‘પોલીસ યુનિફોર્મમાં જંતર-મંતર પર ઉપદ્રવ મચાવવાનું કાવતરું’: બંગાળ STFએ પકડેલા હમીમના કેસમાં ઘટસ્ફોટ, પાકિસ્તાની હેન્ડલરો સાથે હતો સંપર્કમાં

પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) શનિવારે પકડેલા આતંકવાદી હમીમ મોંડલ અને તેની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકાર વિશે પોલીસે વધુ જાણકારી સાર્વજનિક કરી છે. જાણવા મળ્યા અનુસાર બંને દિલ્હીમાં યોજાયેલા જંતર-મંતર પરના પ્રદર્શન દરમ્યાન પોલીસના વેશમાં ઘૂસીને હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યાં હતાં. આ કાવતરું પાકિસ્તાની હેન્ડલરોના કહેવા પર પાર પાડવામાં આવનાર હતું.

ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે હમીમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને પણ સતત ટ્રેક કરતો રહેતો હતો. પોલીસે તેને બંગાળના બર્ધમાનમાંથી શનિવારે (1 ઑગસ્ટ) પકડી લીધો હતો. તેની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારને ઝારખંડથી પકડવામાં આવી હતી. બંનેને 13 દિવસ માટે કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.

STF આઈજી ગૌરવ શર્માએ આપેલી જાણકારી અનુસાર હમીમ સોશિયલ મીડિયા અને અન્ય એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનની મદદથી પાકિસ્તાની હેન્ડલરો સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાની હેન્ડલરોએ તેને દિલ્હીના જંતર-મંતર પર થતા પ્રદર્શમાં જવા માટે અને અરાજકતા ફેલાવવા માટે જણાવ્યું હતું અને સાથે સૂચના આપવામાં આવી હતી કે તે સાથે થોડા માણસોને લઈ જાય, જેમને પોલીસના યુનિફોર્મ આપવામાં આવે. અર્થાત્ પોલીસના યુનિફોર્મમાં જઈને પોલીસ બનીને અરાજકતા અને હિંસા આચરવાનું પ્લાનિંગ આ ગેંગ કરી રહી હતી. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે હમીમે આ પ્લાન માટે કેટલા માણસોને તૈયાર કર્યા હતા કે કોઈનો સંપર્ક કર્યો હતો કે કેમ.

તપાસ દરમ્યાન STFને અબીર જાટ, ઉઝૈર, રાના અને હમાદ વગેરે નામો સાથેનાં પાકિસ્તાની હેન્ડલો મળી આવ્યાં છે. આ તમામ શહજાદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. તેઓ બ્રિટન અને મેક્સિકોના સીમ કાર્ડ વાપરતા હતા. પોલીસ હાલ તપાસ કરી રહી છે અને એ પણ ચકાસી રહી છે કે આ મોડ્યુલમાં અન્ય કેટલા માણસો કામ કરતા હતા.

હમીમ ISI સમર્થિત મોડ્યુલનો ભાગ હતો જે ભાજપ નેતાઓ સહિતના VIP પર નજર રાખવા, તેમના વિશે માહિતી એકઠી કરવાનું કામ કરતું હતું. ઉપરાંત મોડ્યુલમાં માણસોની ભરતી કરવામાં આવતી અને તેમને બ્રેનવૉશ કરવામાં આવતા જેથી ભવિષ્યમાં બંગાળમાં કે અન્ય ઠેકાણે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી શકાય. હમીમ લગભગ ચારેક મહિના પહેલાં પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે અને તેને તેના જેવા અન્ય માણસોની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

હમીમના મોબાઇલ ફોનની તપાસ દરમ્યાન STFને અર્પિતા સરકાર વિશે જાણકારી મળી હતી, જે બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમસંબંધ હોવાનું કહેવાય છે. અર્પિતા પણ હમીમ સાથે કામ કરતી હતી અને તેઓ હની ટ્રેપિંગ માટેનું પણ એક નેટવર્ક ચલાવી રહ્યાં હતાં. અર્પિતાએ હમીમને અમુક માણસો સાથે સંપર્ક કરાવવામાં મદદ કરી હતી. પોલીસ હાલ આ તમામ રેકર્ડ ચકાસી રહી છે.

બંગાળ STFએ જણાવ્યું છે કે આ દિશામાં સર્વગ્રાહી તપાસ ચાલી રહી છે અને જેમ-જેમ નામો ખૂલતાં જશે તેમ-તેમ ધરપકડ કરવામાં આવશે.