
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (2 ઑગસ્ટ) રાષ્ટ્રવ્યાપી ‘નશા મુક્ત યુવા અભિયાન’ લૉન્ચ કર્યું. સાથે તેમણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન પણ કર્યું. વડા પ્રધાને કહ્યું કે આગામી 100 સપ્તાહ સુધી નશા વિરુદ્ધ દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે અને દર રવિવારે ડ્રગ-ફ્રી ઇન્ડિયા તરફ દેશ એક ડગલું ભરશે. તેમણે દેશભરના યુવાનોને આ અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં સરકાર દરેક યુવાન સાથે મજબૂતીથી ઊભી છે અને દેશભરમાં ડ્રગ તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. પહેલાંની સરખામણીએ ધરપકડનું પ્રમાણ પણ અનેકગણું વધ્યું છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ જપ્ત કરવમાં આવી રહ્યું છે. જે દર્શાવે છે કે સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે.
Speaking at the launch of 'Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan', a 100-week campaign against substance abuse. I urge every citizen, especially our youth, to join this movement. https://t.co/ucvrcAyK4C
— Narendra Modi (@narendramodi) August 2, 2026
વડા પ્રધાને કહ્યું કે દેશભરમાંથી લાખો યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા લીધી છે અને આવનારાં સપ્તાહોમાં જેમ-જેમ અભિયાન આગળ વધશે તેમ તેમાં ગતિ જોવા મળશે. તેમણે ઉમેર્યું, “આવનારા 100 રવિવારે ડ્રગ-ફ્રી ઇન્ડિયા તરફનાં 100 ડગલાં સમાન હશે.”
પીએમ મોદીએ યુવાનોને દેશની અમૃત પેઢી ગણાવીને કહ્યું કે વિકસિત ભારત 2047માં આજના યુવાનોનો સિંહફાળો રહેશે. આ જ પેઢી ત્યારે દેશને આગળ લઈ જશે. આ જ પેઢી છે જેને વિકસિત ભારતનો સૌથી વધુ લાભ મળશે. દેશને આ યુવાનોની ઉર્જા, આકાંક્ષાઓ અને કૌશલ્યની જરૂર છે અને એટલે જ દેશ ડ્રગ ફ્રી રહે એ દેશ માટે પણ અને આ યુવાનોના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે જ્યારે એક યુવાન નશાના કુચક્રમાં ફસાય છે ત્યારે એ વ્યક્તિ જ નહીં પણ તેનાં સપનાં પણ નષ્ટ થઈ જાય છે. શત્રુ દેશો આપણા યુવાનોને નશાની કુટેવમાં ફસાવવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. ડ્રગ્સના સપ્લાયથી જે નફો થાય છે તેનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે જ કરવામાં આવે છે. એટલે આપણે એ યાદ રાખવું જરૂરી છે કે આપણા ઘરનું બાળક નશાનો ભોગ બને તો ‘સમાજના ડરે’ આ વાત છુપાવવા કરતાં તેનું સમાધાન શોધવું જોઈએ. જ્યાંથી જરૂર પડે ત્યાંથી મદદ લેવી જોઈએ. તેના માટે મેડિકલ હેલ્પ લેવા માટે પણ પીએમ મોદીએ જણાવ્યું.
વડા પ્રધાને કહ્યું કે બાળકો અને માતા-પિતા વચ્ચે સંવાદ પણ બાળકોને નશાના રવાડે ચડતાં અટકાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેથી પરિવારોમાં સંવાદ થતા રહે એ જરૂરી છે. સાથે તેમણે
કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોને પણ વિદ્યાર્થીઓ સાથે આ દિશામાં સંવાદ કરવા માટે અને પ્રયાસો હાથ ધરવા માટે અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે યોગ, ધ્યાન, રિહેબિલિટેશન સેન્ટર વગેરે પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થયેલું આ અભિયાન 100 સપ્તાહ સુધી દેશભરમાં ચાલશે અને દર રવિવારે ડ્રગ્સવિરોધી અભિયાનો, અવેરનેસ કેમ્પેઈન વગેરેનું આયોજન કરવામાં આવશે.

