‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’: CJP પ્રદર્શન દરમ્યાન થયેલી કાર્યવાહીને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી

કોકરોચ જનતા પાર્ટીની 20 જુલાઈની સંસદ કૂચ દરમ્યાન થયેલી હિંસા અને ઉપદ્રવ દરમ્યાન પેલેટ ગોળી ચાલવાના આરોપો બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું કે CRPFની રેપિડ એક્શન ફોર્સે પેલેટ ગન ચલાવી હતી અને તેના કારણે અમુકને ઈજા પહોંચી હતી. પ્રશાંત કુમાર સિંઘ અને શેખ ઈરશાદ મન્સૂરી એમ બે માણસોએ આ અરજી દાખલ કરી છે.

અરજી પર ગુરુવારે (30 જુલાઈ) સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોલીસના નિયમો અનુસાર અમુક અપવાદજનક કિસ્સાઓમાં પેલેટ ગન ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે જો અરજદારોને વાંધો હોય તો તેમણે અરજીમાં આ નિયમો પડકારવા જોઈએ.

અરજદારો તરફથી હાજર વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે તેમને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ગાઈડલાઈન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી જો આવો કોઈ આદેશ કે દસ્તાવેજ હોય તો સરકારે રજૂ કરવો જોઈએ. જવાબમાં કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તેઓ સરકાર તરફથી તમામ મદદ પૂરી પાડશે.

કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે ઘણી વખત જેન્યુઇન પ્રદર્શનો પણ ગમે ત્યારે હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેનું કારણ તેમાં ઘૂસી ગયેલા અસામાજિક તત્ત્વો હોય છે. આવા કિસ્સામાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એજન્સીઓએ આવી કાર્યવાહી કરવી પડે છે. SGએ પણ કહ્યું કે ઘણી વખત સુરક્ષાબળોએ સ્થળ પર જ ત્વરિત રીતે અમુક નિર્ણયો લઈ લેવા પડે છે.

બીજી તરફ કોર્ટે અરજદારોને અરજીમાં સુધારો કરવા માટે સમય આપ્યો છે, જેથી તેઓ રેગ્યુલેશન પડકારી શકે. આ દરમ્યાન RAFના એમ્યુનિશન લૉગ સાચવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સરકારે બાંહેધરી આપી છે કે તપાસ માટે જે કંઈ જરૂરી હશે એ બધું જ યથાવત જાળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના પ્રદર્શન બાદ ઇકોસિસ્ટમે હોબાળો મચાવવાનો શરૂ કર્યો હતો કે દિલ્હી પોલીસ અને RAFએ પ્રદર્શન દરમ્યાન પેલેટ ગન ચલાવી હતી. ત્યારબાદ બે યુવકોને દાખલ કરવામાં આવ્યા. કોર્ટે આ બંનેની સારવાર યોગ્ય રીતે કરવામાં આવે એ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી કે ‘શાંતિપૂર્ણ પ્રદર્શન’ વિખેરવા માટે પેલેટ વગેરેનો ઉપયોગ કરવો એ નિયમોની વિરુદ્ધ છે અને તેની કોઈ આવશ્યકતા ન હતી. દલીલ આપવામાં આવી કે પેલેટ ગનથી સુરક્ષાબળોએ ફાયરિંગ કરવાના કારણે બે યુવકોને ઈજા પહોંચી હતી, જેથી તેઓ સારવાર લઈ રહ્યા છે. અરજીમાં આ અને તેમના જેવા અન્ય વિક્ટિમ માટે વળતરની પણ માંગણી કરવામાં આવી છે.