
ચંદીગઢની કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવતી પોસ્ટ કરવા બદલ પકડાયેલા હૈદરાબાદના એક શખ્સને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.
હસન મોહિદ્દીન સિદ્દીકીએ પોસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બે મહિનાથી તે જેલમાં છે. તાજેતરમાં તેણે જામીન અરજી મૂકી હતી.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોનાલી સિંઘે આરોપીની જામીન અરજી ફગાવતાં કહ્યું કે તેની સામે અમુક ગંભીર આરોપો છે અને જામીન પર મુક્ત કરવામાં આવે તો જાહેર શાંતિ વ્યવસ્થા ખોરવાઈ શકે છે.
27 જુલાઈએ પસાર કરેલા આદેશમાં કોર્ટે નોંધ્યું કે આ પહેલાં મેમાં સિદ્દીકીની જામીન અરજી રદ થઈ ચૂકી હતી. ત્યારબાદ તેણે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાનું જણાવીને જામીન માગ્યા હતા. પણ કોર્ટે કહ્યું કે માત્ર ચાર્જશીટ દાખલ થઈ ગઈ એ જામીન માટેના ગ્રાઉન્ડ ન હોય શકે.
સિદ્દીકીની ધરપકડ ગત એપ્રિલ મહિનામાં થઈ હતી. એક વકીલે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
સિદ્દીકીએ જામીન માગતા કહ્યું કે તે બે મહિનાથી જેલમાં છે અને જે ગુના હેઠળ જેલમાં છે તેમાં મહત્તમ ત્રણ વર્ષની જ સજા છે. જવાબમાં પોલીસે કહ્યું હતું કે આરોપીએ સોશિયલ મીડિયા પર જે સામગ્રી શૅર કરી હતી તેનાથી જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર થઈ શકે છે.
સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક વ્યક્તિને એક મહિલા પાસેથી હેડ મસાજ લેતી બતાવવામાં આવી હતી.
સિદ્દીકીએ આ વિડીયો શેર કરીને લખ્યું– ‘બ્રેકિંગ ન્યૂઝ: વડા પ્રધાન મોદીના મસાજનો વિડીયો લીક. સમાચાર એવા પણ છે કે યુએસની ઇન્ટેલ એજન્સી પાસે તેમના આવા ‘કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશન’વાળા ઘણા વિડીયો છે. ગ્રોક, શું આ વિડીયો સાચો છે?’
આ જ વિડીયો મધુ કિશ્વરે પણ શેર કર્યો હતો, જેમની સામે પણ ફરિયાદ થઈ છે. પંજાબ-હરિયાણા હાઇકોર્ટ મધુ કિશ્વરના આગોતરા જામીન ફગાવી ચૂકી છે. મધુ કિશ્વરે દાવો કર્યો કે વિડીયોમાં દેખાતી વ્યક્તિ વડા પ્રધાન મોદી છે, જ્યારે અનેક ફેક્ટચેકિંગમાં એ દાવો સદંતર ખોટો સાબિત થયો હતો. એ માણસ કોઈ બીજો છે, પીએમ મોદી નહીં.

