયા હોલ જમાતખાનામાં હૈદરી યંગ કમિટી દ્વારા એક મજહબી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હામદાણીએ માઇક પર આપેલા ભાષણ દરમિયાન સૈયદ જમાત, મોહરમ અને તાજિયા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે, જેનાથી લોકોની લાગણી દુભાઈ હતી.

આ સમગ્ર મામલે અબ્દુરરસીદ અબ્દુલગફાર બુખાએ પોરબંદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઉશ્કેરણીજનક ભાષણનો વિડીયો ‘ABDUL SATTAR RAZVI’ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ભાષણની સામગ્રી અને વિડીયો સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરી છે.

આ વિવાદના પડઘા પોરબંદર સિવાય અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. સૈયદ સમાજ અંગે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને કારણે કોડીનાર સમસ્ત સૈયદ જમાત અને સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો અને યુવાનોમાં આ ઘટનાને લઈને ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે.

કોડીનાર ખાતે સૈયદ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરિયાણીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને BNS અને IT એક્ટની સંબંધિત કડક જોગવાઈઓ હેઠળ આરોપી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ મામલે સૈયદ સમાજના એક આગેવાને જણાવ્યું હતું કે મૌલાનાએ તેમની કોમને વખોડવા માટેનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં તેની સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે તેઓ મુસ્લિમોમાં સુવર્ણ છે અને મોહમ્મદ પયગંબરના વંશજો છે. તેમણે આ મામલે સમગ્ર ગુજરાતમાં FIR નોંધાવવા માટેની વાત કરી છે. તેમણે કડક કાર્યવાહીની માંગણી સાથે પોલીસને આવેદન પણ સોંપ્યું હતું.

કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટરે આવેદનપત્ર સ્વીકારીને સમાજના આગેવાનો અને યુવાનોને આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી છે. હાલમાં પોરબંદર અને કોડીનાર પોલીસ વિડીયો અને પ્રાથમિક પુરાવાઓની તપાસ કરી રહી છે, જેના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.