સાઉદી વચ્ચે પડ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની યોજના ટાળી, ડીલ વહેલી તકે પૂર્ણ કરવાની શરત મૂકી

મધ્ય-પૂર્વીય દેશોની વિનંતી બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલા કરવાની યોજના ટાળી દીધી હોવાના સમાચારો છે. રવિવારે સવારે (ભારતીય સમયાનુસાર) ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ હાલ પૂરતા ઇરાન પર હુમલો કરવાનું ટાળી રહ્યા છે અને ઝડપથી ડીલ કરવા માટે વાતચીત થશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકા ઈરાન પર ભીષણ હુમલા કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને તેની તીવ્રતા એટલી હશે કે દુનિયાએ બીજા વિશ્વ યુદ્ધ પછી આવો ભીષણ હુમલો નહીં જોયો જોય. પરંતુ ઈરાન અને અન્ય મધ્યપૂર્વીય દેશોએ અમેરિકાને જણાવ્યું હતું કે ડીલ પર વાતચીત ચાલુ રાખવામાં આવે અને ત્યાં સુધી કોઈ હુમલા કરવામાં નહીં આવે. ડીલની મુખ્ય શરત એ છે કે ઈરાન પરમાણુ કાર્યક્રમ બંધ કરે અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે અને તાત્કાલિક અસરથી ખોલી નાખવામાં આવે.

ટ્રમ્પે કહ્યું કે આ વિનંતીના આધારે અને દુનિયાના અન્ય દેશોનું વિચારીને તેઓ હાલ હુમલા રોકી રહ્યા છે, પરંતુ શરત એ છે કે હવે ડીલ વહેલી તકે થવી જોઈએ. સાથે ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણયમાં ઈઝરાયેલ પણ અમેરિકાની સાથે છે.

સમાચાર અહેવાલોનું માનીએ તો તાજેતરમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંભવિત હુમલા વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને હુમલાઓ ટાળવા માટે કહ્યું હતું. બીજી તરફ ઈરાને પણ ધમકી આપી હતી કે અમેરિકા ફરી હુમલા કરશે તો ઈરાન પાડોશી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર એટલી જ તીવ્રતાથી હુમલાઓ શરૂ કરી દેશે. દરમ્યાન ઈરાન કુવૈત પર બે ડ્રોન હુમલા કરી ચૂક્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં પણ અમુક જહાજો પર ડ્રોન હુમલા થયા છે.

સાઉદી અરબની મૂળ ચિંતા એ છે કે અમેરિકાએ જો ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું અને ત્યાં હુમલા કર્યા તો જવાબમાં ઈરાન પાડોશી મધ્ય-પૂર્વીય દેશોમાં ઉત્પાત મચાવી શકે છે, જેના કારણે ફરી એક વખત તણાવ વધવાની સંભાવના છે.

ઈરાન ધમકી આપી ચૂક્યું છે કે અમેરિકા કે ઇઝરાયેલ તરફથી ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવામાં આવ્યા તો ઈરાન એટલી જ તીવ્રતાથી પાડોશી દેશો સાઉદી અરબ અને યુએઈમાં ઓઇલ ફિલ્ડને ટાર્ગેટ બનાવશે, ઉપરાંત કતાર અને ઇઝરાયેલમાં ગેસ ફિલ્ડ પર પણ હુમલા કરશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અમેરિકા અને ઈરાને એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ભંગ થોડા જ દિવસોમાં થઈ ગયો અને બંને ફરી બાખડવા માંડ્યાં હતાં. હવે ફરી એક વખત બંને વચ્ચે ડીલ માટે વાતચીત શરૂ થઈ છે.