હોમપેજરાજકારણઝારખંડમાં પેપર લીક વિરુદ્ધ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર: 'NEET'ના નામે રાજકારણ કરનાર...

ઝારખંડમાં પેપર લીક વિરુદ્ધ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર: ‘NEET’ના નામે રાજકારણ કરનાર વિપક્ષ અને CJP હવે કેમ ગાયબ?

તાજેતરમાં NEET પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર CJP ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનથી દૂર જોવા મળી રહી છે. દિલ્હીમાં થયેલા વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ ઉઠાવનાર CJPએ ઝારખંડમાં ચાલી રહેલા વિરોધ અંગે કોઈ નોંધપાત્ર ભૂમિકા ભજવી નથી.

- Advertisement -

ઝારખંડમાં પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓ, પેપર લીક, ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને વર્ષોથી લંબાતી પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હજારો વિદ્યાર્થીઓ રાજ્યભરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે જવાબદારી નક્કી કરવાની તેમજ શિક્ષણ અને ભરતી વ્યવસ્થામાં મોટા સુધારાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની (JPSC) પરીક્ષાઓમાં વારંવાર સામે આવેલી ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓમાં લાંબા સમયથી અસંતોષ હતો, જે હવે મોટા વિદ્યાર્થી આંદોલનમાં ફેરવાયો છે.

તાજેતરનું આંદોલન આ વર્ષની શરૂઆતમાં સામે આવેલા JPSC પેપર લીક કેસ બાદ શરૂ થયું હતું. આ કેસમાં અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિવાદ બાદ JPSCના અધ્યક્ષ લાલબિયાક્તલુઆંગા (L.) ખિયાંગટેએ રાજીનામું આપ્યું હતું. હાલમાં CID દ્વારા પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના મામલે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આંદોલનની શરૂઆત 25 જુલાઈના રોજ રાંચીથી થઈ હતી, પરંતુ થોડા જ દિવસોમાં તે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું. ઝારખંડના લગભગ 24 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ પારદર્શક ભરતી પ્રક્રિયા, જવાબદારી નક્કી કરવા અને શિક્ષણ વ્યવસ્થામાં મોટા સુધારાની માંગ કરી રહ્યા છે. રાંચીનું જયપાલ સિંઘ મુંડા સ્ટેડિયમ આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

- Advertisement -

29 જુલાઈના રોજ આંદોલનના આયોજકોએ ‘મહા આંદોલન’નું આહ્વાન કર્યું હતું. તેમણે રાજ્યના દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓને ભારતીય બંધારણની નકલો અને તિરંગા સાથે રાંચી સુધી ‘કોન્સ્ટિટ્યુશન માર્ચ’ કાઢવા અપીલ કરી હતી. આ આહ્વાનને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે 5,000 વિદ્યાર્થીઓએ રાંચીની સડકો પર શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. તેમના હાથમાં ભારતીય બંધારણની નકલ અને રાષ્ટ્રધ્વજ જોવા મળ્યાં હતાં.

વિરોધ પ્રદર્શનમાં સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. પ્રદર્શન સ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા છે.

પરીક્ષાઓમાં વારંવારની ગેરરીતિઓથી વિદ્યાર્થીઓમાં રોષ

ઝારખંડના વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિવિધ ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓનો સામનો કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના પરિવારોમાંથી આવે છે, જેમના માટે સરકારી નોકરી માત્ર રોજગારનું સાધન નહીં, પરંતુ સમગ્ર પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી આશા હોય છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજ્યમાં યોજાયેલી અનેક મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિઓના આરોપો લાગ્યા છે. તેમાં JSSC-CGL, JPSC Combined Civil Services, Excise Constable Recruitment, JAC ધોરણ 10 બોર્ડ પરીક્ષા અને NEET UG જેવી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. ક્યાંક પેપર લીક થયા, ક્યાંક સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા તો ક્યાંક છેતરપિંડીના આરોપો સામે આવ્યા.

વર્ષ 2023માં યોજાયેલી JSSC-CGL પરીક્ષા સૌથી મોટા વિવાદોમાંથી એક બની હતી. પેપર લીકના આરોપો બાદ આખી પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, ત્યારબાદ ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની CID તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.

આ જ રીતે JAC ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન હિન્દી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ત્યારબાદ બંને પેપર રદ કરીને ફરીથી લેવામાં આવ્યા હતા. બાદમાં NEET UG પેપર લીક કેસની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તો માત્ર થોડાં ઉદાહરણો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે વર્ષોથી ચાલતી આવી ગેરરીતિઓએ હવે તેમની ધીરજનો અંત લાવી દીધો છે અને હવે તેઓ માત્ર જવાબદારી નક્કી કરવાની અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓના આંદોલનને ભાજપનું સમર્થન, હેમંત સોરેન સરકાર પર નિશાન

ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ સમર્થન જાહેર કર્યું છે. 31 જુલાઈના રોજ પેપર લીક મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદિત્ય પ્રસાદ સાહૂએ કોંગ્રેસ પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સામે વિદ્યાર્થીઓના વિરોધને સમર્થન આપતી કોંગ્રેસ ઝારખંડમાં એ જ પ્રકારના વિરોધ પ્રદર્શન અંગે મૌન ધારણ કરીને બેઠી છે.

સાહૂએ કહ્યું હતું કે, “ઝારખંડમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર બન્યા બાદથી JPSC અને JSSC-CGL સહિતની અનેક પરીક્ષાઓ પહેલાં મોટાપાયે પ્રશ્નપત્રો લીક થયા છે. આ વખતે પણ JPSC અને JSSC-CGLની પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થયા, તેમ છતાં રાજ્ય સરકાર ઘોર નિંદ્રામાં છે.”

ભાજપના પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સમર્થનવાળી ઝારખંડ સરકાર પરીક્ષાઓ સંબંધિત કૌભાંડોમાં સીધી રીતે સંડોવાયેલી છે. તેમના શબ્દોમાં, “કોંગ્રેસના સમર્થનવાળી સરકાર આવા કૌભાંડો દ્વારા યુવાનો પાસેથી રોજગારની તકો છીનવી રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દિલ્હીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, જ્યારે ઝારખંડમાં એ જ કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણપણે મૌન છે.”

ભાજપે મુખ્યમંત્રી હેમંત સોરેનનાં રાજીનામાંની પણ માંગ કરી છે. પક્ષનું કહેવું છે કે પરીક્ષાઓમાં વારંવાર થતી ગેરરીતિઓને રોકવામાં તેમની સરકાર નિષ્ફળ ગઈ છે અને તેના કારણે લોકોનો સરકાર પરનો વિશ્વાસ ઘટ્યો છે.

CJP અને વિપક્ષની ગેરહાજરી

તાજેતરમાં NEET પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર CJP ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનથી દૂર જોવા મળી રહી છે. દિલ્હીમાં થયેલા વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ ઉઠાવનાર CJPએ ઝારખંડમાં ચાલી રહેલા વિરોધ અંગે કોઈ નોંધપાત્ર ભૂમિકા ભજવી નથી.

બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) અને આદિવાસી વિદ્યાર્થી સંગઠન (ACS) સહિતના વિવિધ વિદ્યાર્થી સંગઠનો આ આંદોલનમાં જોડાયાં છે. જોકે CJP આ સમગ્ર મુદ્દે મૌન રહી છે.

ઝારખંડના વિરોધ પ્રદર્શનનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સાદા ભાત અને રોટલી ખાઈને પોતાનું આંદોલન ચલાવતા જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ આ જ પ્રકારનો સામાન્ય ખોરાક ખાઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જંતર-મંતર પર વિવિધ સંગઠનો અને જૂથો દ્વારા સતત નાસ્તો અને ભોજન પીરસવામાં આવતું હતું. કેટલાક લોકો તો મફતમાં મળતી બિરયાની, પિઝા અને અન્ય વાનગીઓ ખાવા માટે પણ વિરોધ સ્થળે પહોંચ્યા હતા.

આ ઉપરાંત કેટલાક સંગઠનોએ કોમ્યુનિટી કિચન અને લંગરની પણ વ્યવસ્થા કરી હતી, જ્યારે કેટલાક લોકો ઘરેથી બનાવેલું ભોજન લઈને આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીની બહારથી અને વિદેશમાંથી પણ ફૂડ ડિલિવરી એપ્સ મારફતે વિરોધ સ્થળે ભોજન મોકલવામાં આવતું હતું. CJPના વિરોધ દરમિયાન ભોજનની કોઈ અછત નહોતી, ત્યાં ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પૂરતું ખાવાનું પણ મળી રહ્યું નથી.

NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવનાર CJPએ ઝારખંડમાં સમાન મુદ્દે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓની અવગણના કરી છે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ સમગ્ર દેશમાં જોવા મળતી સમસ્યા હોવા છતાં વિદ્યાર્થીઓના આક્રોશના આધારે પોતાને વિદ્યાર્થી હિતોની લડત લડનાર સંગઠન તરીકે રજૂ કરનાર CJPએ ઝારખંડના વિદ્યાર્થીઓના આંદોલન તરફ સંપૂર્ણપણે આંખ આડા કાન કર્યા છે. સાથે જ જંતર-મંતરના વિરોધ પ્રદર્શનને ખુલ્લેઆમ સમર્થન આપનારા વિપક્ષી પક્ષો પણ ઝારખંડની સ્થિતિ પર અનુકૂળ મૌન સેવી રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં